2014માં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતીએ જીત મેળવી અને કોંગ્રેસ 44 બેઠકો પર સમેટાય ગઈ ત્યારથી તેના પડતીના દિવસો શરૂ થયા છે. જોકે, વચ્ચે-વચ્ચે કોંગ્રેસે રાજસ્થાન-છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ જેવાં અમુક રાજ્યો જીત્યાં, પરંતુ તેમાં પણ એમપીમાંથી હાથ ધોવાનો વારો આવ્યો. ત્યારબાદ યોજાયેલી 2019ની લોકસભા ચૂંટણીમાં પણ પાર્ટીએ નબળું પ્રદર્શન કર્યું. અધૂરામાં પૂરું આ વર્ષની શરૂઆતમાં જ્યાં પાર્ટીનું વર્ષોથી શાસન રહ્યું એવું પંજાબ પણ ગુમાવવું પડ્યું.
2014 પછી રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસનો ગ્રાફ નીચે જઈ રહ્યો હતો પણ ગુજરાતમાં પાર્ટી હજુ પણ લડી રહી હતી. ખાસ કરીને 2015 પછી પાટીદાર અનામત આંદોલન અને અન્ય સમાજનાં આંદોલનોને પ્રોત્સાહન આપવામાં અને તેને રાષ્ટ્રીય મુદ્દો બનાવવામાં કોંગ્રેસે પણ મોટો ભાગ ભજવ્યો હતો. કોંગ્રેસ એ હદે સક્રિય થઇ ગઈ હતી કે 2017માં એક સમયે ભાજપ સમર્થકોને પણ લાગ્યું હતું કે કદાચ ભાજપ સત્તા પર નહીં રહે. અને તેનું પરિણામ પણ પાર્ટીને 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મળ્યું. કોંગ્રેસે 77 બેઠકો મેળવી અને સામે ભાજપ માત્ર 99 બેઠકો પર અટકી ગયો.
અહીં મૂળ વાત 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીની કરવાની છે. આદર્શ પરિસ્થિતિમાં જે પાર્ટી પાંચ વર્ષ પહેલાં માત્ર 15 બેઠકો માટે સત્તા મેળવવાની રહી ગઈ હોય એ પાંચ વર્ષ પછી થનારી ચૂંટણીમાં બમણી મહેનત કરે, મોટાં માથાંઓને ઉતારીને વધુમાં વધુ બેઠકો સુરક્ષિત કરવાના પ્રયાસ કરે, ઝંઝાવાતી પ્રચાર કરે. પણ આશ્ચર્યજનક રીતે કોંગ્રેસે આમાંથી કશું જ કર્યું નહીં.
કોંગ્રેસે આ ચૂંટણી લડવામાં રીતસરની વેઠ ઉતારી એમ કહીએ તોપણ એ અતિશયોક્તિ નથી. ન પ્રચાર કરવામાં, ન મુદ્દાઓ ઉઠાવવામાં, ન ટિકિટ ફાળવણીમાં- કોંગ્રેસે ક્યાંય સરખું અને નક્કર કામ કર્યું ન હતું. અને એનું એ જ પરિણામ આવ્યું જે અપેક્ષિત હતું. પાર્ટી 17 બેઠકો જ મેળવી શકી, એ પણ એવી બેઠકો છે જ્યાં ઉમેદવારો પોતાના ચહેરા પર જીત્યા છે, પાર્ટીના ચિહ્ન પર નહીં. જ્યાં જીત્યા છે તેમાંથી પણ ઘણી બેઠકો પર માર્જિન ઘટી ગયાં છે.
નબળું નેતૃત્વ અને નબળું સંગઠન
પાર્ટી પાસે આ ચૂંટણીમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવાની તક હતી, પણ એ કોંગ્રેસે ગુમાવી દીધી છે. તેનું મૂળ કારણ એ છે કે પાર્ટીનું સંગઠન છે ખરું, પણ નબળું અને નિષ્ક્રિય થઇ ગયું છે. નબળું સંગઠન પરિણામો ઉપર અસર પાડે જ છે. ભાજપની આટલી બેઠકો આવી એમાં પણ સંગઠનનો અને કાર્યકર્તાઓનો બહુ મોટો હાથ છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ બહાર નીકળ્યા જ નહીં, એટલે આખરે મતદારો પણ બહાર ન નીકળ્યા.
આ સંગઠન નબળું પડવાનું કારણ છે નબળું નેતૃત્વ. 2017માં કોંગ્રેસ પાસે અહેમદ પટેલ હતા. અહેમદ પટેલે સંગઠન અને હાઇકમાન્ડ સાથે સંતુલન સાધવામાં મોટો ભાગ ભજવ્યો હતો. તેઓ તો ન રહ્યા પણ પછી બીજા પણ મોટા નેતાઓએ રસ લેવાનું માંડી વાળ્યું. શંકરસિંહ વાઘેલા જેવાએ રસ લેવાની તૈયારી બતાવી પણ કોંગ્રેસે પૂછ્યું જ નહીં. બીજી તરફ, બાકીના નેતાઓ વચ્ચે પણ આંતિરક વિખવાદ વધતો ગયો અને સંગઠન વિખેરાતું ગયું.
2017માં જે કોંગ્રેસ પાર્ટી પાસે 77 ગૃહમાં ધારાસભ્યો હતા એ સંખ્યા પાંચ વર્ષ પૂરાં થતાં 64 પર આવી ગઈ હતી. આમાંથી મોટાભાગના પાર્ટી છોડીને ભાજપમાં જોડાતા રહ્યા. કોંગ્રેસ આનો આરોપ ભાજપ પર લગાવે છે, પણ પોતે આત્મમંથન કરતી નથી કે આવું શા માટે થઇ રહ્યું છે? કેમ તેમના ધારાસભ્યો પાર્ટી છોડી રહ્યા છે? તેનાં કારણો ઘણાં હોય શકે, પણ એક કારણ આ આંતરિક વિખવાદ પણ છે.
હાઈકમાન્ડે પણ હાથ ઊંચા કરી મૂક્યા
કોઈ રાજ્યમાં ચૂંટણી હોય તો ભાજપ આખી ફૌજ ઉતારી દે છે. આ ચૂંટણીમાં પૂરેપૂરો વિશ્વાસ હતો કે તેઓ જીતી રહ્યા છે, પરંતુ રાજ્યોના સીએમથી માંડીને કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યોના સંગઠનના મહામંત્રીઓ પાસે પણ ગુજરાતમાં પ્રચાર કરાવડાવ્યો. ઠેરઠેર નેતાઓની સભાઓ યોજી. ગૃહમંત્રી અમિત શાહ સતત પાર્ટી પર નજર રાખતા રહ્યા, ઘણો સમય ગાંધીનગરમાં રહ્યા, રણનીતિ ઘડી, વડાપ્રધાન મોદીએ અનેક રેલીઓ અને રોડ શૉ કર્યા, લગભગ બધા જ જિલ્લાઓ આવરી લીધા.
સામે કોંગ્રેસે શું કર્યું? રાહુલ ગાંધીએ ગુજરાતમાં ગણીને ત્રણ રેલીઓ કરી. એમાંથી પણ ચૂંટણીલક્ષી રેલી તો બે જ- એક દક્ષિણ ગુજરાતના મહુવામાં અને બીજી રાજકોટમાં. રસપ્રદ વાત એ છે કે આ બંને બેઠકો પર કોંગ્રેસ હારી ગયું છે. પ્રિયંકા ગાંધીને આમંત્રણ અપાયું હોવા છતાં ન આવ્યાં. બીજા કોઈ નેતાઓએ પણ ખાસ રસ ન લીધો. રાજ્સ્થાનના સીએમ અશોક ગેહલોતે થોડોઘણો રસ લીધો પરંતુ તેઓ પણ ખાસ કંઈ કરી શક્યા નહીં.
રાહુલ ગાંધી હાલ ‘ભારત જોડો યાત્રા’ લઈને નીકળ્યા છે. હાલ તેમની યાત્રા રાજસ્થાનમાંથી પસાર થઇ રહી છે. અહીં પણ મજાની વાત એ છે કે યાત્રા એવા સમયે યોજાઈ જ્યારે બે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી હતી. બીજી મજાની વાત એ છે કે ગુજરાતમાંથી આ યાત્રા જ પસાર નથી થઇ! મહારાષ્ટ્ર અને ત્યાંથી યાત્રા મધ્યપ્રદેશમાં જતી રહી અને ત્યાંથી રાજસ્થાનની વાટ પકડી.
રાહુલ ગાંધી અને કોંગ્રેસનું આ ગણિત સમજાયું નથી. પણ એટલું સમજાયું છે કે ગ્રાઉન્ડથી લઈને છેક સુધી, આ ચૂંટણી જીતવામાં કોઈને રસ હતો જ નહીં.
સોશિયલ મીડિયા પર વધુ પડતો પ્રચાર, ગ્રાઉન્ડ-વર્કમાં મીંડું
કોંગ્રેસ વિપક્ષમાં હતી, પરંતુ આંતિરક વિખવાદો અને ધારાસભ્યોને રોકવામાં જ એટલી વ્યસ્ત રહી કે બીજા મુદ્દાઓ ઉપર ધ્યાન જ ન આપ્યું. જેની ઉપર આપ્યું ત્યાં પણ લોકોને સરખી રીતે સમજાવી શકી નહીં. લોકો સુધી વાત પહોંચાડી શકી નહીં. અને અહીં ફરી સંગઠનની જ વાત આવે છે કે સંગઠન જ પડી ભાંગે તો લોકો સુધી તમે પહોંચી શકતા નથી.
કોંગ્રેસે પણ આમ આદમી પાર્ટીની જેમ જમીની અને નક્કર કામો કરવાને બદલે સોશિયલ મીડિયા અને જાહેરાતો પર વધુ ધ્યાન આપ્યું. ઠેરઠેર ‘કોંગ્રેસનું કામ બોલે છે’નાં પોસ્ટરો તો લગાવ્યાં પણ તેઓ લોકોને એ ન સમજાવી શક્યા કે 27 વર્ષથી રાજ્યમાં તેમનું શાસન નથી, 8 વર્ષથી દેશમાં નથી તો તેમનું કયું અને કેવું ‘કામ’ બોલે છે? બીજી તરફ, સોશિયલ મીડિયા પર થોડોઘણો પ્રચાર કર્યો, જેની જમીની સ્તરે અસરો નહીંવત હોય છે.
મોટા ચહેરાઓને પણ ચૂંટણીમાં ન ઉતાર્યા
આંતરિક વિખવાદ સામે ઝઝૂમતી કોંગ્રેસ સામે વધુ એક પડકાર હતો ટિકિટ ફાળવણીનો. પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રીને ઘરે બેસાડવાનું કામ ભાજપ કરી શકે, કોંગ્રેસની એ સ્થિતિ પણ નથી અને તેમના માટે શક્ય પણ નથી. કોંગ્રેસે ધારાસભ્યોમાંથી મોટાભાગનાને રિપીટ કર્યા, કારણ કે ન કરે તો બળવો કરે તેમ હતું. જ્યાં નવાને ટિકિટ આપી ત્યાં પણ પાર્ટી સમીકરણો ગોઠવી ન શકી.
બીજી તરફ, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર જેવા મોટા ચહેરાઓ પણ ચૂંટણીમાં ન ઉતર્યા, જ્યારે પાર્ટી તેમનો ઉપયોગ કરીને અમુક બેઠકો બચાવી શકી હોત અને આવા મોટા ચહેરાઓ ચૂંટણીમાં ઉતરે ત્યારે તેની અસર આસપાસની બેઠકો ઉપર પણ થતી હોય છે.
જે કરવાનું હતું એ બાજુ પર મૂકીને કોંગ્રેસ નેતાઓ પીએમ મોદી ઉપર, ગૃહમંત્રી અમિત શાહ પર પ્રહારો કરતા રહ્યા. અને ગુજરાતમાં ચૂંટણી લડવી પણ હોય તો હિંદુઓ અને નરેન્દ્ર મોદી- આ બેનું સન્માન ન કરો તો વાંધો નહીં પણ અપમાન તો ન જ થાય. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, બંનેને આ વાત સમજાઈ નથી. હવે કદાચ સમજાશે તોય બહુ મોડું થઇ ચૂક્યું હશે.