Wednesday, February 5, 2025
More

    દિલ્હી એક્સાઈઝ પોલિસી: પૂર્વ CM અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કેસ ચલાવવા માટે EDને ઉપરાજ્યપાલ તરફથી મંજૂરી

    દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સામે કેસ ચલાવવા માટે ઔપચારિક મંજૂરી આપી છે. 

    ઉપરાજ્યપાલ કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું કે, ગત 5 ડિસેમ્બરના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) રજૂઆત કરીને કેજરીવાલ સામે કેસ ચલાવવા માટે પરવાનગી માંગી હતી, જે હવે મંજૂર કરવામાં આવી છે. 

    ઉલ્લેખનીય છે કે કેજરીવાલ સામે દિલ્હી એક્સાઈઝ પોલિસી ઘડીને તેના મારફતે કરોડોનું કૌભાંડ કરવાનો આરોપ છે, જે મામલે તેમની ધરપકડ પણ થઈ હતી. હાલ તેઓ જામીન પર બહાર છે. 

    EDની પ્રોસિક્યુશન કમ્પ્લેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કેજરીવાલે ‘સાઉથ ગ્રુપ’ના સભ્યો સાથે મળીને કુલ ₹100 કરોડની લાંચ લીધી હતી અને ‘લિકર પોલિસી’ થકી ખાનગી એકમોને અયોગ્ય નાણાકીય લાભ પહોંચાડવાના પ્રયાસ કર્યા હતા. અગાઉ એજન્સી તેમને સમગ્ર કૌભાંડના ‘કિંગપિન’ પણ ગણાવી ચૂકી છે. 

    એજન્સીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, આ 100માંથી 45 કરોડ રૂપિયા ગોવા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રચાર માટે વાપરવામાં આવ્યા હતા અને આ કામ પણ કેજરીવાલના આદેશથી જ કરવામાં આવ્યું હતું. આ કેસમાં આમ આદમી પાર્ટી પણ આરોપી છે.