
ફ્રાન્સના પેરિસમાં એક ફૂટબોલ લીગમાં પેરિસ સેન્ટ જર્મેન ક્લબ વિજેતા બનતાં તેના સમર્થકોએ રસ્તા પર ઉતરી આવીને ઉત્પાત મચાવ્યો હતો. જીતના ઉન્માદમાં મચાવેલા આ તોફાનમાં શહેરમાં અનેક ઠેકાણે વાહનો, દુકાનોમાં નુકસાન થયું અને પોલીસ અને ઉપદ્રવીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પોલીસે ચારસોથી વધુની ધરપકડ કરી છે.
તાજેતરમાં રમાયેલી ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં પેરિસના ફૂટબોલ ક્લબનો વિજય થયો હતો. મેચ પૂર્ણ થઈ ત્યારબાદ સમર્થકો જીતના ઉન્માદમાં રસ્તા પર ઉતરી આવ્યા અને ઠેરઠેર ધમાલ મચાવવાની શરૂ કરી દીધી હતી. અનેક ઠેકાણે વાહનો અને દુકાનોમાં આગ લગાવવામાં આવી હોવાના બનાવ પણ બન્યા.
La situation dégénère près du Parc des Princes après la victoire du PSG.
— Luc Auffret (@LucAuffret) May 30, 2026
Plusieurs départs de feux. Charge de la police pour faire intervenir les pompiers.#PSG #PSGARS #Arsenal #UCLfinal #Paris pic.twitter.com/30fCdZcfTV
સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં આ હિંસક ઉજવણીનાં દૃશ્યો જોઈ શકાય છે. ઉપરાંત કાર્યવાહી કરતા પોલીસ અધિકારીઓ પણ નજરે પડે છે. કહેવાય છે કે ટોળાં વિખેરવા માટે પોલીસે ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા અને ક્યાંક હવામાં ગોળીબાર પણ કરવો પડ્યો.
આ પહેલાં મેચ દરમ્યાન જાહેરમાં મોટી સ્ક્રીન લગાવીને મેચ જોવા બાબતે પણ ફૂટબોલ ક્લબના સમર્થકો અને પોલીસ વચ્ચે બબાલ થઈ હતી.
પોલીસના આંકડા અનુસાર લગભગ છ જેટલાં વાહનો, બે ધંધાકીય એકમો અને એક બસ સ્ટેશનને આગ લગાવી દેવામાં આવી હતી. આ મામલે પછીથી કુલ 416 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી, જેમાંથી 280 માત્ર પેરિસ શહેરમાંથી પકડાયા હતા. ઘર્ષણમાં અમુક પોલીસ અધિકારીઓને ઈજા પણ પહોંચી છે.
ગત વર્ષે પણ પેરિસના આ ફૂટબોલ ક્લબનો વિજય થતાં શહેરમાં આ જ પ્રકારની હિંસક ઉજવણી થઈ હતી અને રમખાણો ફાટી નીકળ્યાં હોય તેવો માહોલ સર્જાયો હતો.

