ભાજપે ગુજરાત ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે. 182માંથી 160 બેઠકો પર ઉમેદવારો જાહેર થઇ ગયા છે. જેમાંથી 69 ધારાસભ્યોને રિપીટ કરાયા છે, 38 ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે. તો કેટલાંક મોટાં નામો પણ સામેલ કરાયાં છે, અનેક મોટાં નામોની બાદબાકી પણ કરી દેવામાં આવી છે.
સીએમ ભુપેન્દ્ર પટેલ ફરી એકવાર તેમની ઘાટલોડિયા બેઠક પરથી લડી રહ્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પણ પોતપોતાની બેઠકો પરથી લડી રહ્યા છે. આ સિવાય મંત્રીઓ પૂર્ણેશ મોદી, મનિષા વકીલ, નિમીષા સુથાર, નરેશ પટેલ, કનુ દેસાઈ, જીતુ ચૌધરી, કિરીટસિંહ રાણા, કીર્તિસિંહ વાઘેલા, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલને પણ પોતપોતાની બેઠક પરથી રિપીટ કરવામાં આવ્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી – 2022 માટે ભારતીય જનતા પાર્ટીના જાહેર થયેલા સૌ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ… (1/3)#ભરોસાની_ભાજપ_સરકાર#કમળ_ખીલશે_ગુજરાત_જીતશે#આ_ગુજરાત_મેં_બનાવ્યું_છે pic.twitter.com/8YWhinhxZG
— BJP Gujarat (@BJP4Gujarat) November 10, 2022
જોકે, અમુક મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી, બ્રિજેશ મેરજા વગેરેની ટિકિટ કાપવામાં આવી છે. મોરબી બેઠક પરથી ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ટિકિટ કાપીને તેમની સ્થાને પાંચ ટર્મના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને તક આપવામાં આવી છે. તાજેતરમાં જ મોરબીની દુર્ઘટના ઘટી તે સમયે કાંતિલાલ અમૃતિયા સૌપ્રથમ ઘટનાસ્થળે પહોંચનારાઓ પૈકીના એક હતા અને પોતે નદીમાં કૂદીને લોકોના જીવ બચાવ્યા હતા. ઉપરાંત, પૂર્વ મંત્રી શંકર ચૌધરીને થરાદથી ટિકિટ આપવામાં આવી છે.
ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાનાં પત્ની રીવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર ઘોષિત કરાયાં છે. જ્યારે, ગોંડલ બેઠક પરથી ગીતાબા જયરાજસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે.
તાજેતરમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા હર્ષદ રીબડીયાને વિસાવદર બેઠક પરથી ભાજપે ટિકિટ આપી છે. 2017માં આ જ બેઠક પર તેઓ કોંગ્રેસની ટિકિટ પરથી લડીને જીત્યા હતા. જ્યારે ગઈકાલે જ ભાજપમાં જોડાયેલા ભગવાનભાઈ બારડને તલાલા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. હાર્દિક પટેલને પણ વિરમગામ બેઠક પરથી ટિકિટ અપાઈ છે.
અમદાવાદમાં એલિસબ્રિજ બેઠક પરથી પૂર્વ મેયર અમિત શાહને ટિકિટ અપાઈ છે. તેઓ હાલ ભાજપના શહેર પ્રમુખ પણ છે. ઉપરાંત, વડગામ બેઠક પરથી પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય મણિલાલ વાઘેલાને ઉતારવામાં આવ્યા છે. મણિલાલ વાઘેલા એ જ નેતા છે જેમણે 2017માં જીગ્નેશ મેવાણી માટે બેઠક ખાલી કરી આપી હતી. જીગ્નેશ હવે કોંગ્રસી થઇ ગયા છે, ત્યારે મણિલાલ વાઘેલા કેસરિયો પહેરીને આ વખતે ચૂંટણીમાં ઉતરશે. જોકે, જીગ્નેશ મેવાણી વડગામથી જ લડશે કે કેમ તે હજુ નક્કી નથી.
આમ તો ચૂંટણીઓમાં ભાજપ ઉમેદવારો નક્કી કરવા માટે અમુક માપદંડો રાખતો આવ્યો છે, પરંતુ આ યાદી જોઈને એક વાત બહુ સ્પષ્ટ છે કે પાર્ટીએ આ વખતે કોઈ માપદંડ રાખ્યાં નથી. જે જીતી શકે એ તમામને ટિકિટ આપવામાં આવી છે, જેમની બેઠક પર થોડુંઘણું પણ જોખમ લાગ્યું તેમની ટિકિટ કાપીને બીજાને તક આપવામાં આવી છે.
વિજય રૂપાણી, નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા જેવા પાર્ટીના જોના જોગીઓએ તો ગઈકાલે જ સ્વેચ્છાએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી દીધી હતી. ત્યારબાદ આજે સૌરભ પટેલ, નીમાબેન આચાર્ય, રાજેન્દ્ર ત્રિવેદી, આર. સી મકવાણા, પ્રદીપ પરમાર, મધુ શ્રીવાસ્તવ, હિતુ કનોડિયા વગેરે મોટાં નામોની બાદબાકી કરી નાંખવામાં આવી છે. જોકે, એમ પણ નથી કે જૂના તમામ ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. ઘણા જૂના નેતાઓ, જેઓ પોતાના વિસ્તારમાં પકડ ધરાવે છે, તેમને ફરી ટિકિટ અપાઈ છે.
2017ની વિધાનસભા ચૂંટણી ભારતીય જનતા પાર્ટી પોતાનો ગઢ બચાવવા માટે લડી હતી. પણ આ ચૂંટણી તેઓ તમામ રેકોર્ડ તોડવા માટે લડી રહ્યા છે. નરેન્દ્ર મોદીથી માંડીને અમિત શાહ, સી આર પાટીલ, ભુપેન્દ્ર પટેલ સૌ રેકોર્ડ તોડવાની વાત પર જ ભાર મૂકી રહ્યા છે.
ગુજરાતમાં આજ સુધીનો રેકોર્ડ 149 બેઠકોનો છે. જે કોંગ્રેસી મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ બનાવ્યો હતો. ગુજરાતના આજ સુધીના સૌથી લોકપ્રિય કહેવાતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ આ રેકોર્ડ તોડી શક્યા નથી. ત્યારે આ વખતે પાર્ટી પોતાના સહિત તમામ રેકોર્ડ તોડવા તરફ નજર માંડીને બેઠી છે. તેથી જે નામો જાહેર કરવામાં આવ્યાં તેમાંથી પણ મોટાભાગના નેતાઓ એવા છે જેઓ પોતાના વિસ્તાર પર મજબૂત પકડ ધરાવે છે અને વર્ષોથી ચૂંટાતા હોવા છતાં એન્ટી-ઈંકમબન્સી નહીંવત છે. બીજી તરફ, જેમની સામે આ એન્ટી-ઈંકમબન્સી હતી, તેમને ઘરે બેસાડી દેવામાં આવ્યા છે.
ભુપેન્દ્ર પટેલ નરેન્દ્ર મોદીનો રેકોર્ડ તોડી શકશે કે નહીં એ તો આવનારો સમય કહેશે, પરંતુ આ યાદી જોઈને એટલું સ્પષ્ટ છે કે ભાજપ આ માટે કોઈ કસર બાકી રાખવા દેવા પર નથી.