એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યા છે. રમતો હવે પૂર્ણ થવા તરફ છે ત્યારે બીજી તરફ દિવસે-દિવસે ખેલાડીઓ ભારતના ખાતામાં ગોલ્ડ મેડલની સંખ્યા વધારી રહ્યા છે. શુક્રવારે (6 ઓક્ટોબર) હૉકી ટીમે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. કેપ્ટન મનપ્રીત સિંઘની આગેવાનીમાં ભારતીય ટીમે જાપાનને 5-1ના અંતરથી હરાવીને જીત મેળવી હતી.
આ સાથે ભારતીય ટીમ ઓલમ્પિક્સમાં ક્વોલિફાય થઈ ગઈ છે. એશિયન ગેમ્સમાં ભારતના ખાતામાં અત્યાર સુધીમાં કુલ 22 ગોલ્ડ મેડલ સહિત કુલ 95 મેડલ્સ આવ્યા છે. આ પહેલાં એશિયન ગેમ્સની હૉકી મેચમાં વર્ષ 2014માં ગોલ્ડ મેડલ મળ્યો હતો. 9 વર્ષ બાદ ભારતીય ટીમે ફરી એક વખત ગોલ્ડ જીતીને વૈશ્વિક સ્તરે નામ બનાવ્યું.
India Men's Hockey team wins gold medal at the Hangzhou Asian Games pic.twitter.com/DsD9Mmjv2c
— ANI (@ANI) October 6, 2023
એશિયન ગેમ્સમાં ભારતીય હૉકી ટીમની શરૂઆત જ સારી રહી હતી અને ફાઇનલ સુધી ખેલાડીઓએ પ્રદર્શન જાળવી રાખ્યું. જાપાન વિરુદ્ધ ફાઇનલમાં પહેલા હાફથી જ 3-0થી લીડ મેળવી લીધી હતી અને બીજા હાફમાં પણ તે ચાલુ રહી.
ભારત તરફથી હરમનપ્રીત સિંઘ, અભિષેક, અમિત રોહિદાસ અને કેપ્ટન મનપ્રીત સિંઘે ગોલ કર્યા હતા. જ્યારે જાપાન તરફથી એકમાત્ર ગોલ એસ તનાકા નામના ખેલાડીએ કર્યો હતો.
એશિયન ગેમ્સના અત્યાર સુધીના ઈતિહાસમાં ભારતીય હૉકી ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ટીમ ઇન્ડિયાએ હૉકીમાં રેકૉર્ડ 16મી વખત મેડલ જીત્યો છે. આ વખતે વધુ એક ગોલ્ડ જીત્યા બાદ ગોલ્ડની સંખ્યા 4 પર પહોંચી છે. જ્યારે કુલ મેડલની વાત કરવામાં આવે તો ભારતીય હૉકી ટીમે એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં 4 ગોલ્ડ, 9 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
એશિયન ગેમ્સ 2023માં ભારતે અત્યાર સુધીમાં કુલ 95 મેડલ જીત્યા છે. જ્યારે અન્ય ગેમ્સમાં બીજા 5 મેડલ્સ નિશ્ચિત છે. જેની સાથે ભારત મેડલ્સ ટેલીમાં શતક મારશે તે નક્કી છે. આ વર્ષે ભારતે અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
મેડલ્સ ટેલી જોઈએ તો 185 ગોલ્ડ મેડલ સાથે ચીન પહેલા સ્થાને છે. બીજા સ્થાને જાપાન 44 મેડલ્સ સાથે અને દક્ષિણ કોરિયા 36 મેડલ સાથે ત્રીજા નંબરે છે. ચોથા ક્રમે ભારત છે. ભારતે 22 ગોલ્ડ મેડલ જીત્યા છે. ઉલ્લેખનીય છે કે અહીં ગોલ્ડ મેડલોની સંખ્યાના આધારે ક્રમ આપવામાં આવે છે, કુલ મેડલ સંખ્યાના આધારે નહીં.