Friday, May 17, 2024
More
    હોમપેજદેશયુદ્ધ વચ્ચે ભારત સરકાર ચલાવી રહી છે ‘ઑપરેશન અજય’, સેંકડો ભારતીયો ઇઝરાયેલથી...

    યુદ્ધ વચ્ચે ભારત સરકાર ચલાવી રહી છે ‘ઑપરેશન અજય’, સેંકડો ભારતીયો ઇઝરાયેલથી પરત ફર્યા: અંતિમ નાગરિકની વતનવાપસી સુધી ચાલુ રહેશે ઑપરેશન 

    જેવી યુદ્ધની સ્થિતિ વણસી કે તરત સરકારે આ ઑપરેશન લૉન્ચ કરી દીધું હતું અને ભારતીયોને સુરક્ષિત સ્થળે ખસેડવા માંડ્યા હતા. આ ઑપરેશન હેઠળ અત્યાર સુધીમાં સેંકડો ભારતીયો વતન પરત ફરી ચૂક્યા છે. બાકીના પણ જલ્દીથી પરત ફરશે.

    - Advertisement -

    હાલ ઇઝરાયેલ અને આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આમ તો યુદ્ધભૂમિ ઈઝરાયેલની પશ્ચિમ સરહદે આવેલ શહેર ગાઝા છે (જ્યાં હમાસનું શાસન છે) પરંતુ આવી સ્થિતિમાં અસરો આખા દેશ પર થતી હોય છે. યુદ્ધ કેટલું ચાલે તે નક્કી નથી, એટલે સાવચેતીના ભાગરૂપે જે અન્ય દેશોના નાગરિકો ઈઝરાયેલમાં રહે છે તેમણે સ્વદેશ પરત ફરવાનું શરૂ કર્યું છે. એવિએશનને અસર પહોંચી છે એટલે ફરજિયાત તમામ દેશોએ સ્પેશિયલ ફ્લાઇટ દોડાવવી પડે અને પોતાના નાગરિકોને પરત લાવવા પડે. ભારત સરકારે પણ આ માટે વિશેષ ઑપરેશન લૉન્ચ કર્યું છે- ઑપરેશન અજય.

    જેવી યુદ્ધની સ્થિતિ વણસી કે તરત સરકારે આ ઑપરેશન લૉન્ચ કરી દીધું હતું અને ભારતીયોને સુરક્ષિત સ્થળે ખસેડવા માંડ્યા હતા. આ ઑપરેશન હેઠળ અત્યાર સુધીમાં સેંકડો ભારતીયો વતન પરત ફરી ચૂક્યા છે. બાકીના પણ જલ્દીથી પરત ફરશે. અત્યાર સુધીમાં ચાર ફ્લાઇટ પરત ફરી ચૂકી છે, જેમાં લગભગ 900 લોકો પરત ફર્યા છે. 

    આંકડાઓ જોઈએ તો પહેલી ફ્લાઇટમાં કુલ 212 લોકો આવ્યા હતા. શનિવારે બીજી ફ્લાઇટ આવી તેમ 235 લોકો આવ્યા. 197 લોકો સાથે ત્રીજી ફ્લાઇટ રવિવારે સવારે પહોંચી અને ચોથી ફ્લાઇટમાં 274 લોકોને લવવામાં આવ્યા. ઈઝરાયેલમાં 18 હજાર ભારતીયો છે અને આવવા માંગતા સૌને વતન પરત નહીં લાવવામાં આવે ત્યાં સુધી આ ઑપરેશન ચાલુ રહેશે. 

    - Advertisement -

    રવિવારે (15 ઓક્ટોબર) ચોથી ફ્લાઈટ ઇઝરાયેલથી પરત ફરી હતી, જેમાં 274 ભારતીયો પરત ફર્યા. દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થયેલી આ ફ્લાઇટમાં પરત ફરેલા ભારતીયોને આવકારવા માટે કેન્દ્રીય મંત્રી વીકે સિંહ સ્વયં હાજર રહ્યા હતા. તેમણે તમામ મુસાફરોનું સ્વાગત કર્યું અને તમામને તિરંગો પણ આપ્યો.

    મીડિયાને તેમણે જણાવ્યું કે, “આ ચોથી ફ્લાઈટ છે. આવતીકાલે વધુ એક ફ્લાઇટ આવશે. જ્યાં સુધી જેટલા લોકોએ રજિસ્ટર કર્યું છે તેઓ પરત ન ફરે ત્યાં સુધી અમે ફ્લાઇટ ઑપરેશન ચાલુ રાખીશું. ઑપરેશન ખૂબ સારી રીતે અને સુવ્યવસ્થિત દિશામાં ચાલી રહ્યું છે. મારો સંદેશ એ જ હશે કે તમે જ્યાં પણ હો ત્યાં સૂચનાઓનું પાલન કરો, ભયભીત થઈ જવાની કોઈ જરૂર નથી.

    પરત ફરનારા લોકોએ કહ્યું- અમને સુરક્ષિત લાવવા બદલ સરકારનો આભાર

    જે લોકો પરત ફરી રહ્યા છે તેઓ આ ઑપરેશન બદલ ભારત સરકારનો આભાર માની રહ્યા છે. એક વિદ્યાર્થીએ કહ્યું કે, શરૂઆતમાં માહોલ થોડો વધુ ભયાનક હતો અને સ્થિતિ નિયંત્રણમાં ન હતી પરંતુ હવે ધીમેધીમે સામાન્ય થઈ રહ્યું છે. સરકાર અને મિલિટરી કડક પગલાં લઇ રહી છે. આ પહેલ કરવા બદલ (ઑપરેશન અજય ચલાવવા બદલ) અમે ભારત સરકારનો આભાર માનીએ છીએ. અન્ય લોકોએ કહ્યું કે, તેમને કોઇ તકલીફ ન પડી અને ભારતીય દૂતાવાસે તમામ પ્રક્રિયાઓ ખૂબ સારી રીતે અને ઝડપથી પૂર્ણ કરી આપી. 

    તેલ અવીવ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પ્રિયા ગુપ્તાએ કહ્યું કે, ભારતીય દૂતાવાસ તરફથી ખૂબ મદદ મળી. ખૂબ ઝડપથી અમને પરત લવાયા. સરકારનો આભાર વ્યક્ત કરું છું. અન્ય એક નાગરિકે કહ્યું કે, અમે માત્ર આગલા દિવસે રજિસ્ટ્રેશન કર્યું હતું અને બીજા દિવસે અમને ફ્લાઇટ મળી ગઈ. આ પ્રક્રિયા ખૂબ સારી અને ઝડપી રહી. 

    ઉલ્લેખનીય છે કે આ ઑપરેશન ઇઝરાયેલથી પોતાના નાગરિકોને પરત લાવવા માટે નરેન્દ્ર મોદી સરકારે શરૂ કર્યું છે, જેનો તમામ ખર્ચ સરકાર ઉઠાવી રહી છે. ગુરૂવારે ઑપરેશન લૉન્ચ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં લગભગ હજાર નાગરિકોને પરત લાવવામાં આવી ચૂક્યા છે. સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે જ્યાં સુધી દેશનો એક-એક નાગરિક પરત નહીં ફરે ત્યાં સુધી કોઇ પણ સજોગોમાં આ ઑપરેશન ચાલુ રહેશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં