‘ભારત જોડવા’ નીકળેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ મધ્યપ્રદેશમાં ફરી રહ્યા છે. દરમ્યાન, શુક્રવારે (25 નવેમ્બર 2022) રાહુલ ગાંધી અને તેમની સાથે હાલમાં જ યાત્રામાં જોડાયેલાં તેમનાં બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ ખરગોનમાં આવેલ નર્મદા ઘાટ પર મા નમર્દાની આરતી કરી હતી. જેના વિડીયો-તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર ફરી રહ્યાં છે.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી મા નર્મદાની આરતી કરી રહ્યાં હોય અને જળાભિષેક કરી રહ્યાં હોય તેનો એક 34 સેકન્ડ નાનો વિડીયો કોંગ્રેસે પોતાના અધિકારીક હેન્ડલ પરથી શૅર કર્યો હતો. આ વિડીયોના બેકગ્રાઉન્ડમાં ‘નર્મદાષ્ટકમ’ વાગતું સાંભળી શકાય છે. આ સિવાય કોંગ્રેસે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું- ‘નમામિ દેવી નર્મદે’
नमामि देवी नर्मदे🙏🏼#BharatJodoYatra pic.twitter.com/3Bt312LLFw
— Congress (@INCIndia) November 25, 2022
અત્યારે 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીને માંડ ત્રણ-ચાર દિવસો બાકી છે ત્યાં કોંગ્રેસને મા નર્મદાની યાદ આવી છે. પરંતુ બે-અઢી દાયકા પહેલાં જ્યારે આ જ પાર્ટી કેન્દ્રમાં શાસન કરતી હતી ત્યારે સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારવા માટેની ફાઈલો અટકાવીને કઈ રીતે ગુજરાતને વર્ષો સુધી તરસ્યું રાખ્યું હતું, તે ભૂલી શકાય નહીં.
નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસ ગઠબંધનની સરકાર હતી. વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘ હતા. મનમોહનસિંઘ સરકારે વર્ષો સુધી ગુજરાત પ્રત્યે પક્ષપાતી અને અન્યાયપૂર્ણ વલણ દાખવીને નર્મદા નદી પરના સરદાર સરોવર બંધની ઊંચાઈ વધારવા માટે પરવાનગી આપી ન હતી. ઉપરાંત, પાડોશનાં રાજ્યો મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની કોંગ્રેસ સરકારોએ પણ આ ડેમની ઊંચાઈ વધારવાનો વિરોધ કર્યો હતો.
એટલું જ નહીં, ડૉ. મનમોહન સિંઘે આ મુદ્દાને લઈને જુઠ્ઠાણું પણ ચલાવ્યું હતું. તેમણે દાવો કર્યો કે નરેન્દ્ર મોદી તેમને ક્યારેય સરદાર સરોવરના મુદ્દાને લઈને મળ્યા ન હતા. જોકે, અનેક અહેવાલો એ બાબતની પુષ્ટિ કરે છે કે પીએમ મોદીએ 2009 અને 2013માં સરદાર સરોવર ડેમના મુદ્દાને લઈને ડૉ. મનમોહન સિંઘ સાથે મુલાકાત કરી હતી.
કોંગ્રેસની કેન્દ્રની સરકાર જ નહીં, પરંતુ મધ્ય પ્રદેશની તત્કાલીન કોંગ્રેસ સરકારે પણ સરદાર સરોવર ડેમનો વિરોધ કર્યો હતો. જેને લઈને પીએમ મોદીએ પણ તત્કાલીન એમપી સીએમ દિગ્વિજય સિંઘ પર નિશાન પણ સાધ્યું હતું.
આખરે 2014માં નરેન્દ્ર મોદીની સરકારે સત્તા સંભાળ્યાના થોડા જ દિવસોમાં સરદાર સરોવર ડેમની ઊંચાઈ 138 મીટર સુધી વધારવા માટે મંજૂરી આપી હતી. જેના કારણે સંગ્રહ ક્ષમતામાં 4.73 મિલિયન એકર ફિટ જેટલો વધારો થયો હતો.
જે સરદાર સરોવર ડેમનો શિલાન્યાસ દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ વર્ષ 1961માં કર્યો હતો, તેનું ઉદ્ઘાટન વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ષ 2017માં થઇ શક્યું હતું. આટલાં વર્ષો કોંગ્રેસ સરકારો અને મેધા પાટકર જેવાં ‘આંદોલનકારીઓ’ના કારણે વિલંબ થતો રહ્યો અને ગુજરાત તરસ્યું રહ્યું હતું. આ જ મેધા પાટકર થોડા દિવસો પહેલાં રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં પણ જોડાયાં હતાં. જેની તસવીરો પણ સામે આવી હતી.