રાજધાની દિલ્હી છેલ્લા ઘણા દિવસોથી પાણીની સમસ્યા વેઠી રહ્યું છે અને મામલો કોર્ટ સુધી પણ પહોંચી ચૂક્યો છે, પરંતુ સત્તાધારી આમ આદમી પાર્ટીની સરકાર અને તેના નેતાઓને કોઇ નક્કર કામો કરવામાં રસ હોય તેમ જણાઇ રહ્યું નથી. તેના કરતાં તેમની પ્રિય પ્રવૃત્તિ પ્રેસ કૉન્ફરન્સ કરવામાં જ તેઓ વ્યસ્ત છે, જેથી લોકોને લાગે કે તેઓ કશુંક કરી રહ્યા છે. પણ હકીકત એ છે કે આટલા દિવસો થયા હોવા છતાં પાણીની સમસ્યા હજુ પણ યથાવત છે. હવે દિલ્હીનાં મંત્રી આતિશીએ નવું નાટક શોધી કાઢ્યું છે.
આતિશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને આ સમસ્યાનું સમાધાન લાવવા માટે કહ્યું છે, જ્યારે હકીકત એ છે કે આ વિષય રાજ્યનો છે, તેમાં કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની જરૂર જ પડતી નથી. આતિશી આટલેથી અટક્યાં નથી અને ચીમકી પણ ઉચ્ચારી છે કે જો વડાપ્રધાન હસ્તક્ષેપ કરીને યોગ્ય ઉકેલ ન લાવે તો તેઓ અનશન પર ઉતરી જશે! આ બધું વળી તેમણે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને જનતાને જણાવ્યું છે.
Delhi minister and AAP leader Atishi writes to Prime Minister Narendra Modi requesting his intervention and help in getting water for Delhi from Haryana Government.
— ANI (@ANI) June 19, 2024
"…If we do not get water, I will have to go on a Satyagraha from 21st June and sit on an indefinite fast..,"… pic.twitter.com/jzgCsz27Q4
આતિશીએ પત્રમાં લખ્યું છે કે, દેશના ઘણા ભાગોમાં ગરમી પડી રહી છે અને દિલ્હીમાં પણ છેલ્લાં 100 વર્ષમાં જેટલી ગરમી નથી પડી એટલી આ વર્ષે પડી છે. જેના કારણે દિલ્હીના લોકોને વધુ પાણીની જરૂર છે અને હાલ તંગી પડી રહી છે. આમ તો તેઓ જ જળમંત્રી છે, પરંતુ આતિશીએ વડાપ્રધાનને સામો પ્રશ્ન કર્યો છે કે આખરે દિલ્હીમાં પાણીની તંગી કેમ પડી રહી છે? ત્યારબાદ આંકડાઓ ટાંકીને દાવો કર્યો છે કે પાડોશી હરિયાણા સરકારે દિલ્હીનું પાણી રોકી દીધું છે. આવા દાવા તેઓ દર વર્ષે કરતા રહે છે.
કોઇ પણ સમસ્યા આવે એટલે પાડોશી રાજ્યો (તેમાં એક શરત છે- ભાજપશાસિત રાજ્યો જ) પર દોષ નાખી દેવાની આમ આદમી પાર્ટીને જૂની આદત છે. આ વખતે પણ તેમણે હરિયાણા પર ઠીકરું ફોડ્યું છે અને પાણી ન આપવાના આરોપ લગાવ્યા છે. આતિશીએ પત્રમાં વડાપ્રધાનને સંબોધીને કહ્યું કે, તેઓ દિલ્હીના 28 લાખ લોકોને પાણી અપાવે.
આગળ લખ્યું કે, મારા દરેક સંભવ પ્રયાસ બાદ પણ હરિયાના સરકાર દિલ્હીને પાણી આપી રહી નથી અને હવે ટીપા-ટીપા માટે તરસતા દિલ્હીને મારાથી જોવાતું નથી. હું હાથ જોડીને તમને વિનંતિ કરું છું કે આ મામલામાં હસ્તક્ષેપ કરો અને હરિયાણા સરકાર પાસેથી દિલ્હીના લોકોને પાણી અપાવો.
સાથે તેમણે આગળ લખ્યું છે કે, પાણી ન મળવાની સ્થિતિમાં 21 જૂનથી મારે સત્યાગ્રહ કરવો પડશે અને અનિશ્ચિતકાળ સુધી અનશન પર બેસવું પડશે. સાથે પોતે બહુ ક્રાંતિકારી પગલાં ભરવા જઈ રહ્યાં હોય તેમ ઉમેર્યું છે કે મારા શરીરને ભલે ગમે તેટલું કષ્ટ પડે, પણ દિલ્હીના લોકોનું કષ્ટ હું જોઈ શકતી નથી.
રાજ્ય સરકારના વિષયો પણ વડાપ્રધાને જોવાના હોય તો રાજ્યની સરકાર શું કરી રહી છે?
અહીં પ્રશ્ન એ છે કે પાણીનો મુદ્દો રાજ્ય સરકાર હેઠળ આવે છે કે કેન્દ્ર સરકાર હેઠળ. જવાબ છે- રાજ્ય સરકાર હેઠળ. તો તેમાં ચૂંટાયેલી સરકારની જવાબદારી બને છે કે તેઓ તેનું સમાધાન લાવે. પાડોશી રાજ્યોની જ્યાં સુધી વાત છે, તો તેનો ઉકેલ પણ રાજ્યોએ જ મળીને લાવવાનો હોય છે. તેમાં વડાપ્રધાન કે તેમની સરકારને વચ્ચે લાવવાનો સ્પષ્ટ આશય રાજકારણનો જ દેખાય છે.
દિલ્હી પૂર્ણ રાજ્ય નથી. કાયદો-વ્યવસ્થાથી માંડીને અમુક બાબતો કેન્દ્ર હસ્તક જ રહે છે. આ સ્થિતિમાં દિલ્હી પાસે શિક્ષણ, આરોગ્ય, પાણી વગેરે જેવી અમુક બાબતોનું જ સંચાલન કરવાનું રહે છે. પરંતુ તે પણ તેઓ કરી શકતા નથી. દરેક સીઝનમાં દિલ્હીમાં એક નવી સમસ્યા ઊભેલી હોય છે અને આ દરેક સમસ્યા માટે તેઓ કોઇને કોઇ પર દોષ નાખતા જોવા મળે છે. દર સમસ્યા માટે AAPને પાડોશી રાજ્યો કે કેન્દ્ર સરકાર, દોષ નાખવા માટે ખભો મળી જ રહે છે. સ્થિતિ આ વર્ષે પણ બદલાઈ નથી.