ગઈકાલે (7 મે 2022) પંજાબ પોલીસ દ્વારા ભાજપ નેતા તેજિંદર પાલ સિંઘ બગ્ગા અને તેમની ધરપકડનો મામલો દિવસભર ચર્ચામાં રહ્યો હતો. આમ આદમી પાર્ટી શાસિત પંજાબ રાજ્યની પોલીસ ભાજપ નેતાના ઘરમાં ઘૂસી ગઈ હતી અને તેમની ધરપકડ કરી હતી તેમજ તેમના વૃદ્ધ પિતા સાથે ઝપાઝપી પણ કરી હતી. તજિંદર પાલ સિંઘની ધરપકડ મામલે ત્રણ રાજ્યોની પોલીસ સામસામે આવી ગઈ હતી. જોકે, બગ્ગાની ધરપકડ મામલે એક સમાચાર પોસ્ટ કરતા હિંદુસ્તાન ટાઈમ્સ દ્વારા ભાજપને ગુંડાઓની પાર્ટી ગણાવી દેવામાં આવતા યુઝરોએ મીડિયા હાઉસની ખૂબ ટીકા કરી હતી.
પંજાબ પોલીસે ભાજપ નેતા તજિંદર પાલ સિંઘ બગ્ગાની ધરપકડ બાદ દિલ્હીમાં પંજાબ પોલીસ વિરુદ્ધ અપહરણનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ ભાજપ નેતાને લઇ જતી ગાડીને હરિયાણામાં રોકવામાં આવી હતી અને તજિંદર પાલ સિંઘને લઈને દિલ્હી પોલીસ પરત ફરી હતી. જોકે, આ સમગ્ર ઘટનાને લઈને મીડિયાએ કરેલા રિપોર્ટીંગને લઈને ચર્ચા શરૂ થઇ ગઈ છે. તેમાં પણ ‘હિંદુસ્તાન ટાઈમ્સ’ દ્વારા તો એક કદમ આગળ વધીને ભાજપને ગુંડાઓની પાર્ટી ગણાવી દેવામાં હતી.
તજિંદર પાલ સિંઘ બગ્ગા ધરપકડ કેસ મામલે રિપોર્ટીંગ કરતા હિંદુસ્તાન ટાઈમ્સ મીડિયા હાઉસના ટ્વીટર પર સમાચાર શેર કર્યા હતા. જેની સાથે લખવામાં આવ્યું હતું, ‘શુક્રવારે નાટકીય ઘટનાક્રમ વચ્ચે ‘ભાજપ-ગુંડાઓની પાર્ટી’ના નેતા તજિંદર પાલ સિંઘ બગ્ગાને પંજાબ પોલીસે ગિરફ્તાર કરી લીધા હતા, જે બાદ કેટલાક કલાકો બાદ તેમને દિલ્હી પરત લાવવામાં આવ્યા હતા.”
હિંદુસ્તાન ટાઈમ્સે કરેલા આ વિવાદિત ટ્વીટને લઈને ઇન્ટરનેટ અને ખાસ કરીને ટ્વીટર યુઝરોમાં ચર્ચા શરૂ થઇ ગઈ હતી તો મીડિયા હાઉસે કેટલાક યુઝરોની ટીકાનો સામનો કરવો પડ્યો હતો. દરમ્યાન, JNU પ્રોફેસર અને ટ્વીટર પર જાણીતી હસ્તી ડૉ. આનંદ રંગનાથને હિંદુસ્તાન ટાઈમ્સના ટ્વીટને ક્વોટ કરતા કહ્યું હતું કે ભાજપ વિશે જો તેઓ આવા શબ્દોનો ઉપયોગ કરતા હોય તો આમ આદમી પાર્ટીને લઈને તેઓ શું કહેશે?
What hashtag would @htTweets use for AAP, I wonder. WDTT https://t.co/asw1nP1rZi pic.twitter.com/4sIq3dbiBO
— Anand Ranganathan (@ARanganathan72) May 7, 2022
બીજી તરફ, હિંદુસ્તાન ટાઈમ્સે આ મામલે બચાવ કરતા ટેકનિકલ ખામીનું કારણ ધર્યું હતું. મીડિયા હાઉસે ટ્વીટ કરતા કહ્યું, ‘ટ્વીટડેકના ઓટોપોલ ફીચરથી ભાજપ માટે આવું હેશટેગ વપરાઈ ગયું અને તે બાબતે ધ્યાન જાય અને સુધારવામાં આવે તે પહેલાં ટ્વીટ પોસ્ટ થઇ ગયું હતું. આ ભૂલ માટે અમે દિલગીર છીએ.’ હિંદુસ્તાન ટાઈમ્સ આગળ જણાવે છે કે, ‘અમે અમારી સોશિયલ મીડિયા પ્રકાશન પ્રક્રિયાની સમીક્ષા કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં આવું ન થાય તે માટે ખૂટતું કરી રહ્યા છીએ.’
An autopull feature on Tweetdeck used a mischievous hashtag for the BJP and the tweet was published before this could be manually checked and corrected. We sincerely regret the error.
— Hindustan Times (@htTweets) May 7, 2022
જોકે તેમ છતાં હિંદુસ્તાન ટાઈમ્સે આ દરમિયાન લોકોની ટીકાનો સામનો કરવો પડ્યો હતો. એક વ્યક્તિએ લખ્યું કે ભૂતકાળમાં HTએ નીતિ આયોગના CEO અમિતાભ કાન્તના નિવેદનને લઈને પણ જુઠ્ઠાણું ફેલાવ્યું હતું, જે બાદ તેમણે સ્પષ્ટતા કરવી પડી હતી કે તેમણે આવું કોઈ નિવેદન આપ્યું નથી. તેમના હવાલેથી ખોટા સમાચારો છપાયા હતા અને જેમાં લખવામાં આવ્યું હતું કે તેમણે ભારતમાં ‘જરૂરિયાત કરતા વધુ પડતા લોકતંત્ર’ની વાત કરી હતી, પરંતુ સ્પષ્ટતા થઇ હતી કે તેઓ મેન્યુફેક્ચરિંગ સેક્ટર અંગે વાત કરી રહ્યા હતા.
વધુમાં, રાજકીય વિશ્લેષક ઋષિ બાગરીએ હિંદુસ્તાન ટાઈમ્સને પૂછ્યું હતું કે શું તેમનું ઓટોપોલ ફીચર માત્ર એક જ પાર્ટી વિરુદ્ધ કામ કરે છે? તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે આટલી ચોકસાઈથી કોઈ વાક્યની વચ્ચે આ પ્રકારનું હેશટેગ વાપરવું એ તકનીકી ભૂલ ન હોય શકે.
બીજી તરફ, સોશિયલ મીડિયામાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઘણી મીડિયા સંસ્થાઓને આમ આદમી પાર્ટી તરફથી જાહેરાતો મળતી રહે છે, તેથી જ તેઓ તજિંદર બગ્ગાના કેસમાં ટિપ્પણી કરવાથી દૂર રહ્યા છે અને ઉપરથી ભાજપને જ દોષી ઠેરવી રહ્યા છે.