Thursday, November 21, 2024
More

    પીએમ મોદીને મળ્યું વધુ એક રાષ્ટ્રનું સર્વોચ્ચ સન્માન: કોરોનામાં કરાયેલ મદદ માટે ‘ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર

    ડોમિનિકાએ PM નરેન્દ્ર મોદીને (PM Modi) તેમના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનરથી (Dominica Award Of Honour) સન્માનિત કર્યા છે. ડોમિનિકાના પ્રમુખ સિલ્વેની બર્ટને વડાપ્રધાન મોદીને આ સન્માનથી નવાજ્યા હતા.

    ફેબ્રુઆરી 2021માં, વડા પ્રધાન મોદીએ ડોમિનિકાને કોરોના રસી એસ્ટ્રાઝેનેકાના (Corona Vaccine – AstraZeneca) 70 હજાર ડોઝ સપ્લાય કરીને એક મૂલ્યવાન ભેટ આપી હતી. વડા પ્રધાન મોદીની આ ઉદારતાને ઓળખીને, ડોમિનિકાની સરકારે તેમને તેના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો હતો.

    પીએમ મોદીએ ડોમિનિકાના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત થવા પર રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટન, વડા પ્રધાન રૂઝવેલ્ટ સ્કિરિટ અને ડોમિનિકાના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “આ સન્માન માત્ર મારું જ નહીં પરંતુ ભારતના 140 કરોડ લોકો, તેમના મૂલ્યો અને તેમની પરંપરાઓનું છે. અમે બે લોકશાહી છીએ અને અમે બંને સમગ્ર વિશ્વ માટે મહિલા સશક્તિકરણના રોલ મોડલ છીએ.”

    તેમણે કહ્યું કે, “બંને દેશોમાં મહિલા રાષ્ટ્રપતિઓ છે… ભારત અને ડોમિનિકા વચ્ચે સદીઓ જૂના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો છે… કોવિડ 19 જેવી આપત્તિ દરમિયાન અમે ડોમિનિકાના લોકોને મદદ કરી શક્યા તે ભારત માટે ખૂબ જ સંતોષની વાત છે.”