Friday, September 13, 2024
More
    હોમપેજરાજકારણયુદ્ધ હોય કે મહામારી, મોદી સરકાર ક્યારેય નથી છોડતી નાગરિકોનો હાથ: 'ઑપરેશન...

    યુદ્ધ હોય કે મહામારી, મોદી સરકાર ક્યારેય નથી છોડતી નાગરિકોનો હાથ: ‘ઑપરેશન અજય’ પહેલાં પણ ભારતીયોના રેસ્ક્યુ માટે પાર પડાયાં છે અનેક મિશન

    આ જ સિસ્ટમ પહેલાં પણ હતી, આ જ વાયુસેનાનાં વિમાનો અને નૌસેનાનાં જહાજો પણ હતા અને આટલા જ જાંબાઝ સેનાના અધિકારીઓ અને જવાનો પણ હતા, પરંતુ એમાં કશું ઉમેરાયું જો હોય તો તે છે- સત્તામાં બેઠેલા માણસોની ઇચ્છાશક્તિ અને કોઇ કામ પાર પાડવાનું દ્રઢ મનોબળ.

    - Advertisement -

    ઇઝરાયેલ ફરી એક વખત ભીષણ યુદ્ધ વચ્ચે ઊભું છે. આતંકવાદી સંગઠન હમાસે 7 ઓક્ટોબરે અચાનક હુમલો કરીને હજારો નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ ઇઝરાયેલની સરકારે રીતસરનું યુદ્ધ જાહેર કરીને આતંકવાદીઓનો સફાયો કરવાનું શરૂ કર્યું. જે હજુ પણ ચાલી રહ્યું છે અને હવે સમાચાર છે કે ઈઝરાયેલની સેના જમીનમાર્ગે ગાઝા પટ્ટીમાં ઘૂસીને આતંકવાદીઓને મારશે. જે માટે ઉત્તર ગાઝાના નાગરિકોને સ્થળાંતર કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે. 

    આમ તો ‘રણભૂમિ’ ગાઝા પટ્ટી છે, જે ઇઝરાયેલની પશ્ચિમે આવેલો એક 41 કિલોમીટર લાંબો અને 1૦ કિલોમીટર પહોળો વિસ્તાર છે, જ્યાં આતંકવાદી સંગઠન હમાસ શાસન કરે છે. જેથી ઇઝરાયેલના બાકીના ભાગોમાં સ્થિતિ થોડી નિયંત્રણમાં છે. પરંતુ યુદ્ધનું કશું કહી ન શકાય. એ જ કારણ છે કે હવે ઇઝરાયેલમાં રહેતા વિદેશી નાગરિકોએ વતનવાપસી માટે તજવીજ શરૂ કરી દીધી છે. 

    યુદ્ધની સ્થિતિમાં ઉડ્ડયનને પણ સ્વભાવિક અસર પહોંચવાની. અહીં પણ યુદ્ધ શરૂ થયાની તરત પછી અનેક દેશોની એરલાઇન્સે પોતાની ઇઝરાયેલ જતી-આવતી ફ્લાઈટ્સ રદ કરી દીધી હતી. જેમાં ભારતીય એરલાઇન્સ એર ઇન્ડિયા પણ સામેલ છે. જેથી આ સંજોગોમાં પોતાના નાગરિકોને પરત લાવવા માટે જે કરવાનું રહે એ જે-તે દેશની સરકારે જ કરવું પડે છે. 

    - Advertisement -

    ઇઝરાયેલમાં ભારતના 18 હજાર નાગરિકો રહે છે, જેમાંથી જેઓ વતન આવવા માંગતા હોય તેમને પરત લાવવા માટે મોદી સરકારે ઑપરેશન અજય લૉન્ચ કર્યું છે. આ ઑપરેશનનો સમગ્ર ખર્ચ સરકાર ઉઠાવી રહી છે અને તેના હેઠળ અત્યાર સુધીમાં 900 જેટલા નાગરિકો પરત ફરી ચૂક્યા છે. ઑપરેશન ગુરૂવારે (12 ઓક્ટોબર) શરૂ કરવામાં આવ્યું હતું. હજુ પણ ચાલી રહ્યું છે અને નાગરિકોને ફ્લાઇટ્સ મારફતે પરત લાવવામાં આવી રહ્યા છે.

    યુદ્ધગ્રસ્ત દેશમાં આવાં ઑપરેશનો ચલાવવાં કઠિન કામ 

    યુદ્ધગ્રસ્ત દેશમાંથી પોતાના નાગરિકોને એક ઠેકાણે ભેગા કરવા, ત્યાં ફ્લાઇટ મોકલવી અને લઈને પરત આવવું- આ કામ સાંભળવામાં કે વાંચવામાં કદાચ એટલું કઠિન નહીં લાગે પણ વાસ્તવમાં તે અત્યંત કપરું કામ છે. સરકારે એક સમયે અનેક મોરચે લડવું પડે છે, અનેક બાબતોનું ધ્યાન રાખવું પડે છે, આવી બાબતોમાં વિદેશ નીતિ પણ વચ્ચે આવે છે. ઘણી માથાકૂટો બાદ આવાં ઑપરેશનો થતાં હોય છે. 

    યુદ્ધ કે હિંસા ચોક્ક્સ સમયે શરૂ થતાં નથી કે નાગરિકો કે સરકારને અગાઉથી તેની જાણ હોય છે. પરિસ્થિતિ નિયંત્રણમાં આવશે કે વધુ બગડશે તેનો અંદાજ પણ શરૂઆતમાં લગાવી શકાતો નથી. બીજું, જે-તે દેશમાં ભારતીય નાગરિકો એક જ શહેરમાં રહેતા હોતા નથી અને દેશભરમાં જુદાં-જુદાં ઠેકાણે ફેલાયેલા હોય છે. જ્યારે આ પ્રકારનાં ઑપરેશનો ચલાવવાનાં હોય ત્યારે સૌથી પહેલાં એક-એક નાગરિકનો સંપર્ક કરવો પડે છે, તેમને યોગ્ય માર્ગદર્શન આપવું પડે છે, બગડેલા માહોલ વચ્ચે ‘બધું ઠીક થઈ જશે’ની સાંત્વના આપવી પડે છે, સાથોસાથ જરૂરી પ્રક્રિયાઓ પણ પૂર્ણ કરાવવી પડે છે. 

    આ બધું જ કામ જે-તે દેશનાં દૂતાવાસોએ કરવું પડે છે. તે પણ યુદ્ધ અને હિંસાની સ્થિતિમાં. બીજી તરફ ભારતમાં પણ સરકાર પર એટલું જ દબાણ હોય છે. સમાચારો અને સોશિયલ મીડિયાના કારણે જેઓ વિદેશોમાં ફસાયેલા હોય તેમનાં સ્વજનોને પણ સ્વાભાવિક ચિંતા હોવાની. તેમનું પણ દબાણ સરકાર પર હોય છે. આવા સમયે આપણે ત્યાં વિપક્ષ પણ પોતાની પૂરેપૂરી ફરજ નિભાવે છે અને પરિસ્થિતિ વધુ બગાડવામાં અને ભયનો માહોલ સર્જવામાં કોઇ કસર બાકી રાખવામાં આવતી નથી. સરકારે એક તરફ ઑપરેશન તો પાર પાડવાનાં જ રહે છે પણ બીજી તરફ આ બધાં સામે પણ લડવું પડે છે. તેઓ કોઇ ખુલાસા પણ આપી શકતા નથી કારણ કે તો તેમને ફરજમાંથી છટકબારી શોધનારા ગણવી દેવાય છે. 

    આ ઑપરેશનો માટે સુવ્યવસ્થિત અને ક્ષણેક્ષણનું પ્લાનિંગ હોવું જરૂરી છે. કોઇ પણ બાબતમાં ગફલત પોસાય નહીં કારણ કે હજારો લોકોના જીવનનો સવાલ છે. જે-તે દેશની સરકાર સાથે વાતચીત કરીને પોતાના નાગરિકોને મદદ અપાય તે સુનિશ્ચિત કરવું પડે છે. કૂટનીતિક રીતે એટલું દબાણ લાવવું પડે છે કે જે-તે દેશો વાત સાંભળે. આ બધું જ કામ ખૂબ ઝડપથી અને ભયંકર પ્રેશર વચ્ચે કરવું પડે છે. સાથોસાથ ભવિષ્યમાં આવનારી સંભવ મુસીબતોની પણ તૈયારી રાખીને પ્લાન-બી સાથે લઈને ચાલવું પડે છે. 

    થોડાં વર્ષો પહેલાં આ બધું કદાચ અશક્ય લાગતું હોય પરંતુ મોદી સરકાર જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી આવાં ઑપરેશનો થતાં આપણે જોયાં છે. ઇરાક હોય, યમન હોય, અફઘાનિસ્તાન હોય કે યુક્રેન, જ્યારે-જ્યારે વિદેશમાં ફસાયેલા નાગરિકોને મદદની જરૂર પડી ત્યારે ભારત સરકારે મદદનો હાથ ઝાલ્યો છે અને સુવ્યવસ્થિત ઑપરેશનો પાર પાડીને, કોઇ તકલીફ વગર પોતાના નાગરિકોને વતન લાવવામાં આવ્યા છે. ઑપરેશન અજય એક જ નથી, છેલ્લાં 10 વર્ષમાં જ્યારે-જ્યારે પણ આવી સ્થિતિ સર્જાઇ ત્યારે સરકાર નાગરિકોની પડખે રહી અને ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ ઑપરેશનો પાર પાડ્યાં છે. તેનું કારણ બદલાતી વિદેશ નીતિ તો ખરી જ, પરંતુ સાથોસાથ દ્રઢ મનોબળ, ઇચ્છાશક્તિ અને નાગરિકો પ્રત્યેની સંવેદના પણ ખરાં. 

    આવાં જ મોટાં ઑપરેશનો પર નજર નાખીએ.

    જ્યારે સરકાર બન્યાના એક જ મહિનામાં ઈરાકમાં પાર પાડ્યું હતું મોટું ઑપરેશન 

    સૌથી પહેલું આ પ્રકારનું ઑપરેશન સરકારે પાર પાડ્યું હતું જૂન, 2014માં, જ્યારે મોદી સરકાર બન્યાને માંડ થોડા જ દિવસો થયા હતા. ઇરાકમાં ત્યારે ત્યાંની સરકાર-સેના અને આતંકવાદી સંગઠન ISIS વચ્ચે ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હતું. ISISના આતંકવાદીઓ એક પછી એક ઇલાકા કબજે કરતા જતા હતા અને જૂન, 2014માં તેમણે ઈરાકના શહેર તિકરીત પર આક્રમણ કરી દીધું. તે સમયે ભારતીય નર્સોનું એક જૂથ તિકરીતની એક હોસ્પિટલમાં કામ કરી રહ્યું હતું. 

    12 જૂનની મધ્ય રાત્રિએ તિકરીતમાં ગોળીઓ અને બૉમ્બના અવાજો આવવાના શરૂ થયા અને અચાનક શહેર હિંસાની ઝપટે ચડી ગયું. ત્યારે ત્યાંની સ્થાનિક નર્સો અને હોસ્પિટલનો અન્ય સ્ટાફ તો શહેર છોડીને ભાગી શક્યો પરંતુ ભારતીય નર્સો માટે તેવો કોઇ વિકલ્પ ન હતો. જેથી તેઓ ત્યાં જ હૉસ્પિટલમાં ફસાઈ ગયાં. પછી બીજા દિવસે 13 જૂને ISIS આતંકવાદીઓએ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લૉર પર કબજો કરી લીધો, તે સમયે નર્સો બીજા માળે હતી. 

    એક તરફ નર્સો પર આતંકવાદીઓના હાથે તેમની હત્યાનું જોખમ તોળાતું હતું અને બીજી તરફ જાણ થતાં ભારત સરકારે પગલાં લેવા માંડ્યાં હતાં. દૂતાવાસે તમામ નર્સો સાથે ટેલિફોનિક સંપર્ક જાળવી રાખ્યો હતો અને તેમને શું કરવું-ન કરવુંનું માર્ગદર્શન સતત અપાતું રહેતું. આખરે 30 જૂનના રોજ આતંકવાદીઓએ આ નર્સોને એક વાહન મારફતે સરહદ પર પહોંચાડી અને ત્યાંથી એક બસની વ્યવસ્થા કરીને એરપોર્ટ પર લાવવામાં આવી. અહીં સૌનાં ઓળખપત્રો ચકાસ્યા બાદ ભારતીય રેસ્ક્યુ ટીમને સોંપી દેવામાં આવી. આખરે 23 દિવસ મૃત્યુ સામે ઝઝૂમ્યા બાદ આ 46 નર્સ 5 જુલાઇના રોજ ભારત પરત ફરી હતી. 

    ISIS જેવા આતંકવાદી સંગઠનની ચુંગાલમાંથી પોતાના નાગરિકોને છોડાવવા એ સરળ વાત નથી, પરંતુ તત્કાલીન વિદેશ મંત્રી સુષમા સ્વરાજના નેતૃત્વમાં વિદેશ મંત્રાલયે કરી બતાવ્યું હતું. તેઓ સતત ઈરાક સરકાર તેમજ આસપાસના પાડોશી દેશો સાથે સંપર્કમાં રહ્યાં. વાતો એવી પણ છે કે સરકારે અનૌપચારિક રીતે ISIS સાથે પણ વાતચીત ચાલુ રાખી હતી અને આ સમગ્ર ઑપરેશન પાર પાડ્યું હતું. 

    યમનમાંથી ભારતીય નાગરિકો તો ખરા જ, વિદેશી નાગરિકોને પણ પરત લાવી હતી સરકાર 

    વર્ષ 2015માં યમનમાં ગૃહયુદ્ધની સ્થિતિ સર્જાઇ. અહીં હૂતી વિદ્રોહીઓ અને ત્યાંની સરકાર વચ્ચે લડાઇ શરૂ થઈ અને તેમાં પછી સાઉદી અરબની પણ એન્ટ્રી થઈ. યુદ્ધનો માહોલ સર્જાયો અને ફરી એક વખત મોદી સરકાર સામે પોતાના નાગરિકોને પરત લાવવાનો પડકાર ઉભો થયો. થોડો પણ વિલંબ કર્યા વગર મોદી સરકારે ઑપરેશન રાહત લૉન્ચ કર્યું અને ભારતીય નાગરિકોને પરત લાવવા માટે તજવીજ શરૂ કરી દીધી હતી. જોકે, અગાઉ બે-ત્રણ મહિના પહેલાંથી સરકારે એડવાઈઝરી જારી કરીને પોતાના નાગરિકોને શક્ય બને તેટલું જલ્દી યમન છોડી દેવા માટે જણાવ્યું હતું પરંતુ છતાં જ્યારે સ્થિતિ બગડી ત્યારે 5 હજાર નાગરિકો ફસાયેલા હતા.

    અહીં સમસ્યા એ હતી કે ઑપરેશન હવાઈ માર્ગે પાર પાડી શકાય તેવી સ્થિતિ ન હતી, કારણ કે સાઉદી અરેબિયાએ યમનને નો-ફ્લાય ઝોન ઘોષિત કર્યું હતું. જેથી ભારત સરકારે દરિયાઈ માર્ગે ઑપરેશન પાર પાડવાનું વિચાર્યું. સરકારે નૌસેનાનાં જહાજો મોકલી આપ્યાં તો બીજી તરફ વાયુસેનાનાં વિમાનોને પણ યમનના પાડોશી દેશોમાં મોકલી આપ્યાં, જેથી નાગરિકોને પહેલાં ત્યાં મોકલીને ત્યાંથી એરલિફ્ટ કરી શકાય. 

    યમનથી હજારો ભારતીયોને પરત લવાયા હતા (ફોટો- NDTV)

    1 એપ્રિલ, 2015ના રોજ શરૂ થયેલું ઑપરેશન 9 દિવસ સુધી ચાલ્યું અને 18 ફ્લાઇટ મારફતે હજારો નાગરિકોને પરત લાવવામાં આવ્યા હતા. આ ઑપરેશનમાં વાયુસેનાનાં ગ્લોબમાસ્ટર વિમાન ઉપરાંત નૌસેનાનાં INS સુમિત્રા અને INS મુંબઈ જહાજો પણ લગાવવામાં આવ્યાં હતાં. ભારતીય સેના અને સરકારે પોતાના 4640 નાગરિકોને તો સુરક્ષિત વતનવાપસી કરાવી જ, પરંતુ 41 દેશોના અન્ય 960 નાગરિકોને પણ મદદ પૂરી પાડી હતી, જે દેશોએ સ્વપ્નેય આ પ્રકારનું ઑપરેશન ચલાવવાનું વિચાર્યું ન હતું. 

    તે સમયે વડાપ્રધાન કાર્યાલય સતત મોનિટરીંગ કરી રહ્યું હતું તો વિદેશ મંત્રાલયે પણ સતત કામગીરી ચાલુ રાખી હતી. પીએમ મોદીએ જાતે પણ ક્ષણેક્ષણની માહિતી મેળવી હતી તેમજ સાઉદી અરબના સત્તાધીશો સાથે પણ વાતચીત કરીને ભારતીય નાગરિકોને મદદ પૂરી પાડવા માટે અપીલ કરી હતી. 

    2021માં તાલિબાને કબજો કર્યા બાદ અફઘાનિસ્તાનમાંથી પોતાના નાગરિકોને પરત લવાયા 

    મે, 2021માં અમેરિકન સરકારે અફઘાનિસ્તાનમાં પોતાનું 20 વર્ષથી ચાલતું ઑપરેશન પૂર્ણ કરીને સેના પરત લેવાની જાહેરાત કરી ત્યારથી જ આતંકવાદી સંગઠન તાલિબાને ફરી દેશ કબજે કરવાની કવાયત શરૂ કરી દીધી હતી. તેઓ એક પછી એક વિસ્તાર કબજે કરતા ગયા અને આખરે 15 ઓગસ્ટ, 2021ના રોજ રાજધાની કાબુલ પર પણ કબજો કરી લીધો અને ચૂંટાયેલી સરકાર ઉખાડી ફેંકીને પોતાની સરકાર સ્થાપી દીધી. 

    તાલિબાન શાસન આવ્યા બાદ અફઘાનિસ્તાનમાં ઉથલપાથલ થવી સ્વભાવિક હતી અને થઈ પણ ખરી. વિશ્વભરના નાગરિકો જેઓ કાબુલ અને અન્ય શહેરોમાં રહેતા હતા તેમણે તો પલાયન કરવા જ માંડ્યું પરંતુ કાબુલના વતનીઓ પણ દેશ છોડવા માંડ્યા. પરંતુ ફ્લાઈટ ઓપરેશન પણ થઈ ન શક્યાં કારણ કે તાલિબાને એરપોર્ટ જ બંધ કરી દીધું હતું. 

    ઑપરેશન દેવીશક્તિ હેઠળ અનેક નાગરિકોની વતનવાપસી કરાવાઈ હતી (ફોટો- Hindustan Times)

    જોકે, ભારતે પરિસ્થિતિને જોતાં પહેલેથી જ પોતાના નાગરિકોને પરત લાવવા માટેની કામગીરી શરૂ કરી દીધી હતી. પરંતુ કામ કઠિન હતું કારણ કે અફઘાનિસ્તાન સાથે કોઇ સરહદ લાગતી નથી અને વધુમાં તે સમયે ત્યાં કોઇ સ્થિર સરકાર પણ ન હતી, જેમની સાથે વાત કરીને ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. આવી વિષમ પરિસ્થિતિઓમાં પોતાના નાગરિકોને લાવવા માટે સરકારે ઑપરેશન દેવિશક્તિ લૉન્ચ કર્યું અને સફળતાપૂર્વક પાર પાડયું હતું. 

    આ ઑપરેશનમાં લગભગ 800 નાગરિકોને વતન પરત લાવવામાં આવ્યા હતા. 

    રશિયા-યુક્રેનના ભીષણ યુદ્ધ વચ્ચે પોતાના વિદ્યાર્થીઓને પરત લાવી હતી મોદી સરકાર

    મોદી સરકારે આવાં તો બહુ ઑપરેશનો પાર પાડ્યાં, પણ રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે હાથ ધરેલું ઑપરેશન ગંગા એક ઐતહાસિક હતું. ઘણા સમય સુધી બંને દેશો વચ્ચે પરિસ્થિતિ તણાવપૂર્ણ રહ્યા બાદ 24 ફેબ્રુઆરી, 2022ના દિવસે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પાડોશી દેશ યુક્રેનમાં સૈન્ય આક્રમણ કરવાના આદેશ આપી દીધા અને ભીષણ યુદ્ધ શરૂ થયું.

    યુક્રેનમાં ભારતના ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ઉપરાંત ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તોપણ દેશ ખાસ્સો મોટો છે. ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો આ દેશનાં જુદાં-જુદાં શહેરોમાં ફસાઈ ગયા હતા અને બીજી તરફ ભીષણ યુદ્ધ ચાલી રહ્યું હતું. આવા સમયે તેમને પરત લાવવા માટે ભારત સરકારે ઑપરેશન ગંગા લૉન્ચ કર્યું અને ત્યારપછી જે થયું એ ઈતિહાસ છે. 

    યુક્રેનમાં યુદ્ધના કારણે એરસ્પેસ સંપૂર્ણપણે બંધ હતી, જેથી ત્યાં વિમાન મોકલવાં શક્ય ન હતાં. જેથી ભારત સરકારે યુક્રેનના પાડોશી દેશો હંગેરી, પોલેન્ડ અને રોમાનિયા સાથે વાતચીત કરીને તેમની મદદ માંગી હતી. ત્યારબાદ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સાથે સંપર્કમાં રહીને તેમને સરહદ પાર કરાવીને આ દેશોમાં મોકલ્યા અને ત્યાંથી એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. ભારત આવ્યા બાદ પણ એરપોર્ટથી ઘર સુધી પહોંચાડવા માટે મોટાભાગની રાજ્ય સરકારોએ વ્યવસ્થા કરી હતી. ગુજરાત સરકારે પણ GSRTCની વોલ્વો બસ કામે લગાડી હતી. 

    પીએમ મોદીએ આ ઑપરેશન સુખદ રીતે પાર પડે અને વિદ્યાર્થીઓને કોઇ તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારના ચાર મંત્રીઓને યુક્રેન અને પાડોશી દેશોમાં મોકલ્યા હતા, જેમણે ત્યાં પહોંચીને જે-તે સરકારો સાથે વાટાઘાટો કરીને વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી. આ ઑપરેશન થકી 20 હજાર ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ હતા. નાગરિકો તો ઠીક પરંતુ તેમણે પાળેલાં પશુઓની પણ ભારતે દરકાર કરી હતી અને તેમને પણ હવાઈમાર્ગે સ્વદેશ લવાયાં હતાં. 

    સુદાનમાં ગૃહયુદ્ધ વચ્ચે લૉન્ચ થયું હતું ‘ઑપરેશન કાવેરી’ 

    એપ્રિલ, 2023માં સુદાન ગૃહયુદ્ધની ચપેટમાં ફસાયું. અહીં દેશની સેના અને શક્તિશાળી સૈન્ય જૂથ સામસામે થઈ ગયાં હતાં અને સત્તા મેળવવાનો સંઘર્ષ હિંસક બની ગયો. ખારતૌમ સહિતનાં અનેક શહેરોમાં હિંસા ફાટી નીકળી અને સુદાનમાં રહેતા ભારતીયો પર જોખમ તોળાવા માંડ્યું. આવા સમયે વારો હતો વધુ એક ઑપરેશનનો- ઑપરેશન કાવેરી

    સરકારે સુદાનમાં ફસાયેલા ભારતીય નાગરિકો સાથે સંપર્ક કરીને તેમને સુરક્ષિત સ્થળે ખસેડી લીધા હતા અને ત્યારબાદ ભારતીય નેવીનાં જહાજો અને વાયુસેનાનાં વિમાનો મોકલીને તેમને સ્વદેશ પરત લાવવામાં આવ્યા હતા. આ લોકો જ્યારે પરત આવ્યા ત્યારે કેવી પરિસ્થિતિમાંથી તેમને બચાવવામાં આવ્યા તે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેઓ જ્યાં ફસાયા હતા તેની આસપાસ વિદ્રોહીઓએ કબજો કરી લીધો હતો અને બધું જ નષ્ટ કરી નાખ્યું હતું. તેઓ તકલીફમાં મૂકાઈ ગયા હતા અને જીવન-મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે મોદી સરકાર મદદે આવી અને ઑપરેશન કાવેરી થકી તેમને હેમખેમ વતન લઇ અવાયા. 

    સુદાનથી સુરક્ષિત વતન પરત ફરતાં પહેલાં ‘ભારત માતા કી જય’નો જયઘોષ કરતા ભારતીયો (ફોટો-News18)

    આ જ ઑપરેશનના અન્ય એક કિસ્સાનો અહીં ઉલ્લેખ કરવો રહ્યો. વાયુસેનાનું તોતિંગ  C-130J હરક્યૂલસ વિમાન જ્યારે પોતાના નાગરિકોને લેવા માટે સુદાન પહોંચ્યું તો ત્યાં એરપોર્ટના રનવે પર લાઇટની કોઇ વ્યવસ્થા ન હતી તેમજ રનવે પણ ખરાબ થઈ ગયો હતો. આ સ્થિતિમાં પ્લેનનું લેન્ડિંગ અત્યંત કપરું કામ છે. 

    સુદાનમાં વાડી સૈય્યદ એર સ્ટ્રીપ પર રાત્રિના અંધારામાં વિમાન લેન્ડિંગ કરાવવા માટે જરૂરી એવા કોઈ જાતના નેવિગેશન એપ્રોચ એડ્સ કે લેન્ડિંગ લાઈટો લગાવવામાં આવી ન હતી. જેથી વિમાન લેન્ડ કરવું ભારતીય વાયુસેના માટે એક પડકાર હતો. ઉપરાંત, જે વિમાન લેન્ડ કરાવવાનું હતું એ અન્ય વિમાન કરતાં અનેકગણું મહાકાય હોય છે. તેમ છતાં પાયલટે નાઈટ વિઝન ગોગલ્સની મદદથી આ વિમાન સફળતાપૂર્વક લેન્ડ કરાવી દીધું હતું. એટલું જ નહીં, તમામ ભારતીયોને વિમાનમાં બેસાડ્યા અને પરત ટેક ઑફ કરીને વતન પરત લાવવામાં આવ્યા હતા. પરત ટેક ઑફ કરવા માટે પણ નાઇટ વિઝનની જ મદદ લેવામાં આવી હતી. આ ઑપરેશનમાં 4 હજાર ભારતીયોને પરત લાવવામાં આવ્યા હતા. 

    વંદે ભારત મિશન

    આ બધાં તો યુદ્ધો વચ્ચે પાર પાડવામાં આવેલાં રેસ્ક્યુ મિશનો થયાં પરંતુ માનવ ઇતિહાસનાં સૌથી મોટાં રેસ્ક્યુ ઑપરેશનો પૈકીનું એક હતું- વંદે ભારત મિશન. કોરોના સમયે જ્યારે દુનિયાભરના દેશો પોતાની સરહદો બંધ કરી રહ્યા હતા ત્યારે મોદી સરકારે આ મિશન થકી હજારો નાગરિકોની વતનવાપસી કરાવી અને એવું કરી બતાવ્યું જે કોઈ દેશ કરી શક્યો ન હતો.

    નવેમ્બર-2021ના આંકડા જોઈએ તો આ મિશન હેઠળ 2 લાખ 17 હજાર ફ્લાઇટ્સ ઑપરેટ થઈ અને 1.83 કરોડ મુસાફરોને લાવવા-લઇ જવામાં આવ્યા હતા.

    છેલ્લાં 9 વર્ષમાં ભારતની બદલાયેલી વિદેશ નીતિનાં જ પરિણામો છે કે આવી વિષમ પરિસ્થિતિઓ અને પ્રતિકૂળ સંજોગોમાં ભારતે એવાં પરાક્રમ કરી બતાવ્યાં જે કહેવાતા વિકસિત દેશો પણ કરી શક્યા ન હતા. જ્યારે-જ્યારે, જ્યાં-જ્યાં વિદેશમાં ફસાયેલા ભારતીયને મદદની જરૂર પડી છે ત્યારે સરકાર તેની પડખે ઉભી રહી છે. એ પછી ભીષણ યુદ્ધ હોય કે બીજી કોઇ પરિસ્થિતિ,  ભારતે સતત પોતાના નાગરિકની ચિંતા કરી છે.

    આ જ સિસ્ટમ પહેલાં પણ હતી, આ જ વાયુસેનાનાં વિમાનો અને નૌસેનાનાં જહાજો પણ હતા અને આટલા જ જાંબાઝ સેનાના અધિકારીઓ અને જવાનો પણ હતા, પરંતુ એમાં કશું ઉમેરાયું જો હોય તો તે છે- સત્તામાં બેઠેલા માણસોની ઇચ્છાશક્તિ અને કોઇ કામ પાર પાડવાનું દ્રઢ મનોબળ. નરેન્દ્ર મોદીએ એક વાર કહ્યું હતું કે વિદેશમાં કોઈ નાગરિક ફસાયો હોય તો તેમને ઊંઘ આવતી નથી, તેમણે આટલાં વર્ષોમાં આ સાબિત કરી બતાવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં