Sunday, September 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ગુજરાતમાં ભાજપ જીતશે 131 બેઠકો’: ચૂંટણીને લઈને સામે આવેલો સરવે હવામાં કહેલી...

    ‘ગુજરાતમાં ભાજપ જીતશે 131 બેઠકો’: ચૂંટણીને લઈને સામે આવેલો સરવે હવામાં કહેલી વાતો છે કે પછી જમીની સ્થિતિ જણાવતી સત્ય હકીકત?

    ટાઈમ્સ નાઉ નવભારતે કરેલા સરવે અનુસાર, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 182માંથી 131 બેઠકો જીતશે, જ્યારે હિમાચલમાં પણ બહુમતી સાથે સરકાર બનાવશે.

    - Advertisement -

    ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીઓ માથે છે. હિમાચલ પ્રદેશની જાહેર થઇ ગઈ છે, ગુજરાતમાં પણ એકાદ અઠવાડિયામાં જાહેર થવાની ગણતરી છે. પ્રચાર-પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યા છે ત્યારે બીજી તરફ એજન્સીઓએ પણ સરવે કરવા માંડ્યા છે. તાજેતરમાં જ વધુ એક સરવેનાં પરિણામો સામે આવ્યાં છે. જે અનુસાર, બંને રાજ્યોમાં ભાજપ જંગી બહુમતી સાથે સરકાર બનાવશે તેવું અનુમાન છે.

    ટાઈમ્સ નાઉ નવભારતે કરેલા સરવે મુજબ ગુજરાત અને હિમાચલ પ્રદેશ, બંને રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી ફરીથી સરકાર બનાવી રહી છે. એટલું જ નહીં, પરંતુ બંને રાજ્યોમાં જંગી બહુમતીથી પાર્ટીની સરકાર બની રહી છે. 

    સરવે અનુસાર, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 125 થી 131 બેઠકો જીતશે તેવી સંભાવના છે. કોંગ્રેસને ફાળે 29 થી 33 બેઠકો જ્યારે આમ આદમી પાર્ટીને 18 થી 22 બેઠકો મળતી હોવાનું જણાવવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશમાં ભાજપ 38થી 42, કોંગ્રેસ 25થી 29 અને આમ આદમી પાર્ટીને 0 થી 1 બેઠકો મળતી બતાવાઈ છે. ગુજરાતમાં બહુમતીનો આંકડો 92 જ્યારે હિમાચલમાં 35 છે. 

    - Advertisement -

    આ પહેલાં એબીપી-સી વોટરનો પણ એક ઓપિનિયન પોલ સામે આવ્યો હતો. જેમાં ભારતીય જનતા પાર્ટીને 135 થી 143, કોંગ્રેસને 36થી 44 અને આમ આદમી પાર્ટીને 0 થી 2 બેઠકો મળી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. 

    આમ તો ચૂંટણી આવે એટલે આ પ્રકારના ઘણા સરવે થતા હોય છે. ઘણીવાર એવું થયું છે કે ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ સાવ ખોટા સાબિત થયા હોય અને પરિણામો વિપરીત આવ્યાં હોય. પરંતુ ગુજરાતની હાલની રાજકીય પરિસ્થિતિ જોતાં એટલું તો ચોક્કસ કહી શકાય કે આ સરવેનાં પરિણામો કોઈ હવામાં કહેલી વાતો નથી. 

    ગુજરાત ચૂંટણીની વાત કરવામાં આવે તો, અહીં 27 વર્ષથી સત્તામાં હોવા છતાં ભારતીય જનતા પાર્ટી સામે એન્ટી-ઈન્ક્મબન્સીનો માહોલ નહિંવત છે. એટલું જ નહીં, પરંતુ ગત ચૂંટણીમાં (2017માં) પાર્ટી વિરુદ્ધ જે થોડોઘણો માહોલ સર્જાયો હતો, એના પ્રમાણમાં હમણાં પાર્ટી ઘણીખરી મજબૂત છે. 

    પાંચ વર્ષમાં ભાજપ ઘણીખરી મજબૂત થઇ છે, અને સામે કોંગ્રેસ એટલી જ નબળી પડી છે. પાર્ટી પાસે એવું કોઈ સશક્ત નેતૃત્વ નથી કે જે કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરી શકે અને તેમને દોડતા કરી શકે, બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પાસે સબળું કેન્દ્રીય નેતૃત્વ તો છે જ, પરંતુ પ્રદેશ સ્તરે પણ સીઆર પાટીલે માઈક્રોમેનેજમેન્ટ થકી સતત કાર્યકર્તાઓને સક્રિય રાખ્યા છે. એનો લાભ પણ ચૂંટણીમાં મળશે, કારણ કે આખરે જે છે કે એ કાર્યકર્તાઓ જ છે. 

    જોકે, એ વાત પણ સાચી છે કે કોંગ્રેસ સંપૂર્ણ નષ્ટ થઇ નથી. ગુજરાત માટે એવું કહેવાય છે કે શહેરી વિસ્તારોમાં ભાજપનું વર્ચસ્વ છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસ પ્રભુત્વ ધરાવે છે. જોકે, હવે ભાજપે ગામડાંઓ પણ સર કરવા માંડ્યાં છે, પરંતુ કોંગ્રેસ જ્યાં મજબૂત છે ત્યાં હજુ પણ પાર્ટીને લાભ થશે. જોકે, બેઠકો ઘટશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. 

    રહી વાત આમ આદમી પાર્ટીની, તો સોશિયલ મીડિયાથી ચૂંટણી જીતાતી નથી. ‘આપ’ સોશિયલ મીડિયા પર જેટલી ગાજે છે એનાથી તદ્દન વિપરીત સ્થિતિ જમીન પર છે. ઓછામાં પૂરું, કેજરીવાલ સરકારના પૂર્વ મંત્રીના વિવાદ અને પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાના વિવાદિત વિડીયોના કારણે પણ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. અને ઉપર કહ્યું એમ, પાર્ટી માટે સૌથી મહત્વપૂર્ણ કાર્યકરો છે, આમ આદમી પાર્ટી પાસે એની સંખ્યા ઓછી છે અને એમાં પણ નેતાઓ કાર્યકર્તાઓ સાથે ખેલ કરી ગયા હોય એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેથી પાર્ટી એક સીટ પણ જીતે તો એ નવાઈ સર્જશે. 

    આ જ વિચારને સમર્થન આપતું નિવેદન તાજેતરમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પણ કર્યું. તેમણે કહ્યું કે, બંને રાજ્યોમાં ભાજપના પક્ષમાં માહોલ છે ને ભાજપ જ બંને રાજ્યોમાં સરકાર બનાવશે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરફથી ભાજપને કોઈ નુકસાન જશે નહીં અને તેઓ સરળતાથી સરકાર બનાવી લેશે.

    ટૂંકમાં, હાલની ગુજરાતની રાજકીય પરિસ્થિતિને જોતાં એટલું ચોક્કસ કહી શકાય કે આ બંને સરવે કોઈ પ્રાયોજિત કે હવામાં થયેલો ગોળીબાર નથી પરંતુ જમીની સ્તરે જે સ્થિતિ છે એ જ દર્શાવવામાં આવી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં