Saturday, November 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતૂટેલો રનવે અને ઘોર અંધકાર પણ ભારતીય વાયુસેનાને રોકી ન શક્યા: નાઈટ...

    તૂટેલો રનવે અને ઘોર અંધકાર પણ ભારતીય વાયુસેનાને રોકી ન શક્યા: નાઈટ વિઝનથી તોતિંગ C-130J હરક્યૂલિસ વિમાનને લેન્ડ કરાવી ગરુડ કમાન્ડોએ હિંસાગ્રસ્ત સુદાનમાં ચલાવ્યું રેસ્ક્યુ ઓપરેશન

    ન કોઈ લાઇટ્સ, ન અન્ય સુવિધાઓ છતાં વાયુસેનાના પાયલટે વિમાન લેન્ડ કરાવ્યું, ભારતીય નાગરિકોને બેસાડ્યા અને ફરીથી ટેક ઑફ કરીને સુરક્ષિત વતન લવાયા હતા.

    - Advertisement -

    હિંસાની આગમાં ભડકે બળતા સુદાનમાંથી પોતાના નાગરિકોને સુરક્ષિત સ્વદેશ પરત લાવવા માટે ભારત સરકારે ‘ઑપરેશન કાવેરી’ લૉન્ચ કર્યું છે. ફ્લાઈટ્સ અને જહાજ દ્વારા નાગરિકોને પરત લાવવામાં આવી રહ્યા છે. દરમ્યાન પડકારોની વચ્ચે પણ ભારતીય વાયુસેનાએ કઈ રીતે આ ઑપરેશન ચાલુ રાખ્યું અને પોતાની ક્ષમતાનો પરચો આપ્યો તેનો એક કિસ્સો સામે આવ્યો છે. સુદાનમાં પોતાના નાગરિકોને લેવા માટે પહોંચેલા વિમાન માટે એર સ્ટ્રીપ પર નાઈટ લેન્ડિંગની વ્યવસ્થા ન હોવા છતાં ભારતીય વાયુસેનાએ ભારે ભરખમ C-130J હરક્યૂલિસ વિમાનને લેન્ડ કરાવ્યું હતું અને ઑપરેશન પાર પાડ્યું હતું.

    અંધારામાં નાઈટ વિઝન સાથે લેન્ડિંગ કરી ઈતિહાસ રચ્યો

    એરપોર્ટ ઉપર વિમાનનું લેન્ડિંગ કરવું હોય તો દિવસના અજવાળામાં કોઈ વાંધો આવતો નથી પરંતુ રાત્રિના સમયે લેન્ડિંગ કપરું હોય છે અને આ દરમિયાન પાયલટને સરળતા રહે તે માટે એરપોર્ટ પર રન-વેની બંને બાજુ લાઇટ્સ લગાવવામાં આવી હોય છે, જેથી હવામાંથી પાયલટ તેને જોઈને તદનુસાર લેન્ડિંગ કરાવી શકે. પરંતુ સુદાનના આ વાડી સૈયદના એર સ્ટ્રીપ પર આવી કોઈ વ્યવસ્થા ન હતી તેમજ રન-વે પણ ખરાબ થઇ ગયો હતો.

    સુદાનમાં વાડી સૈય્યદ એર સ્ટ્રીપ પર રાત્રિના અંધારામાં વિમાન લેન્ડિંગ કરાવવા માટે જરૂરી એવા કોઈ જાતના નેવિગેશન એપ્રોચ એડ્સ કે લેન્ડિંગ લાઈટો લગાવવામાં આવી નથી. જેથી વિમાન લેન્ડ કરવું ભારતીય વાયુસેના માટે એક પડકાર હતો. ઉપરાંત, જે વિમાન લેન્ડ કરાવવાનું હતું એ અન્ય વિમાન કરતાં અનેકગણું મહાકાય હોય છે. તેમ છતાં પાયલટે નાઈટ વિઝન ગોગલ્સની મદદથી આ વિમાન સફળતાપૂર્વક લેન્ડ કરાવી દીધું હતું. એટલું જ નહીં, તમામ ભારતીયોને વિમાનમાં બેસાડ્યા અને પરત ટેક ઑફ કરીને વતન પરત લાવવામાં આવ્યા હતા.

    - Advertisement -

    હવાઈ પટ્ટીની નજીક પહોંચતાંની સાથે જ પાયલટે પોતાના ઇલેક્ટ્રો-ઓપ્ટીકલ/ઈન્ફ્રા-રેડ સેંસરનો ઉપયોગ કરીને તે સુનિશ્ચિત કરી લીધું હતું કે નાના અને તૂટેલા રનવે પર કોઈ અડચણ ન આવે. રનવે સાફ છે તેની પુષ્ટિ કર્યા બાદ નાઈટ વિઝન ગોગલ્સની મદદથી વિમાન ઉતારવામાં આવ્યું હતું. આ આખા ઑપરેશનમાં લેન્ડિંગ બાદ પણ વિમાનના એન્જિન ચાલુ રાખવામાં આવ્યાં હતાં.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઓપરેશન 27-28 એપ્રિલની રાતે પાર પાડવામાં આવ્યું હતું. સેનાને માહિતી મળી હતી કે સુદાનની રાજધાની ખાર્તુમથી લગભગ 40 કિલોમીટર દૂર વાડી સૈય્યદના એર સ્ટ્રીપ પાસે કેટલાક ભારતીય નાગરિકો ફસાયેલા છે. જેમાં એક ગર્ભવતી મહિલા સહિત કેટલાક બીમાર લોકો પણ સામેલ હતા. આ ઑપરેશનમાં લેન્ડિંગ અને ટેકઓફ માટે અઢી કલાકનો સમય લાગ્યો હતો. આ દરમિયાન 8 ગરુડ કમાન્ડો ભારતીય નાગરિકોની ચારે બાજુ એક સુરક્ષા કવચ બનાવીને ઉભા રહ્યા હતા.

    ભારતીય વાયુસેનાએ સુદાનમા ટેકઓફ માટે પણ નાઈટ વિઝનની મદદ લીધી

    ભારતીય વાયુસેનાના સ્પેશિયલ ફોર્સીસ યુનિટના આઠ ગરુડ કમાન્ડોએ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બોર્ડિંગની ચોકસાઈ રાખી હતી. લેન્ડિંગની જેમ જ ટેકઓફ માટે પણ નાઈટ વિઝનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વાડી સૈયદના અને જેદ્દાહ વચ્ચે અઢી કલાક ચાલેલા આ ઓપરેશનમાં પરિસ્થિતિઓ કાબુલ એરલિફ્ટ જેવી જ હતી. માનવીય સંકટ દરમિયાન સાહસભર્યા આ ઑપરેશને વાયુસેનાના ખાતામાં વધુ એક સફળતા અંકિત કરી છે. ભારતીય વાયુસેનાએ સુદાનમાં પડકારોની વચ્ચે વિમાન લેન્ડ કરીને પોતાના નાગરિકોને પરત લાવ્યા બાદ દેશભરમાં આ વિશે ચર્ચા થઇ રહી છે.

    સુદાનમાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવા માટે ભારતે ‘ઓપરેશન કાવેરી‘ હેઠળ 754 લોકોને હેમખેમ પરત લાવવામાં સફળતા મેળવી છે. આ ઉપરાંત વાયુસેના દ્વારા સી-17 ટ્રાન્સપોર્ટ વિમાનમાં 392 લોકોને દિલ્હી લાવવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 362 ભારતીયોને બેંગલુરુ લાવવામાં આવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં