500 કરોડમાં બનેલી દિગ્દર્શક મણિરત્નમની ફિલ્મ ‘પોનીયિન સેલ્વન-1’ શુક્રવારે (30 સપ્ટેમ્બર 2022) સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ભારતમાં આ ફિલ્મની રિલીઝને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ છે. બીજી તરફ, આ ફિલ્મને વિદેશમાં ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ઐશ્વર્યા રાયની આ ફિલ્મને કેનેડા અને લંડનમાં રિલીઝ ન કરવાની ધમકીઓ આપવામાં આવી રહી છે.
અહેવાલો અનુસાર કેનેડામાં રહેતા કેટલાક જૂથોમાં તમિલ ફિલ્મો પ્રત્યે નફરતનું વાતાવરણ છે. કેનેડા અને લંડનમાં થિયેટર માલિકોને ધમકીભર્યા મેલ આવી રહ્યા છે. કેનેડામાં મણિરત્નમની ફિલ્મ ‘પોનીયિન સેલ્વન-1’ના ડિસ્ટ્રીબ્યુટરે 26 સપ્ટેમ્બર 2022ના રોજ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. ફિલ્મની રિલીઝના એક દિવસ પહેલાં આ ટ્વીટ વાયરલ થઈ છે.
#BookingMonday updates! I have updates from Hamilton, Kitchener and London. All the theatre owners have been threatened with attacks if they play PS1 Tamil or any movie from KW Talkies. Let’s see how other places fare.#PS1TamilInCineplex #PS1TamilInLandmark pic.twitter.com/PxpiqWvjDb
— KW Talkies (@kwtalkies) September 26, 2022
ડિસ્ટ્રીબ્યુટરે તેની પોસ્ટમાં KW ટોકીઝના મેઈલનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. મેલમાં KW ટોકીઝને ફિલ્મ રિલીઝ ન કરવાની ધમકી આપવામાં આવી રહી છે. “મારી પાસે હેમિલ્ટન, કિચનર અને લંડનના અપડેટ્સ છે. તમામ થિયેટર માલિકોને ધમકી આપવામાં આવી છે કે જો PS1 તમિલ અથવા KW ટોકીઝ ફિલ્મ રિલીઝ થશે, તો તેઓ થિયેટર પર હુમલો કરશે.”
મેઇલમાં આગળ લખ્યું હતું કે, “તમામ થિયેટર માલિકો અને સ્ટાફ માટે ચેતવણી. જો તમે KW ટોકીઝની મૂવી PS1 પર અથવા ચૂપ તમારા હોલમાં રિલીઝ કરો છો, તો તમારી બધી સ્ક્રીનના ટુકડા થઈ જશે. આ હુમલામાં ઘાયલ તમારા ઘણા કર્મચારીઓ હોસ્પિટલ જવાની સ્થિતિમાં પણ નહીં હોય.”
આ સિવાય તેણે લખ્યું, “અમે માત્ર ભારતીય ફિલ્મો સાથે જ નહીં, પરંતુ અંગ્રેજી ફિલ્મો સાથે પણ આવું કરવા જઈ રહ્યા છીએ. જ્યાં સુધી તમે KW ટોકીઝ મૂવીઝ બતાવવાનું બંધ ન કરે ત્યાં સુધી અમે આ કરવાનું ચાલુ રાખીશું. ક્રિસમસ દૂર નથી. આવનારા સમયમાં અમે તમામ ભારતીય અને અંગ્રેજી ફિલ્મો સાથે આવું જ કરવાના છીએ. અમારા સ્થાનિક થિયેટરોમાંથી કંઈક શીખો. તેણે આ ફિલ્મો બતાવવાનું બંધ કરી દીધું છે. તમારા બધા માટે આ છેલ્લી ચેતવણી છે.”
નોંધનીય છે કે ફિલ્મ પોનીયિન સેલ્વન-1 માં વિક્રમ, કાર્તિ, જયરામ રવિ, ઐશ્વર્યા રાય અને ત્રિશા કૃષ્ણન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ તમિલ, તેલુગુ ઉપરાંત હિન્દી, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ રિલીઝ થવાની છે.