Thursday, July 4, 2024
More
    હોમપેજદુનિયાઅબુધાબી બાદ હવે રશિયામાં પણ બનશે હિંદુ મંદિર!: મોસ્કોમાં વડાપ્રધાન મોદીના પ્રવાસ...

    અબુધાબી બાદ હવે રશિયામાં પણ બનશે હિંદુ મંદિર!: મોસ્કોમાં વડાપ્રધાન મોદીના પ્રવાસ પહેલા સ્થાનિક હિંદુઓએ મૂકી માંગ, સકારાત્મક જવાબની પૂરી સંભાવના

    આગામી 8 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચે તે પહેલા જ રશિયામાં વસતા હિંદુ સમુદાએ ઈચ્છા જાહેર કરી છે કે અબુધાબીમાં જે રીતે ભવ્ય હિંદુ મંદિર બનવવામાં આવ્યું, તે જ રીતે મોસ્કોમાં પણ એક હિંદુ મંદિર બનાવવામાં આવે.

    - Advertisement -

    એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રશિયાના પ્રવાસની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, તો બીજી તરફ રશિયામાં વસતા ભારતીય સહિતના હિંદુઓએ માંગ કરી છે કે દેશની રાજધાની મોસ્કોમાં હિંદુ મંદિર બનાવવામાં આવે. આ માટે સ્થાનિક સમુદાયના આગેવાનોએ એક બેઠક પણ કરી હતી. દરમિયાન એક પત્ર જાહેર કરીને ભારતીય સમુદાયના આગેવાનોએ વડાપ્રધાનને વિનંતી કરી છે કે અબુધાબીની જેમ રશિયામાં પણ હિંદુ મંદિર બનાવવામાં આવે.

    ઉલ્લેખનીય છે કે આગામી 8 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાનો પ્રવાસ કરી શકે છે. જોકે તેઓ ત્યાં પહોંચે તે પહેલા જ રશિયામાં વસતા હિંદુ સમુદાયે ઈચ્છા જાહેર કરી છે કે અબુધાબીમાં જે રીતે ભવ્ય હિંદુ મંદિર બનવવામાં આવ્યું, તે જ રીતે મોસ્કોમાં પણ એક હિંદુ મંદિર બનાવવામાં આવે. નોંધનીય છે કે મોસ્કો અને સેન્ટપીટર્સબર્ગમાં પહેલાથી જ ઇસ્કોનના મંદિર છે જ, પરંતુ તે પોતાના પૂર્ણ મંદિર સ્વરૂપમાં નથી અને એક સંસ્થાના ભવન તરીકે કાર્યરત છે.

    કોણે કરી છે મંદિરની માંગ?

    મોસ્કોમાં હિંદુ મંદિરની માંગ ઇન્ડિયન બિઝનેસ એલાયન્સ અને ઇન્ડિયન નેશનલ કલ્ચરલ સેન્ટર દ્વારા કરવામાં આવી છે. ઈન્ડિયન બિઝનેસ એલાયન્સના અધ્યક્ષ સેમી કોટવાનીએ માંગ કરી છે કે, મોસ્કોમાં ભવ્ય હિંદુ મંદિરનું નિર્માણ કરવું જોઈએ. રશિયન સમાચાર એજન્સી RIA નોવોસ્તી અનુસાર કોટવાનીએ કહ્યું હતું કે, “મોસ્કોમાં હિંદુ મંદિર માત્ર એકતાનું કેન્દ્ર કે ભારતીય સંસ્કૃતિ માટે આકર્ષણનું કેન્દ્ર જ નહીં બને, પરંતુ તે બંને દેશોના લોકો વચ્ચે મજબુત સંબંધોનો પુરાવો પણ બનશે. આ મંદિર બનતા રશિયામાં ભારતીય પર્યટકોની સંખ્યા પણ વધશે.”

    - Advertisement -

    નોંધનીય છે કે ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીનો રશિયાનો આ પ્રથમ પ્રવાસ છે. NDAની સરકાર બન્યા બાદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદના શપથ લીધા બાદ પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને તેમને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. રશિયા અને ભારત વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોથી વિશ્વ અજાણ નથી.

    આ પહેલા અબુધાબીમાં બન્યું ભવ્ય હિંદુ મંદિર

    ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરી, 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુધાબીમાં નિર્મિત ત્યાંના સૌપ્રથમ હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 1 માર્ચ 2024થી સામાન્ય લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ અબુધાબીનું પહેલું હિંદુ મંદિર છે.

    આ મંદિરના નિર્માણમાં લોખંડ કે સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ વિશાળ મંદિર સંપૂર્ણપણે પથ્થરનું બનેલું છે. જેને બનાવવા માટે 700થી વધુ કન્ટેનરમાં 20,000 ટનથી વધુ પથ્થર અને માર્બલ અબુધાબી મોકલવામાં આવ્યા હતા. મંદિરના પાયા ભરવા માટે ફ્લાય એશનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે કોંક્રિટ મિશ્રણમાં 55 ટકા સિમેન્ટના સ્થાને વપરાય છે.

    આ મંદિર પણ પર્યાવરણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. તેના કાર્બન ફૂટપ્રિન્ટમાં પણ ઘટાડો થયો છે. મંદિરની રચનાનું નિરીક્ષણ કરવા માટે દબાણ, તાપમાન અને ભૂકંપની ઘટનાઓનો જીવંત ડેટા મેળવવા માટે વિવિધ સ્તરો પર 300થી વધુ સેન્સર લગાવવામાં આવ્યાં છે. ગુજરાત અને રાજસ્થાનથી ખાસ કારીગરોને બોલાવીને મંદિરના સ્તંભ અને દીવાલો પર મોર, હાથી, ઘોડા, ઊંટ, ચંદ્ર વગેરે કોતરવામાં આવ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં