Friday, November 22, 2024
More
    હોમપેજમંતવ્યગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષી નેતાનું પદ તો ન મળ્યું પણ કોંગ્રેસનાં નેતાઓને...

    ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષી નેતાનું પદ તો ન મળ્યું પણ કોંગ્રેસનાં નેતાઓને વિપક્ષમાં ભરપુર પદ મળ્યાં; અસંતોષ ચરમસીમાએ હોવાનો પુરાવો?

    કોંગ્રેસનાં બદનસીબે આવું બન્યું નથી અને આથી જ તેને પોતાનાં સિનીયર નેતાઓને કોઈને કોઈ પદ આપવાની તકલીફ લેવી પડી છે.

    - Advertisement -

    ખરેખર ગુજરાત કોંગ્રેસ જે ન કરે તે ઓછું. એક પછી એક આશ્ચર્ય સર્જવામાં ગુજરાત કોંગ્રેસ અને તેનાં નેતાઓનો કોઈજ જોટો જડે તેમ નથી. ગઈકાલે જ સમાચાર આવ્યાં કે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધાનસભામાં 10% ધારાસભ્યો ન હોવાથી કોંગ્રેસને વિપક્ષી નેતાનું પદ ન આપવાનો નિર્ણય લીધો છે. પરંતુ કોંગ્રેસે પોતાનાં નેતાઓને વિધાનસભામાં જ અસંખ્ય પદો આપી દીધાં હોવાનાં આશ્ચર્ય પમાડતાં સમાચાર આજે સવાર થતાં થતાં મળ્યાં છે.

    આપણે જાણીએ છીએ કે ગુજરાત વિધાનસભાની ગયા વર્ષની ચૂંટણીમાં કોંગ્રેસ ફક્ત 17 બેઠકો જીતીને વિધાનસભામાં પહોંચી હતી. આ સંખ્યા વિપક્ષી નેતાનું પદ મેળવવા માટે જોઈતી 19 બેઠકો કરતાં બે ઓછી છે. આથી બે મહિના સુધી ચાલેલી અનેક અટકળો બાદ ગઈકાલે વિધાનસભા અધ્યક્ષે પોતાનાં નિર્ણયમાં કોંગ્રેસને વિપક્ષી નેતાનું પદ આપવાનો ઇનકાર કરી દીધો હતો.

    ગુજરાતમાં સત્તાથી છેલ્લા ત્રણ દાયકાથી પણ વધુ સમય દૂર એવી કોંગ્રેસને કદાચ સત્તા વગર ચેન પડતું નથી એવું લાગી રહ્યું છે. ગત ચૂંટણીઓમાં ટેક્નિકલી પુરતી સંખ્યા મળી હોત અને વિપક્ષી નેતાનું પદ જો કોંગ્રેસ વિધાનસભા પક્ષનાં નેતા અમિત ચાવડાને મળી ગયું હોત તો કદાચ તેઓ પોતાનાં બીજાં સાથીદારોને કન્ટ્રોલમાં લઇ શક્યાં હોત.  કોંગ્રેસનાં બદનસીબે આવું બન્યું નથી અને આથી જ તેને પોતાનાં સિનીયર નેતાઓને કોઈને કોઈ પદ આપવાની તકલીફ લેવી પડી છે.

    - Advertisement -

    અમિત ચાવડા વિધાનસભામાં કોંગ્રેસ પક્ષનાં નેતા છે પરંતુ વિપક્ષી નેતાનો કેબીનેટ મંત્રીનો દરજ્જો તેમને પ્રાપ્ત નથી એટલે એક રીતે જોવા જઈએ તો તેમની નેતાગીરી આ પદ વગર નબળી કહેવાય અને આથી સાથી વિધાનસભ્યોને ખુશ અને શાંત રાખવા માટે વિધાનસભામાં હોદ્દાઓનો લ્હાણી કરવી પડે એ સ્વાભાવિક છે. જો આમ ન થાય તો કોંગ્રેસી નેતાઓમાં સિનીયર કોણ અને કોણ નહીં તેનો મુદ્દો ભુલાઈ જાય અને ઓલરેડી જુથવાદમાં લિપ્ત એવી ગુજરાત કોંગ્રેસ વધુ નબળી પડે.

    આથી જ ગુજરાત કોંગ્રેસે ગઈકાલે એક આશ્ચર્ય પમાડતો નિર્ણય લીધો છે જેમાં 17માંથી 12 નેતાઓને વિધાનસભામાં જ વિવિધ પદ આપીને તેમને રાજી રાખવાનો પ્રયાસ કર્યો છે. આ પદ લ્હાણીની વાત કરીએ તો અમિત ચાવડા તો પહેલેથી જ વિધાનસભા પક્ષનાં નેતા છે, ત્યારબાદ સી જે ચાવડાને મુખ્ય દંડક બનાવવામાં આવ્યા છે.

    આ ઉપરાંત

    ડૉ કિરીટ પટેલ, વિમલ ચુડાસમા, અને ઇમરાન ખેડાવાલાને ઉપ દંડકનાં પદ આપવામાં આવ્યા છે. દિનેશ ઠાકોરને ખજાનચી, કાંતિ ખરાડીને સેક્રેટરી તેમજ ડૉ. તુષાર ચૌધરી, જીગ્નેશ મેવાણી, ગેનીબેન ઠાકોર અને અનંત પટેલને પ્રવક્તા બનાવાયા છે.

    એવું નથી કે કોંગ્રેસમાં તમામ નેતાઓને પદની લાલચ છે. જૂનાં જોગી અને નરેન્દ્ર મોદીનાં મુખ્યમંત્રી કાળમાં વિધાનસભામાં વિપક્ષી નેતા રહી ચુકેલાં અર્જુન મોઢવાડિયાએ કોઇપણ પદ લેવાની ના પાડી દીધી હતી. જો ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનાં ભાઈ હોવાને નાતે અમૃતજી ઠાકોરને કોઈ પદ આપવામાં આવ્યું નથી. શૈલેશ પરમાર જે અમિત ચાવડાને વિધાનસભા પક્ષનાં નેતા બનાવવાને લીધે નારાજ હોવાની વાતો વહી હતી તેમણે અગાઉ વિધાનસભામાં દંડકનું પદ ‘શોભાવ્યું’ હતું એટલે તેમને પણ આ વખતે કોઈજ પદ આપવામાં આવ્યું નથી. જ્યારે અરવિંદ લાડાણી અને ચિરાગ પટેલને કેમ પદ નથી આપવામાં આવ્યું તેની કોઈજ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

    આમ વિધાનસભામાં અને તેની બહાર એમ 12 કોંગ્રેસી વિધાનસભ્યોને કોઈને કોઈ પદ આપીને તેમની આકાંક્ષાઓને સંતોષવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આ નિર્ણય બીજું કશું જ નહીં પરંતુ અગાઉ ચર્ચા કરી તેમ કોંગ્રેસમાં સત્તાની સતત ગેરહાજરીમાં પોતાના વિધાનસભ્યોને કોઈને કોઈ રીતે ખુશ રાખીને પક્ષને વધુ નબળો બનતો અટકાવવાની જ વાત કરે છે.

    એક સમાચાર એવા પણ હતાં કે જગદીશ ઠાકોરને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે પાણીચું પકડાવવામાં આવશે. જો આમ થશે તો તેમનાં ભાઈ અમૃતજી ઠાકોર તે સમયે કોઈ પદ નહીં માંગે એની અટકળ અત્યારે જો લગાવવામાં આવે તો તેમાં કોઈજ વાંધો ન હોઈ શકે. ખરી રીતે જોવા જઈએ તો કોંગ્રેસે જો ગુજરાતમાં સત્તા પાછી મેળવવી હોય તો તેણે પ્રજા પાસે જવાનો વિચાર તો કરવાનો જ છે પરંતુ પોતાનાં અસંતુષ્ટ નેતાઓને કાબુમાં લેવા માટે શિસ્ત સાથે કોઇપણ સમાધાન કરવાની સતત દૂર રહેવાની જરૂર છે.

    પરંતુ આ ગુજરાતમાં આવું રાજ્ય સ્તરે ત્યારે જ થશે જ્યારે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ આ પ્રકારનાં પગલાં લેશે, બાકી તો રામ રામ ભજો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં