આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે હવે એક નવી જાહેરાત કરી છે. જે અનુસાર, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ 18 વર્ષથી ઉપરની દરેક મહિલાના અકાઉન્ટમાં એક હજાર રૂપિયા આપવામાં આવશે. કેજરીવાલ આ જાહેરાત કરતા કહે છે કે, કરોડો મહિલાઓને તેનાથી ફાયદો થશે અને દરેક મહિલાના હાથમાં હજાર રૂપિયા આપવાથી દેશની અર્થવ્યવસ્થામાં પણ મોટાપાયે બદલાવ જોવા મળશે. તેમણે અમીરો અને સામાન્ય માણસો વચ્ચે પણ સરખામણી કરી હતી.
દરેક બહેનના હાથમાં ₹1000 આપવાથી મોટા પાયે અર્થવ્યવસ્થા સારી થશે.
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) August 10, 2022
તે બજારમાં જશે, લોટ, કઠોળ, શાકભાજી ખરીદશે. માંગ ઉત્પાદનમાં વધારો કરશે.
અમીરોને પૈસા આપવાથી નહીં, જનતાને પૈસા આપવાથી અર્થતંત્રનો વિકાસ થશે.@ArvindKejriwal #MahilaoMateAKNiGuarantee pic.twitter.com/9BRX3ZBc44
કેજરીવાલ આ તર્ક ક્યાંથી લાવ્યા તેની ખબર નથી. જોકે, તેમને એટલી તો ખબર છે કે ગુજરાતમાં આ વયજુથની મહિલાઓની સંખ્યા કરોડોમાં છે. તો ચાલો ગણતરી માંડીએ. ગુજરાતની કુલ વસ્તી 6 કરોડ છે. જેમાંથી મહિલાઓની વસ્તી 2.9 કરોડ અને તેમાંથી 18 વર્ષથી ઉપરની મહિલાઓની વસ્તી લગભગ 2 કરોડ જેટલી છે. 2 કરોડ મહિલાઓને દર મહિને હજાર રૂપિયા આપવા માટે દર મહિને 2 હજાર કરોડ રૂપિયા અને વર્ષે 24 હજાર કરોડ રૂપિયા થાય. હવે આટલા પૈસા કેજરીવાલ ક્યાંથી લાવશે એ પણ તેમણે જણાવવું જોઈએ.
કારણ કે મફતના વાયદાઓ કરીને ચૂંટણી જીત્યા બાદ હાથ ઊંચા કરી મૂકવાની કેજરીવાલના મુખ્યમંત્રીઓની આદત રહી છે. પંજાબમાં આવા જ મફતના વાયદાઓ કરીને ચૂંટણી જીત્યા બાદ કેજરીવાલની પાર્ટીના મુખ્યમંત્રી વડાપ્રધાન પાસે પહોંચી ગયા હતા. શુભેચ્છા મુલાકાત માટે નહીં, પૈસા માંગવા. ભગવંત માન મુખ્યમંત્રી બનતાવેંત પીએમ મોદી પાસે પહોંચી ગયા હતા અને એક લાખ કરોડ રૂપિયાના પેકેજની માંગણી કરી નાંખી હતી. અહીં પણ પ્લાનિંગ એવું જ હોય તો તેઓ આ યોજના હમણાં જ પડતી મૂકે એ વધુ સારું રહેશે.
પંજાબમાં પણ વિધાનસભા ચૂંટણી પહેલાં અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ આ પ્રકારનો વાયદો કર્યો હતો. પરંતુ છ મહિના થઈ ગયા હોવા છતાં આજ સુધી પંજાબની મહિલાઓને આ લાભ મળવાના શરૂ થયા નથી. જ્યાં તેમની પાર્ટી સત્તામાં છે ત્યાં હજુ તેઓ વાયદો પૂરો નથી કરી શક્યા પરંતુ બીજા એક રાજ્યમાં જઈને વાજતેગાજતે વાયદા કરી આવ્યા છે.
કેજરીવાલ આગળ કહે છે કે, તેઓ એવી ઘણી દીકરીઓ વિશે જાણે છે જેઓ હોંશિયાર હોય છે પરંતુ તેમની કોલેજ ફીનો ખર્ચ ઉઠાવી ન શકવાના કારણે તેઓ આગળ ભણી નથી શકતી. કેજરીવાલ આવી દીકરીઓ ક્યાં જોઈ આવ્યા તે ખબર નથી, પરંતુ ગુજરાતમાં આજે ગ્રામ્ય વિસ્તારો સુધી શાળા-કોલેજો પહોંચી ગઈ છે. ઉપરાંત, અભ્યાસ કરતી મહિલાઓને બસ અને ટ્રેનમાં કન્સેશન પાસની સુવિધા પણ મળે છે. અને આ સમસ્યા કદાચ હોય પણ તો તેનો ઉપાય મહિને એક હજાર રૂપિયા નથી.
‘મફતના વાયદા’ અને અરવિંદ કેજરીવાલ હવે એકબીજાના પર્યાય બની ચૂક્યા છે. દિલ્હી, પંજાબ કે અન્ય કોઈ પણ રાજ્ય, તેઓ જ્યાં જાય ત્યાં મફતના વાયદાઓ કરી આવે છે અને અમુક પૂરા નથી થતા અને અમુક પૂરા કરવા માટે કેન્દ્ર સરકારને શોધે છે. પણ ખરેખર તો મફતની રેવડીઓ વહેંચવી એ લાંબાગાળાનો ઉપાય નથી. લોકોના હાથમાં સીધા પૈસા આપવા કરતાં રોજગારીની તકો પેદા કરવી અને જરૂરિયાતમંદ સુધી મદદ પહોંચાડવી એ વધુ યોગ્ય અને લાંબાગાળા માટે ફાયદાકારક રહે છે. લોકો માટે રોજગારની તકો પેદા કરવામાં આવશે તો તેમને આવા મફતના વાયદાઓ કરવાની જરૂર જ નહીં પડે.