છેવટે જે થવાનું હતું એ થઈને જ રહ્યું. છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાની ક્રિકેટ ટીમ ટેસ્ટ ક્રિકેટમાં એક પછી એક પગથીયું ઉતરતી જતી હતી. આજે આ ટીમ પોતાના જ ઘરમાં ઇંગ્લેન્ડ સામે જે છેલ્લા વીસ વર્ષથી પાકિસ્તાન સામે પાકિસ્તાનમાં એક ટેસ્ટ નહોતું જીતી શક્યું તેણે સિરીઝની ત્રણેય મેચો જીતીને વ્હાઇટવોશ કરી દીધો છે.
હજી રેકોર્ડ તપાસવાના બાકી છે પરંતુ પાકિસ્તાનનો ઘરમાં જ વ્હાઇટવોશ થયો હોય એવી કદાચ આ દુર્લભ અથવાતો પહેલી ઘટના હશે. આપણે આ ટેસ્ટ સિરીઝમાં પાકિસ્તાન કેવું ક્રિકેટ રમ્યું તેની ચર્ચા નથી કરવાની પરંતુ ક્રિકેટ વિશ્વમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમ પાકિસ્તાન રાષ્ટ્ર તરીકે જે રીતે સમગ્ર વિશ્વમાં જોવામાં આવે છે તેની લગોલગ પહોંચી ગઈ છે એની ચર્ચા કરવાની છે.
શ્રીલંકન ટીમ પર થયેલા આતંકવાદી હુમલા બાદ વર્ષો સુધી પાકિસ્તાને પોતાની હોમ મેચો દુબઈ અને અબુધાબીમાં રમી. ત્યારબાદ પહેલાં ઝિમ્બાબ્વે પછી વેસ્ટ ઇન્ડીઝ, ઓસ્ટ્રેલિયા અને હવે ઇંગ્લેન્ડને લગભગ પગે પડીને PCB પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા માટે રાજી કરી શક્યું હતું. ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડીઝને જો બાજુમાં રાખીએ તો કોઈ પણ દેશમાં જ્યારે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની ટીમો રમવા જાય ત્યારે એ સિરીઝ હાઈ વોલ્ટેજ ડ્રામાથી ઓછી નથી હોતી.
આ પ્રકારના ઉત્સાહને જાળવી રાખવા માટે અથવાતો બમણો કરવા માટે હોમ બોર્ડ પરિણામલક્ષી વિકેટો તૈયાર કરતી હોય છે, પછી ભલેને તે પોતાની ટીમને જ ફેવર કેમ ન કરતી હોય. પરંતુ પાકિસ્તાનમાં થયું ઉલટું. પહેલાં જ્યારે ઓસ્ટ્રેલિયા પાકિસ્તાનમાં ત્રણ ટેસ્ટ રમવા ગયું ત્યારે ત્રણેય સેન્ટરોમાં સાવ સપાટ વિકેટો તેને રમવા મળી, તેમાં પણ રાવલપીંડીની વિકેટની તો એટલી બધી ટીકા થઇ કે ICCને આ વિકેટને demarit પોઈન્ટ્સ આપવા પડ્યા.
ફરીથી જ્યારે આ મહીને ઇંગ્લેન્ડ ટેસ્ટ રમવા પાકિસ્તાન પહોંચ્યું ત્યારે ફરીથી રાવલપીંડીની વિકેટ સપાટ મળી અને એવુંજ લગભગ મુલતાનમાં પણ થયું. પરંતુ ઇંગ્લેન્ડની ટેસ્ટ રમવાની નવી રીત એટલેકે bazzballને લીધે ત્રણેય ટેસ્ટમાં સપાટ વિકેટ હોવા છતાં પરિણામ આવ્યાં અને પહેલી બે ટેસ્ટ ખાસ્સી રોમાંચક બની. પરંતુ આ રોમાચંક ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમનો એપ્રોચ જવાબદાર હતો નહીં કે પાકિસ્તાની ક્રિકેટ ટીમ કે પછી અહીંની પીચો.
એવું જાણવા મળ્યું છે કે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ બે-બે દાયકા પછી પાકિસ્તાન રમવા આવ્યા અને આથી હોમ ટીમનું નાક ન કપાય એટલે રમીઝ રાજા જે અત્યારે આ લખાય છે ત્યારે PCBનાં ચેરમેન છે એમનાં હુકમથી બેટિંગ અથવાતો સપાટ વિકેટો બનાવવામાં આવી. ઈતિહાસ કહે છે કે પાકિસ્તાની ક્રિકેટ ટીમ પોતાની ઘાતક બોલિંગને લીધે વખણાય છે પછી તે ઘરમાં રમતી હોય કે બહાર.
આથી ખરેખર તો PCBએ પોતાના બોલર્સને મદદ કરતી પીચો બનાવવાની હતી પરંતુ હારના ભયે સપાટ વિકેટો પીરસી દીધી એમાં બાવાના બેય બગડ્યા અને વિદેશી અથવાતો પ્રવાસી ટીમોએ તેનો લાભ લીધો અને આથી પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે 1-0થી અને આજે ઇંગ્લેન્ડ સામે 3-0થી ટેસ્ટ સિરીઝ હારી ગઈ અને એ પણ સળંગ સિરીઝ.
આવો રક્ષણાત્મક અપ્રોચ કોઇપણ રમત માટે છેવટે તો ઘાતક જ સિદ્ધ થતો હોય છે. જ્યારે પણ કોઈ ખેલાડી કે ટીમ હારના ડરથી રક્ષણાત્મક રમવાનું નક્કી કરે ત્યારે જીત અથવાતો હારથી બચી જવાને બદલે હારવાના ચાન્સીઝ વધુ હોય છે. પાકિસ્તાન સાથે પણ આવું જ થયું. પણ આમ થવા પાછળ પાકિસ્તાનના ક્રિકેટ પંડિતો જેઓ મોટે ભાગે અહીંની ન્યુઝ ચેનલો પર અથવાતો યુટ્યુબ પર વધુ જોવા મળે છે તેઓ એમ માને છે કે પાકિસ્તાની ક્રિકેટ ટીમ કેપ્ટન બાબર આઝમ અને અન્ય અધિકારીઓ જવાબદાર છે.
કેપ્ટન બાબર આઝમ, ચીફ સિલેક્ટર મોહમ્મદ વસીમ, કોચ સક્લેન મુશ્તાક અને PCB રમીઝ રાજા વચ્ચે એવું કશુંક ગોઠવાયેલું છે કે આ તમામ પાકિસ્તાન ન હારે એ નક્કી કરીને એકબીજાનું સ્થાન બચાવવામાં એકબીજાને મદદ કરે છે અને યાવદચંદ્રદિવાકારોની જેમ કાયમ પોતપોતાના હોદ્દાઓ પર ટકી રહેવા માંગે છે. પરંતુ ક્યારેક તો આ કાવતરાનો અંત આવવાનો હતો.
પાકિસ્તાન જ્યારે કોઈ મેચ હારે ત્યારે કોચ સક્લેન મુશ્તાક આ તો કુદરત કા નિઝામ એટલેકે કુદરતી ન્યાય હોવાનું જણાવે અને કહે કે આપણે કોઈ મેચ જીતીએ તો કોઈ હારીએ પણ ખરા. પણ હારનાં અસલી કારણો પર ચર્ચા કરવા તે તૈયાર ન હોય. જ્યારે સતત નિષ્ફળ જતાં વિકેટ કીપર બેટ્સમેન મુહમ્મદ રિઝવાન વિષે બેટિંગ કોચ મોહમ્મદ યુસુફને પૂછવામાં આવે ત્યારે કહે કે આ મારો વિષય નથી એટલે હું જવાબ નહીં આપું.
ટીવી ડિબેટમાં ચીફ સિલેક્ટર મોહમ્મદ વસીમ અત્યંત અભિમાની ટોનમાં એન્કર્સને જવાબ આપે, PCB ચેરમેન કોઇપણ હાર બાદ PSL IPL કરતાં કેમ મહાન છે એની સરખામણી કરવા લાગે, અને જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકાર બાબર આઝમને મુદ્દાસર પ્રશ્ન પૂછે ત્યારે બાબર તેના પર કટાક્ષ કરીને વળતો પ્રશ્ન પૂછે કે “ઔર કુછ બાકી તો નહીં રેહ ગયા?” ત્યારે આ ટીમનું વર્તમાન કેવું હોઈ શકે તેની કલ્પના કોઇપણ ક્રિકેટ ફેન કરી શકે છે.
આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે આ ચારેય દ્વારા અથવાતો PCB દ્વારા પોતાના ચહિતા પત્રકારો અને સોશિયલ મીડિયા યુઝર્સની એક ફોજ ઉતારવામાં આવી છે જે પાકિસ્તાન ક્રિકેટ ટીમ જ્યારે પણ ખરાબ પ્રદર્શન કરે ત્યારે ફેન્સનું ધ્યાન ભટકાવી દેવા માટે એક અલગ પ્રકારનું જ નેરેટીવ ઉભું કરવા લાગે છે જેથી પ્રજા એ કારમી હારથી અન્યત્ર વળી જાય.
અત્યારસુધી તો આ બધું ચાલી ગયું પરંતુ હવે ઇંગ્લેન્ડે જ્યારે પાકિસ્તાનનો પાકિસ્તાનમાં જ વ્હાઇટવોશ કર્યો છે ત્યારે આ આખી સિસ્ટમની કલાઈ ઉઘડી ગઈ છે. હારથી બચવા સપાટ પીચો પણ પાકિસ્તાનને આ શરમજનક હારથી બચાવી શકી નથી. ખરેખર તો આ પાકિસ્તાન ક્રિકેટ ટીમ વ્હાઇટવોશ નથી થઇ પરંતુ સમગ્ર પાકિસ્તાની ક્રિકેટ સિસ્ટમ પર કાળી ટીલી લાગી ગઈ છે.
પાકિસ્તાન જેવી અનુભવી ટીમ પોતાના ઘરમાં તો એટલીસ્ટ કોઇપણ વિપક્ષી ટીમને હંફાવી જ શકે પરંતુ અત્યંત કંગાળ વિચારધારા, મેનેજમેન્ટ અને અમલીકરણે અત્યારે પાકિસ્તાન ક્રિકેટને દયાજનક પરિસ્થિતિમાં મૂકી દીધું છે. ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ તો પતી ગઈ છે હવે બહુ જલ્દીથી એટલેકે આજથી માંડીને આવતા બે દિવસમાં રમીઝ રાજા, મોહમ્મદ વસીમ, સક્લેન મુશ્તાક અને બાબર આઝમની તેમના હોદ્દાઓ પરથી હકાલપટ્ટી અથવાતો રાજીનામાનાં સમાચાર નહીં આવે તો પાકિસ્તાની ક્રિકેટ ટીમ હજી એક શરમજનક હારનો સામનો નહીં કરે તો જ નવાઈ.
વિશ્વ ક્રિકેટમાં આમ પણ ભારત, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને અમુક હદે ન્યુઝીલેન્ડની બોલબાલા છે. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને વધુ મજબુત અને વધુ રસપ્રદ બનાવવા માટે પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝની મજબુત ટીમો હોવી ખૂબ જરૂરી છે. જો આમ નહીં થાય તો ફક્ત પહેલી ચાર ટીમો વચ્ચેની સિરીઝમાં જ લોકોને રસ પડશે અને બાકીની ટીમો સાથે પહેલી ચાર ટીમો રમશે અથવાતો આ ટીમો એકબીજા સામે રમશે ત્યારે સ્ટેડિયમો તો ખાલી હશે જ પરંતુ ટીવી સ્ક્રીન પર પણ ક્રિકેટ નહીં જોવાતું હોય.
પાકિસ્તાનની ટીમ પહેલેથી જ તેની સાતત્યપૂર્ણ રમતના અભાવને લીધે ક્રિકેટ વિશ્વમાં લોકપ્રિય બની છે પરંતુ હવે જો તે આ પ્રકારનું સાવ રસવિહીન ક્રિકેટ રમશે અને પોતાનો એ વિચિત્ર ગુણ પણ ગુમાવી બેસશે તો પછી તેને ઉભા થતાં બહુ સમય લાગી જશે જે વિશ્વ ક્રિકેટ માટે પણ સારી બાબત નહીં હોય. આથી PCBએ અત્યારે જ સમગ્ર પાકિસ્તાની સિસ્ટમનો જીર્ણોદ્ધાર કરવો પડશે જેના માટે તેણે શક્ય હોય તેટલા કડક નિર્ણયો પણ લેવા પડશે.
ભારતમાં ફર્સ્ટક્લાસ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મજબુત છે એટલે IPL મજબુત છે એ હકીકત પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સમજી લેવાની જરૂર છે. PSLને મજબુત કરવાના ચક્કરમાં જો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની અવગણના થશે તો પાકિસ્તાનનું ક્રિકેટ બહુ જલ્દીથી ઝિમ્બાબ્વેની કક્ષાએ પહોંચી જશે.