હાલ રમાઈ રહેલા ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે જીતનો સિલસિલો જાળવી જ રાખ્યો છે અને શ્રીલંકાને હારાવીને સતત સાતમી જીત મેળવી છે. આ જીત ભારતીય ટીમે 302 રનથી મેળવી અને શ્રીલંકન ટીમને માત્ર 55 રનમાં પેવેલિયન ભેગી કરી દીધી હતી.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ લીગ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને ભારતને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ભારતીય ટીમની શરૂઆત ધીમી રહી અને 4 રન પર એક વિકેટ (રોહિત શર્મા- 4 રન) પડી ગઈ પરંતુ પછી વિરાટ કોહલી અને શુભમન ગિલે બાજી સંભાળી હતી અને 189 રનની ભાગીદારી કરી હતી. કોહલીએ આ મેચમાં 94 બોલમાં 88 રન બનાવ્યા, જ્યારે શુભમન ગિલે 92 બોલમાં 92 રન ફટકાર્યા.
આ સિવાય શ્રેયસ ઐયરે 56 બોલમાં 82 રન બનાવીને ટીમનો સ્કોર આગળ વધાર્યો હતો. કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે અનુક્રમે 21 અને 12 રન બનાવ્યા બાદ અંતિમ ઓવરોમાં રવિન્દ્ર જાડેજાએ 24 બોલમાં 35 રનની મહત્વની ઈનિંગ રમી હતી અને ટીમનો સ્કોર પચાસ ઓવરને અંતે 357 પર પહોંચાડ્યો હતો.
શ્રીલંકાના બોલરો કંઈ ખાસ કમાલ ન કરી શક્યા અને ભારતીય ટીમને સમય પર રોકી શક્યા ન હતા, પરિણામે 357 રનનો જંગી સ્કોર થઈ ગયો. શ્રીલંકામાંથી સૌથી વધુ વિકેટ દિલશાન મદુશંકાને મળી હતી. જોકે તેમની 12 ઓવરમાં રન પણ 80 જેટલા થયા. આ સિવાય એક વિકેટ ચમીરાને મળી હતી. બાકીના બોલરો વિકેટ મેળવી ન શક્યા.
શરૂઆતમાં જ પાણીમાં બેસી ગઈ શ્રીલંકાની ટીમ
મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ શરૂઆતમાં જ પાણીમાં બેસી ગઈ હતી અને વિકેટ ગુમાવવાની શરૂ કરી દીધી હતી. ભારતીય બોલરોએ એવો તરખાટ મચાવ્યો કે શ્રીલંકન બેટ્સમેન લય પકડી જ ન શક્યા અને એક પછી એક પેવેલિયન ભેગા થઈ ગયા હતા.
ઈનિંગની પ્રથમ ઓવરના પ્રથમ બોલ પર જ શ્રીલંકાની વિકેટ પડી ગઈ હતી. ત્યારબાદ બીજી વિકેટ 2 રન પર, ત્રીજી પણ 2 રન પર અને ચોથી 3 રન પર પડી. પાંચમી વિકેટ 14 રન પર અને છઠ્ઠી પણ 14 રન પર પડ્યા બાદ 22 રન પર સાતમી અને 29 રન પર આઠમી વિકેટ પડી. ત્યારબાદ 49 રન પર 9મી અને અંતે 55 રન પર દસમી વિકેટ પડતાં ઈનિંગ સમાપ્ત થઈ હતી.
ભારત તરફથી સૌથી વધુ વિકેટ મોહમ્મદ શમીએ ખેરવી હતી. તેમને કુલ 5 વિકેટ મળી. 3 વિકેટ મોહમ્મદ સિરાજે અને 1-1 વિકેટ જાડેજા અને બુમરાહે મેળવી હતી. શ્રીલંકા તરફથી સર્વોચ્ચ સ્કોર 14 હતો. 4 બેટ્સમેન એવા હતા જેઓ ખાતું પણ ખોલી શક્યા ન હતા.
આ વર્લ્ડ કપમાં એક પણ મેચ નથી હારી ટીમ ઈન્ડિયા
આ વર્લ્ડ કપમાં ભારત એકમાત્ર એવી ટીમ છે જે આજ સુધી એકેય મેચ હારી નથી. ટીમ ઈન્ડિયાએ સાત મેચ રમી અને તમામમાં અજેય રહી છે. જેમાં પાકિસ્તાન, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડનો સમાવેશ થાય છે. હજુ સાઉથ આફ્રિકા, નેધરલેન્ડ્સ સામે મેચ બાકી છે. ટીમ ઈન્ડિયા આજની જીત સાથે પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ ક્રમે પહોંચી છે અને સેમીફાઈનલ માટે પણ સ્થાન બનાવી લીધું છે.
2011ના વર્લ્ડ કપની ફાઇનલ આ જ મેદાનમાં આ જ બે ટીમો વચ્ચે રમાઈ હતી
ઉલ્લેખનીય છે કે આ પહેલાં વર્ષ 2011નો ક્રિકેટ વર્લ્ડ કપ ભારતમાં રમાયો હતો. ત્યારે ભારત અને શ્રીલંકા ફાઇનલમાં ટકરાયા હતા અને મેચ આ જ વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. તત્કાલીન કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ અંતિમ બોલે ફટકારેલ સિક્સર આજે પણ ભારતીયોની સ્મૃતિમાં અકબંધ છે.