Friday, May 3, 2024
More
    હોમપેજમંતવ્ય‘ઇન્ડિયા’ના સ્થાને ‘ભારત’, સમૃદ્ધ વારસાનું પ્રદર્શન, વસુદૈવ કુટુમ્બકમનો મંત્ર... માત્ર રાજકીય-કૂટનીતિક પરિવર્તનો...

    ‘ઇન્ડિયા’ના સ્થાને ‘ભારત’, સમૃદ્ધ વારસાનું પ્રદર્શન, વસુદૈવ કુટુમ્બકમનો મંત્ર… માત્ર રાજકીય-કૂટનીતિક પરિવર્તનો જ નહીં લાવે, ભારતની સાંસ્કૃતિક ઓળખને પણ ઉજાગર કરશે G-20 સમિટ

    કોઇ પણ સ્વતંત્ર અને સ્વમાની રાષ્ટ્ર માટે ગુલામીનાં પ્રતીકો દૂર કરીને પોતાની સાંસ્કૃતિક અને મૂળ ઓળખ પરત મેળવવી એ સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. આજ સુધી આ દિશામાં પૂરતું કામ ન થયું, પરંતુ આજે સમયનું ચક્ર ફેરવાયું છે, આજે ભારત એક પછી એક ન માત્ર ગુલામીની સાંકળો તોડી રહ્યું છે. 

    - Advertisement -

    આ વર્ષના અને કદાચ આ દાયકાના સૌથી મહત્વપૂર્ણ અને ઐતહાસિક કાર્યક્રમનો શુભારંભ થઈ ચૂક્યો છે. આ વર્ષની G-20 સમિટ ભારતમાં યોજાઈ રહી છે અને ભારત તેનું અધ્યક્ષ છે. અમેરિકા, ફ્રાંસ, જર્મની, જાપાન, કેનેડા સહિતના વિશ્વના અનેક શક્તિશાળી દેશોના વડા અહીં આવ્યા છે. આ કાર્યક્રમનું અધ્યક્ષ ભારત છે, મહાનાયક ભારત છે અને પથદર્શક ભારત છે. ભારત એજન્ડા સેટ કરશે અને વિશ્વના દેશો તેને અનુસરશે. 

    છેલ્લાં થોડાં વર્ષોમાં વૈશ્વિક માનચિત્ર પર ભારતના સતત વધતા કદમાં આ G20 સમિટ અનેકગણો વધારો કરશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. આજે વિશ્વની નજર ભારત તરફ છે અને સમયના એ બિંદુ પર આવીને વિશ્વ ઉભું છે કે કોઈ પણ દેશ ભારતની અવગણના કરી શકે તેમ નથી. આ સમિટ ભારતની વૈશ્વિક છબીને હજુ વધારે ચમક આપશે અને આર્થિક, કૂટનીતિક સહિતનાં અનેક ક્ષેત્રોમાં તેનાં દૂરોગામી પરિણામો આવનારાં વર્ષો સુધી મળતાં રહેશે. 

    આ G20 સમિટ આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક રાજકીય કે આર્થિક પરિવર્તનો લાવશે જ, પરંતુ હિંદુત્વ, સાંસ્કૃતિક ઓળખ અને ભારતીયતાને પણ અનેક રીતે ઉજાગર કરશે. કરી રહી છે. G20 સમિટ ભારત માટે પોતાની સાંસ્કૃતિક ઓળખ ઉજાગર કરવાનો એક અલભ્ય અવસર હતો અને આ સુવર્ણ તક કેન્દ્રની મોદી સરકારે ઝડપી લીધી. મોદી સત્તામાં આવ્યા ત્યારથી દેશની સાંસ્કૃતિક અને વારસાગત ઓળખ પરત મળે તે માટે તેમણે અનેક કામો કર્યાં છે. આ સમિટમાં પણ ભારતની ભારતીયતા ઉજાગર થાય, હિંદુત્વને વૈશ્વિક સ્તરે સન્માન મળે તે માટે કોઇ કસર બાકી રાખવામાં નથી આવી. 

    - Advertisement -

    ઇન્ડિયા નહીં, ભારત કહો 

    સૌથી મોટું અને મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું દેશના નામમાં. જેને લઈને બે-ચાર દિવસથી ચર્ચા પણ ચાલી રહી છે અને વિપક્ષો સરકાર પર જાતજાતના આરોપ લગાવી રહ્યા છે. આમ તો દેશનાં બે નામ છે- ઇન્ડિયા અને ભારત. કોઇ પણ વાપરી શકાય. આજ સુધી સામાન્યતઃ વિદેશી કાર્યક્રમોમાં કે જ્યાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ થતો હોય ત્યાં દેશના નામ માટે ‘ઇન્ડિયા’ જ લખાતું. પરંતુ આ વર્ષે પરિવર્તન આવ્યું અને તેનું સ્થાન લઇ લીધું ‘ભારત’ શબ્દે. 

    પીએમ મોદી અને ‘ભારત’ નેમપ્લેટ (ફોટો- X/BJP)

    G20 સમિટ બાદ રાષ્ટ્રપતિ દ્વારા જે આધિકારિક રીતે રાત્રિભોજ કાર્યક્રમ યોજાશે તેના આમંત્રણ માટેની જે પત્રિકા છપાઇ છે તેમાં રાષ્ટ્રપતિ માટે લખવામાં આવ્યું છે- ‘પ્રેસિડેન્ટ ઑફ ભારત.’ અત્યાર સુધી અહીં ‘પ્રેસિડેન્ટ ઑફ ઇન્ડિયા’ લખવામાં આવતું રહ્યું છે. આ કોઇ નાનીસૂની બાબત નથી. ફેર માત્ર એક શબ્દનો છે પરંતુ તેનો અર્થ ગૂઢ છે. 

    સમિટની શરૂઆત થઈ અને પહેલી બેઠક થઈ તેમાં વડાપ્રધાને જ્યાં આસન ગ્રહણ કર્યું તે ટેબલ પર જ્યાં નેમપ્લેટ રાખવામાં આવી હતી તેમાં પણ ‘ઇન્ડિયા’ને સ્થાને ‘ભારત’ લખવામાં આવ્યું. લિપિ અંગ્રેજી હતી પરંતુ નામ ભારત લખ્યું હતું. અત્યાર સુધી જે-જે આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં વડાપ્રધાન સામેલ થયા છે તેમાં ‘ઇન્ડિયા’ લખાતું રહ્યું છે પરંતુ આ વખતે પીએમ મોદીએ નવો ચીલો ચાતર્યો છે અને એક સંદેશ પણ આપી દીધો છે. 

    ‘ભારત મંડપમ’માં યોજાઈ રહ્યો છે કાર્યક્રમ

    જે સ્થળે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તે કોમ્પ્લેક્સનું નામ છે ‘ભારત મંડપમ’. આ ‘ભારત મંડપમ’ની મુખ્ય ઇમારતનું નિર્માણ શંખ પરથી પ્રેરણા લઈને કરવામાં આવ્યું છે. જેની દીવાલો પર સાંસ્કૃતિક કલાકૃતિઓ કંડારવામાં આવી છે. સાથે પ્રાચીન શિલ્પોની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. આ કોમ્પ્લેક્સમાં દેશનાં તમામ 29 રાજ્યોની સંસ્કૃતિ પ્રદર્શિત કરવામાં આવી છે. 

    કોમ્પલેક્સમાં જ ઇન્ટરનેશનલ મીડિયા સેન્ટર પણ ઉભું કરવામાં આવ્યું છે, જ્યાં દેશ-વિદેશમાંથી શિખર સંમેલન કવર કરવા માટે આવતા પત્રકારો માટે સુવિધાઓ હશે. આ સેન્ટરના વિવિધ વિભાગો અને ખંડોને ભારતની પ્રમુખ નદીઓનાં નામ આપવામાં આવ્યાં છે. અહીં જે પ્રેસ કોન્ફરન્સ માટેનો મુખ્ય ખંડ છે, તેનું નામ છે- હિમાલય. આ સેન્ટરમાં પણ ભારતની સંસ્કૃતિને પ્રદર્શિત કરતાં ચિત્રો અને કળાકૃતિઓ મૂકવામાં આવ્યાં છે. 

    ‘ભારત મંડપમ’ની બહાર ભવ્ય નટરાજ પ્રતિમા (ફોટો- X/Narendra Modi)

    આ ભારત મંડપમની બહાર ભગવાન નટરાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. અષ્ટધાતુની બનેલી આ ભવ્ય અને દેદીપ્યમાન પ્રતિમા ભગવાન શિવનું એક સ્વરૂપ છે. જે ભારતના સમૃદ્ધ વારસાને પ્રતિબિંબિત કરે છે. 

    આ સિવાય ભારત મંડપમ કોમ્પ્લેક્સમાં વિવિધ રાજ્યોના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે, જ્યાં જે-તે રાજ્યોની ઓળખ સમાન કળા અને સંસ્કૃતિની ચીજવસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. દેશભરમાંથી કુશળ કારીગરોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે, જેઓ આ ચીજવસ્તુઓના નિર્માણમાં પાવરધા છે. વિદેશી મહેમાનો આ બધી ચીજવસ્તુઓ પણ નિહાળી શકશે.

    કોર્ણાક સૂર્યમંદિરના ધર્મચક્રની સાક્ષીએ વિદેશી મહેમાનોનું સ્વાગત

    વિદેશી મહેમાનો જ્યારે ભારત આવ્યા ત્યારે તમામનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન વિવિધ રાજ્યોનાં લોકનૃત્યો પ્રદર્શિત કરવામાં આવ્યાં. આમ નાની લાગતી આ બાબત ઘણું કહી જાય છે.

    આ ઉપરાંત, G20 સમિટ શરૂ થાય ત્યારે યજમાન દેશના વડા તમામ રાષ્ટ્રાધ્યક્ષોનું ઔપચારિક સ્વાગત કરે તેવી પરંપરા છે. આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તે નિભાવી. તેમણે તમામ દેશોના વડા અને વિવિધ સંગઠનોના અધ્યક્ષોનું વ્યક્તિગત સ્વાગત કર્યું અને સૌને આવકાર્યા. આ માટે જે સ્થળ પસંદ કરવામાં આવ્યું તેનું આગવું મહત્વ છે. 

    પીએમ મોદી ધર્મચક્ર સ્વાગત
    બ્રિટીશ પીએમ ઋષિ સુનકનું સ્વાગત કરતા પીએમ મોદી, બેકગ્રાઉન્ડમાં ધર્મચક્ર (ફોટો- Youtube/Narendra Modi)

    પીએમ મોદીએ જે સ્થળે રાષ્ટ્રાધ્યક્ષોનું સ્વાગત કર્યું તેના બેકગ્રાઉન્ડમાં હતું કોર્ણાક સૂર્યમંદિરનું ધર્મચક્ર. આ ચક્ર ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનું એક પ્રતીક છે. આ ચક્રનું નિર્માણ 13મી સદીમાં રાજા નરસિંહદેવ-પ્રથમના કાર્યકાળ દરમિયાન કરાવવામાં આવ્યું હતું. તે કાળચક્ર સાથે પ્રગતિ અને નિરંતર પરિવર્તનનું પ્રતીક છે. આ ચક્ર લોકતંત્રના એક શક્તિશાળી પ્રતીક તરીકે લોકતાંત્રિક આદર્શો અને સામાજિક પ્રગતિ પ્રત્યે પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તેને આજે G20 સમિટમાં સ્થાન આપવામાં આવ્યું. 

    વસુદૈવ કુટુમ્બકમ’ના મંત્ર સાથે યોજાઈ રહી છે સમિટ 

    આ સમગ્ર કાર્યક્રમની થીમ છે- વસુદૈવ કુટુમ્બકમ. એટલે કે વિશ્વ એક પરિવાર. વિશ્વ એક પરિવારની ભાવના હિંદુ ધર્મનો મૂળમંત્ર છે. હિંદુત્વ એટલે સૌને સાથે લઈને ચાલવાની, સૌના સાથ અને સૌના વિકાસની ભાવના. આ સમિટ થકી ભારતે આ મંત્ર વિશ્વને આપ્યો અને વિશ્વએ તેને સ્વીકાર્યો પણ ખરો. આજે વિશ્વના 20થી વધુ મોટા દેશો, શક્તિશાળી રાષ્ટ્રો, સમૃદ્ધ દેશો એક મંચ પર આવીને વસુદૈવ કુટુમ્બકમ માટે પ્રયાસરત થતાં હોય તો એ ભારતની સૌથી મોટી જીત છે.

    કોઇ પણ સ્વતંત્ર અને સ્વમાની રાષ્ટ્ર માટે ગુલામીનાં પ્રતીકો દૂર કરીને પોતાની સાંસ્કૃતિક અને મૂળ ઓળખ પરત મેળવવી એ સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. એક કે બીજાં કારણોસર આજ સુધી આ દિશામાં જે થવું જોઈએ તેટલું કામ થયું ન હતું અને ભારતની ભારતીયતા ઉજાગર થઈ શકતી ન હતી. પોતાના જ દેશમાં, પોતાની જ ઓળખને લઈને, સંસ્કૃતિને લઈને, ધર્મને લઈને હીન ભાવના રાખવામાં આવતી અને તેના કારણે દુનિયા પણ ભારતને એ જ ભાવથી જોતી. 

    આજે સમયનું ચક્ર ફેરવાયું છે, આજે ભારત એક પછી એક ન માત્ર ગુલામીની સાંકળો તોડી રહ્યું છે પણ સાથોસાથ પોતાની ઓળખ ઉજાગર કરી રહ્યું છે. એ જ કારણ છે કે વિશ્વ પણ આજે ભારત તરફ એક આશાથી જોઈ રહ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં