ટીવી અભિનેત્રી તુનીષા શર્માના આત્મહત્યાના કેસમાં એક તાજા અહેવાલમાં, વાલીવ પોલીસે શનિવારે (24 ડિસેમ્બર) મોડી રાતે તેના સહ કલાકાર અને કથિત બોયફ્રેન્ડ શીઝાન ખાનની ધરપકડ કરી છે. તુનિષા શર્માની માતાએ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કર્યો હતો.
ધરપકડ બાદ ACP ચંદ્રકાંત જાધવે જણાવ્યું હતું કે, “વાલીવ પોલીસે અભિનેત્રી તુનીષા શર્માના કો-સ્ટાર શીઝાન મોહમ્મદ ખાનની આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધીને ધરપકડ કરી છે. તુનીષા શર્માનું ટીવી સીરીયલના સેટ પર આત્મહત્યા દ્વારા મૃત્યુ થયું હતું. તેની માતાએ ફરિયાદ નોંધાવી છે. અમે આ અંગે તપાસ કરી રહ્યા છીએ.”
Tunisha’s mother told police that Sheezan used to harass her & police has filed report on her complaint.
— News Arena India (@NewsArenaIndia) December 24, 2022
વાલીવ પોલિસે કહ્યું કે, “શીઝાન મોહમ્મદ ખાન વિરુદ્ધ આઈપીસીની કલમ 306 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.”
તુનીષા શર્માની આત્મહત્યા
અહેવાલો અનુસાર શનિવારે (24 ડિસેમ્બર) અભિનેત્રી તુનિષા શર્માએ એક ટીવી સિરિયલના સેટ પર આત્મહત્યા કરી લીધી હતી. તે 20 વર્ષની હતી. તુનિષા સેટ પર મેક-અપ રૂમમાં પંખાથી લટકતી મળી આવી હતી. તેને તાત્કાલિક નાયગાંવ, વસઈની રેંગ ઓફિસ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ પહોંચ્યા પછી તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
વાલીવ પોલીસના જણાવ્યા અનુસાર, તેમને માહિતી મળી હતી કે ચાના બ્રેક પછી અભિનેત્રી શૌચાલયમાં ગઈ હતી અને જ્યારે તે પાછી ન આવી ત્યારે પોલીસે દરવાજો તોડીને ખોલ્યો અને જાણવા મળ્યું કે તેણે કથિત રીતે ગળે ફાંસો ખાઈ લીધો છે. પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી હતી અને જણાવ્યું હતું કે કોઈ સુસાઈડ નોટ મળી નથી જ્યારે આત્મહત્યાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
અભિનેત્રીની આત્મહત્યાના પ્રયાસનું કારણ હજુ જાણી શકાયું નથી પરંતુ તેની માતાએ તેના કથિત પ્રેમી શીઝાન મોહમ્મદ ખાન સામે એફઆઈઆર નોંધાવી હતી.
કોણ છે તુનીષા શર્મા
તુનિષા શર્માએ ‘ભારત કા વીર પુત્ર – મહારાણા પ્રતાપ’ થી અભિનયની શરૂઆત કરી હતી. તેણે ‘ઈશ્ક સુભાન અલ્લાહ’, ‘ગબ્બર પુંછવાલા’, ‘શેર-એ-પંજાબઃ મહારાજા રણજીત સિંહ’ અને ‘ચક્રવર્તિન અશોક સમ્રાટ’ જેવા શોમાં પણ કામ કર્યું હતું.
તે ‘ફિતૂર’, ‘બાર બાર દેખો’, ‘કહાની 2: દુર્ગા રાની સિંહ’, અને ‘દબંગ 3’ સહિતની બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા મળી હતી.