Friday, October 11, 2024
More
    હોમપેજમંતવ્યપાકિસ્તાનની જનતા તો તેના નેતા અને લશ્કરના વાંકે ભીખ માંગવાના આરે આવી...

    પાકિસ્તાનની જનતા તો તેના નેતા અને લશ્કરના વાંકે ભીખ માંગવાના આરે આવી ગઈ છે પરંતુ દુબઈમાં પાકિસ્તાની ભીખારીઓની તો મોજેમોજ જ છે! – એક રસપ્રદ વિશ્લેષણ

    શું તમે માની શકો છો કે એક ભિખારીની આવક લાખોમાં હોય અને તે પણ પોતાના દેશમાં નહીં પરંતુ વિદેશમાં? હા જી આવો જ કમાલ પાકિસ્તાની ભિખારીઓએ દુબઈમાં કરી બતાવ્યો છે!

    - Advertisement -

    આપણો પડોશી દેશ પાકિસ્તાન દરરોજ બરબાદી તરફ ડગલા માંડી રહ્યો છે, દેશની જનતાને ખાવાના ફાંફાં પડી ગયા છે. એક ટંકનો રોટલો બને તેલો લોટ મેળવવા માટે લોકો જીવ ખોઈ રહ્યાં છે. પાકિસ્તાનના વડાપ્રધાન અને આર્મી ચીફ નાણાકીય મદદ મેળવવા માટે વિદેશોમાં ઠોકરો ખાઈ રહ્યાં છે. સીધા શબ્દોમાં કહીએ તો પાકિસ્તાન હવે પાયમાલીના આરે આવી ગઈ છે, તેવામાં ગયા અઠવાડિયે દુબઈથી આવેલા સમાચારોએ આખા વિશ્વમાં પાકિસ્તાનનું નાક કપાવ્યું. સમાચાર હતા કે પાકિસ્તાનના ભીખારીઓથી દુનિયા પરેશાન થઈ ગઈ છે, ખાસ કરીને દુબઈ. તાજેતરમાં જ દુબઈ પોલીસે 319 ભીખારીઓને પકડ્યા હતા, જેમાંથી 253 પાકિસ્તાની ભીખારીઓ હતા.

    નોંધનીય છે કે દુબઈમાં ભીખ માંગવી ગેરકાનૂની છે, આટલું જ નહી, ત્યાં ભીખ માંગવી અને આપવી બંને કૃત્યોને ખુબ ગંભીર અપરાધ માનવામાં આવે છે. તેવામાં દુબઈ પોલીસે 253 પાકિસ્તાની ભીખારીઓ સહીત કુલ 319 લોકોની ધરપકડ કરી હોવાની માહિતી સામે આવી હતી. જેમાં 176 પુરુષો હતા અને 152 મહિલા ભીખારીઓ હતી. આ તમામ લોકો ઈદ ઉલ ફિતર દરમિયાન ભીખ માંગતા ઝડપાયા હતા.

    આ ઘટના ધ્યાન પર આવતાને સાથે જ અમે આ વિશે વધુ માહિતી મેળવવા અમારી ટોમે રીસર્ચ શરુ કર્યું, અને અત્યાર સુધી સામે આવેલા આ પ્રકારના રીપોર્ટસ ફંફોસવાનું શરુ કર્યું. આ દરમિયાન પાકિસ્તાનના ભીખારીઓથી દુનિયા પરેશાન હોય તેવા અનેક અહેવાલો અમને જોવા મળ્યાં. તેવામાં અમારી નજર એક વિડીયો પર પડી, જેમાં એક પાકિસ્તાની પત્રકાર પોતે જ યુટ્યુબ પર વિડીયો બનાવીને પોતાના દેશની જનતાની કરતૂતોને દુનિયા સામે ઉઘાડી પડતા નજરે પડે છે.

    - Advertisement -

    પાકિસ્તાની પત્રકારે જ ખોલી પોતાના દેશની પોલ, કહ્યું- પાકિસ્તાનના ભીખારીઓથી દુનિયા પરેશાન

    પાકિસ્તાનના સયેદ અલી હૈદર નામના આ પત્રકારે અપલોડ કરેલા આ વિડિયોનું શીર્ષક છે, “પાકિસ્તાની ભીખારીઓ દુબઈમાં રૂપિયા 83 લાખ દર મહીને કમાય છે, સયેદ અલી હૈદર દ્વારા માહિતી.” 4 દિવસ પહેલા અપલોડ કરવામાં આવેલા આ વિડીયો પર અત્યાર સુધીમાં 23 હજાર વ્યુ આવ્યાં છે. આ વિડીયો શરુ કરતાની સાથે જ આ પાકિસ્તાની પત્રકાર અલી હૈદર તેમના દર્શકોને કહી રહ્યાં છે કે, “મારો આભાર માનો કે, હું આજે આપને એક એવા સમાચાર આપવા જઈ રહ્યો છું કે જેનાથી પાકિસ્તાનીઓના માથા ગર્વથી ઊંચા નહી થાય, પરંતુ શરમથી ઝુકી જશે. હું જે દેશની વાત કરી રહ્યો છું ત્યાં અવાર નવાર મારે આવવા જવાનું થાય છે. અને હું કાયમ વિચારતો હતો કે, બહારના દેશોમાં કોઈ આપણી ઈજ્જત શા માટે નથી કરતું? આપણા મુસ્લિમ દેશો હોવા છતાં તેઓ આપણી ઈજ્જત કેમ નથી કરતા? શું આપણામાંથી વાસ આવે છે? હું તો પરફ્યુમ લગાવીને જાઉં છું, અંગ્રેજી પણ સારી બોલી રહ્યો હતો. તેમ છતાં ઈજ્જત નહતી મળી રહી.”

    અલી હૈદર પોતાની વાતના શરૂઆતના તબક્કામાં જ કહી દે છે કે દુનિયામાં કોઈ પણ દેશ પાકિસ્તાન કે પાકિસ્તાનીઓને કોઈ ઈજ્જત નથી આપતું અને તેમની વાત પણ સાચી છે, તાજેતરમાં જ સાઉદી આરબે પાકિસ્તાની પ્રધાનમંત્રીનો પ્રવાસ રદ કરી દીધો હતો. આટલું જ નહીં ત્યાના ક્રાઉન પ્રિન્સે પાકિસ્તાની પ્રધાનમંત્રીને મુલાકાતનો સમય પણ નહતો આપ્યો. જે દેશના પ્રધાનમંત્રીની આ હાલત હોય, તો તે દેશના નાગરિકોની શું હાલત હોય તે સમજી શકાય છે, પરંતુ આ હદે આબરૂ જવાનું કરણ શું? પહેલા તો તાજેતરની ઘટના જોઈએ.

    ભીખ માંગવામાં પાકિસ્તાન અવ્વલ નંબરે

    પાકિસ્તાની પત્રકાર અલી હૈદર પોતાની વાત આગળ વધારતા કહે છે કે, “પછી જે ખબર મારી સામે આવી, તે ખબર સાંભળીને મને તે અહેસાસ થયો, કે જે માશાલ્લાહ આપણી હાલત છે તેના બાદ આપણી ઈજ્જત થવી બનતી જ નથી. પાકિસ્તાનના ભીખારીઓથી દુનિયા પરેશાન થઈ ગઈ છે, તેમાં પણ દુબઈ પોલીસે એક્શન લઈને 319 ભિખારીઓને ઝડપી લીધા છે, દુબઈમાં ભીખ માંગવી એક ગુનો છે. અને માશાલ્લા 253 પાકિસ્તાની ભિખારી છે. દુબઈમાં સહુથી વધુ વિદેશી નાગરિકોમાં પ્રથમ નંબર પર ભારતીયો છે. અને પાકિસ્તાનીઓ બીજા નંબર પર આવે છે. પરંતુ ભીખ માંગવાના મામલામાં પાકિસ્તાનીઓ પ્રથમ આવે છે. આપણે પાકિસ્તાનમાં હોઈએ ત્યારે આખી દુનિયા પાસેથી માંગી રહ્યાં હોઈએ છીએ, અને દુનિયાભરમાં જ્યાં ચાલ્યા જઈએ ત્યાંથી માંગતા હોઈએ છીએ.”

    આ વાત કરીને હૈદરે પોતાના દેશની વાસ્તવિક પરિસ્થિતિ આખી દુનિયા સામે ઉજાગર કરી દીધી (જોકે આખી દુનિયા તે પહેલેથી જ જાણે છે) કે પાકિસ્તાન હવે પાયમાલ થઈ ચુક્યું છે. ઇસ્લામિક દેશો સહીત પાકિસ્તાનનું ગાઢ મિત્ર ગણાતું અને અનેક વાર પાકિસ્તાનને આર્થિક મદદ કરનાર સાઉદી અરબ પણ હવે પાયમાલ થઈ રહેલા આ દેશથી અંતર વધારી રહ્યું છે. ઇસ્લામિક દેશો પાસે નાણાકીય મદદ માંગવા માટે પાકિસ્તાની પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ અને ત્યાના આર્મી ચીફ ધક્કાઓ ખાઈ રહ્યાં છે. ગત દિવસોમાં તો સાઉદી અરબે પાકિસ્તાનના પ્રધાનમંત્રીનો પ્રવાસ રદ કર્યો હતો. એવા પણ અહેવાલ છે કે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ તરફથી શાહબાઝ શરીફને મુલાકાત માટેનો સમય નથી ફાળવવામાં આવી રહ્યો.

    ભીખારીઓ મહીને 83 લાખ કમાતા હોવાનો દાવો

    અલી હૈદર આગળ કહે છે કે, “અચ્છા હવે હું તમને જાણવું કે તેઓ કેટલું કમાતા હતા, જોકે તે વાતનો ઉલ્લેખ અહીં ન કરવો જોઈએ નહીતો બીજા લોકોને ભીખ માંગવાની પ્રેરણા મળશે, અચ્છા યાર મુકો નોકરી, અમે દુબઈ જઈને ભીખ માંગીશું. આ ભીખારીઓ કેટલું કમાતા હતા તે જાણશો તો તમારા હોશ ઉડી જશે, ડેઈલી મેલ એક અખબાર છે. આ ડેઈલી મેઈલ અખબાર મુજબ દુબઈમાં એક ભિખારી એવરેજ 55 હજાર પાઉન્ડ, એટલેકે પાકિસ્તાની રૂપિયા મુજબ 83 લાખ રૂપિયા દર મહીને કમાય છે. એક પાકિસ્તાની દુબઈમાં ભીખ માંગીને 83 લાખ રૂપિયા કમાય છે, મન થાય છે કે જે કામ આપણે કરીએ છીએ તે છોડી દઈએ, હું એન્કરીંગ મૂકી દઉં હું આખા વર્ષમાં આટલું નથી કમાતો જેટલું એક મહિનામાં પાકિસ્તાની ભિખારી ભીખ માંગીને કમાય છે.”

    જોકે હૈદર અલીની આ વાતને નકારી ન શકાય કે ભીખારીઓ 83 લાખ કમાય છે તેવું જાહેર ન કરવું જોઈએ, નહિતર પાકિસ્તાની પ્રજા પોતાનો બધો કામધંધો મુકીને દુબઈમાં ભીખ માંગવા ઉપડી જશે. જોકે તેમાં પાકિસ્તાની પ્રજાનો પણ કોઈ વાંક નથી, અત્યાર સુધી આવેલી ભ્રષ્ટ સરકારોએ પાકિસ્તાની અર્થ વ્યવસ્થાને એ હદે કોરી ખાધી છે કે આજે દેશમાં લોટના પણ ફાંફા પડી ગયા છે. લોકો લોટ મેળવવા માટે રીતસર લુંટફાટ મચાવી રહ્યાં છે. તેવામાં હૈદર અલીની આ ચોખવટ વ્યાજબી છે. હૈદર અલી સિવાય પણ અમને પાકિસ્તાની ન્યુઝ એજન્સીનો એક જુનો વિડીયો મળ્યો હતો. જેમાં પાકિસ્તાનના મંત્રી ભીખારીઓ વિષે વાત કરી રહ્યાં છે.

    પાકિસ્તાનમાં ભૂખમરાના કારણે ચાલી રહીછે લુંટફાટ

    પાકિસ્તાનમાં મોંઘવારી અને આર્થિક સંકટ એટલું ગંભીર થઈ ગયું છે કે હવે લોકોએ લૂંટફાટનો આશરો લીધો છે. પરિસ્થિતિ એ હદે કથળી છે કે પાકિસ્તાન આર્મીનું હેડક્વાર્ટર જ્યાં આવેલું છે તેવા રાવલપિંડીમાં એક પોલ્ટ્રી ફાર્મમાં લૂંટ થઈ હતી. 2 હથિયારધારીઓએ એક પોલ્ટ્રી ફાર્મમાં લૂંટ ચલાવી હતી. અહીં 5000 મરઘીઓ લૂંટી લેવામાં આવી હતી અને આ માટે તેઓએ પહેલા ફાર્મના કામદારોને બંધક બનાવ્યા હતા. આ મરઘીઓની કિંમત લગભગ 30 લાખ રૂપિયા જણાવવામાં આવી હતી.

    ખાલી લુંટ જ નહી, લોકો ખાદ્ય સામગ્રી મેળવવા માટે જીવ પણ ખોઈ રહ્યાં છે. પાકિસ્તાનમાં લોટ જેવી સામાન્ય વસ્તુ માટે પણ લાઈનો લાગવાની બાબત જાણે સામાન્ય બની ગઈ છે. આવી જ એક લાઈનમાં ગેરવ્યવસ્થા મચી જતાં 11 લોકોનાં મોત થયાં હતાં. પાકિસ્તાનમાં સરકારી કંપની દ્વારા કરવામાં આવેલી લોટ વિતરણની કામગીરી દરમિયાન ભૂખથી ટળવળતી પ્રજા એ હદે તૂટી પડી કે મહિલાઓ સમેત 11નાં મોત નીપજ્યા, જયારે 60થી વધુ લોકો ઘાયલ થયા હતા.

    આર્થિક તંગીના કારણે જીવનજરૂરી દવાઓની પણ તંગી

    પાકિસ્તાન અગાઉથી જ મોટાં આંતરરાષ્ટ્રીય દેવાં તેમજ મોંઘવારીથી ગ્રસ્ત છે. આ સંજોગોમાં ડોલર સામે પાકિસ્તાની રૂપિયો (PKR) વધુને વધુ નબળો પડી રહ્યો છે. આ કારણોસર હવે પાકિસ્તાનના લોકો જીવનજરૂરી દવાઓ પણ નહીં મેળવી શકે તેવા સંજોગો ઉભા થઇ રહ્યાં છે. પાકિસ્તાનની ધ ન્યુઝ ઇન્ટરનેશનલ નામની સંસ્થાના અહેવાલ અનુસાર પાકિસ્તાનમાં આયાતી ઇન્જેકશનો, કેન્સરના ઈલાજને લગતી દવાઓ, ગર્ભાધાન માટેની દવાઓ તેમજ એનેસ્થેસિયા માટે ઉપયોગમાં લેવાતો ગેસ આ તમામની મેડીકલ સપ્લાય સ્થાનિક સપ્લાયરો દ્વારા બંધ કરી દેવામાં આવી છે.

    DRAP એ છેલ્લે જીવનજરૂરી દવાઓ કઈ કિંમતે મળશે તેની નીતિ ત્યારે નક્કી કરી હતી જ્યારે 1 અમેરિકી ડોલર 190 પાકિસ્તાની રૂપિયાનો હતો. પરંતુ હવે ડોલર 285 PKR થઇ ગયો છે જ્યારે સ્થાનિક બજારમાં તો 1 અમેરિકન ડોલર 300 PKRનો મળતો થયો છે. આમ સ્ટોકીસ્ટ્સને સતત ધોવાઇ રહેલાં પાકિસ્તાની ડોલરને લીધે પોતાનું ઈમ્પોર્ટ બીલ વધતું હોવાથી તેમણે આ પ્રકારની દવાઓ આગળ વેંચવાનું બંધ કરી દીધું છે.

    પાકિસ્તાનની પાયમાલી પાછળનું કારણ

    પાકિસ્તાનની પાયમાલીનું મોટું કારણ તો અત્યાર સુધીની ભ્રષ્ટ સરકારો જ છે, જેમણે પાકિસ્તાનના વિદેશી હુંડીયામણને કોરી ખાધું. તેવામાં નાણાકીય વર્ષ 2021-22ના પહેલા ત્રિમાસિક ગાળામાં પાકિસ્તાનનું વિદેશી દેવું વધીને 10.886 અબજ ડોલર થઇ ગયું છે. જ્યારે આખા નાણાકીય વર્ષ 2021 માં વિદેશી દેવું 13.38 અબજ ડોલર હતું. 2022ના પહેલા ત્રિમાસિક ગાળામાં દેવું 1.653 અબજ ડોલર રહ્યું હતું. ગત મહિને ચીન પાસેથી 2.3 અબજ ડોલરની લૉન મળ્યા પછી પણ સ્ટેટ બેન્ક ઑફ પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

    એક રિપોર્ટ અનુસાર, ડોલરની સરખામણીએ પાકિસ્તાની રૂપિયો 7.6 ટકા ઘટીને 228 રૂપિયા પર પહોંચી ગયો છે. જે 1998 બાદ પાકિસ્તાની રૂપિયામાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો હતો. જે બાદ પાકિસ્તાન પર શ્રીલંકા જેવી પરિસ્થિતિઓ નિર્માણ થવાનો ભય તોળાઈ રહ્યો છે. એટલું જ નહીં, જો પાકિસ્તાનને આઈએમએફ તરફથી 1.2 અબજ ડોલર મળી પણ જાય તોપણ એટલી રકમ સંકટને ટાળવા માટે પર્યાપ્ત નહીં હોય.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં