Friday, September 20, 2024
More
    હોમપેજગુજરાતપૂરગ્રસ્ત વિસ્તારમાં પણ હાથમાં માઇક લઈને ગુજરાતવિરોધી પ્રોપગેન્ડા આગળ વધારવાની ‘કળા'.... આ...

    પૂરગ્રસ્ત વિસ્તારમાં પણ હાથમાં માઇક લઈને ગુજરાતવિરોધી પ્રોપગેન્ડા આગળ વધારવાની ‘કળા’…. આ ‘પત્રકારત્વ’ હોય તો બદમાશી કોને કહેવાય? 

    ખરેખર તો પોતાને પત્રકાર ગણાવતાં આ બહેને આ ભાઈને અટકાવીને સાચી સમજ આપવાની જરૂર હતી. પણ એક વાત એ પણ છે કે વિડીયો સોશિયલ મીડિયા પર મૂકીને ‘ગુજરાત માટે કોઇ આવું કહે ત્યારે પીડા થાય’ની સુફિયાણી વાતો કરવી હોય તેઓ આ બધાની દરકાર રાખતા નથી.

    - Advertisement -

    મોદીનો વિરોધ કરતાં-કરતાં આપણે ત્યાંના ડાબેરીઓ, લિબ્રાન્ડુઓ અને અમુક તથાકથિત પત્રકારો ‘ગુજરાતવિરોધી’ ક્યારે થઈ ગયા તેની આ ‘ભોળજનો’ને પણ ખબર રહી નહીં. ગુજરાત અને મોદી જેમ-જેમ એકબીજાના પર્યાય બનતા જાય છે તેમ-તેમ આ એક વિશેષ ટોળકીના પેટમાં તેલ રેડાય છે. જરાક આંખ-કાન ખુલ્લાં રાખીને જોશો તો વારે-તહેવારે તેઓ ગુજરાતને કોઇ પણ રીતે બદનામ કરવાનાં કારસ્તાન કરતા તમને અહીં-તહીં દેખાશે. બે ઉદ્યોગપતિઓ જેમને તેઓ કાયમ ટાર્ગેટ કરે છે (ને પછી રિસેપ્શનમાં બોલાવે ત્યારે બેશરમ બનીને દોડી જાય છે!) તે બંને ગુજરાતીઓ છે તે પણ સંયોગ જ ગણવો! 

    ગુજરાતદ્વેષ– ભૂતકાળમાં આ વેબસાઈટ ઉપર આ શબ્દ પર ઘણું લખાયું છે. એ હવામાંથી વાતો કાઢીને બનાવી નાખી નથી, તેનાં નક્કર કારણો છે. ગુજરાત અને ગુજરાતીઓને ભાંડવાથી, તેમને બદનામ કરવાથી આ ટોળકીનો એક હેતુ સિદ્ધ થાય છે. તેવું તેઓ કરતા રહે, પણ તેમનાથી ભારોભાર પ્રભાવિત થઈ ગયેલાં આપણે ત્યાંનાં (એટલે ગુજરાતના) મીડિયામાં કામ કરતાં અબુધ છોકરાં-છોકરીઓ, અમુક એક્ટિવિસ્ટો અને ઈન્ફ્લુએન્સરો પણ આ રવાડે ચડવા માંડ્યાં છે. મજાની વાત (આમ તો કમનસીબ જેવી વાત કહેવાય) એ છે કે આ તમામ ગુજરાતી જ છે, અહીં જ જન્મ્યાં છે, આ જ ભાષામાં કામ કરે છે અને આ જ સંસ્કૃતિમાં રહ્યાં છે, પણ તોય આ ગુજરાતવિરોધી પ્રોપગેન્ડામાં કાં તો ફસાઈ જાય છે, કાં ફસાવાનો અભિનય કરે છે અથવા જાણીજોઇને ભાગ બની જાય છે. 

    ગુજરાતમાં હમણાં ભારે વરસાદ પડ્યો. અમે તો ઠીક પણ જેમણે અમારા કરતાં અનેકગણી વધારે દિવાળી જોઈ છે તેઓ પણ કહે છે કે આવો વરસાદ ભાગ્યે જ જોયો હશે. વાત સાચી પણ લાગે એમ છે, કારણ કે એકસાથે 29 જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાય એવું તો અગાઉ ઘણાં વર્ષોમાં બન્યું નથી. મધ્ય પ્રદેશની પશ્ચિમે ડીપ ડિપ્રેશન સર્જાયું ને ગુજરાત તરફ આગળ વધ્યું એમાં વડોદરા, જામનગર, દ્વારકા જેવા જિલ્લાઓ ચપેટમાં આવી ગયા. જળાશયો ઓવરફ્લો થયાં તો પાણી શહેરમાં ઘૂસ્યાં અને ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ. ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ સારું એવું નુકસાન થયું અને રોડ-રસ્તા પણ તૂટ્યા. 

    - Advertisement -

    આટલા ભારે વરસાદમાં આવું નુકસાન થાય જ. ગમે તેવા મજબૂત રસ્તાઓ બન્યા હોય તે પણ તૂટે તો તેમાં નવાઈ ન લાગવી જોઈએ. આપણે ત્યાં જ નહીં, દુનિયાના કોઇ પણ ખૂણામાં આવું જ થાય છે. જાપાનમાં પૂરની સ્થિતિના વિડીયો ઈન્ટરનેટ પર ફરી રહ્યા છે. જાપાન જ નહીં કાલે ઉઠીને અમેરિકામાં આવો ભારે વરસાદ પડે તો ત્યાં પણ એવું જ થાય. 

    આ બધી વાતો બાજુ પર મૂકીને મૂળ વિષય પર આવીએ તો ભૂતકાળમાં અનેક ફેક ન્યૂઝ ફેલાવી ચૂકેલા પોર્ટલ ‘જમાવટ’ ચલાવતાં ‘પત્રકાર’ દેવાંશી જોશી પૂરગ્રસ્ત વડોદરા પહોંચ્યાં છે, રિપોર્ટિંગ માટે. અહીંથી તેમણે વિડીયો બનાવીને પોતાની ચેનલ પર અને તેની ટૂંકી ક્લિપ ઉઠાવીને ચેનલના ટ્વિટર હેન્ડલ પર પણ ચડાવી છે. તેમાંથી જ એક ક્લિપનું ટાઈટલ વાંચો- ‘Vadodara Flood – Devanshi Joshi પહોંચ્યા વડોદરા, રાજસ્થાનથી આવેલા ભાઈએ કહ્યું કે…’

    આ ભાઈએ શું કહ્યું? દેવાંશીએ જ્યારે તેને પૂછ્યું કે તેઓ કેટલા સમયથી ગુજરાતમાં છે? જેના જવાબમાં તે અંગ્રેજીમાં કહે છે કે છેલ્લાં દોઢ વર્ષથી તેઓ ગુજરાતમાં રહે છે અને મૂળ રાજસ્થાનના છે. આગળ તે કહે છે, “કહેવાય છે કે ગુજરાત એક સારું રાજ્ય છે, પણ અહીં આવીને લાગે છે કે ગુજરાતમાં આપણે ન રહેવું જોઈએ. મને વ્યક્તિગત રીતે લાગે છે કે આપણે ગુજરાત ન આવવું જોઈએ. હું દિલ્હીમાં રહ્યો છું, અન્ય રાજ્યોમાં પણ ગયો છું, પણ ત્યાં આવી ભયાનક સ્થિતિ સર્જાઇ નથી. તાત્કાલિક અમને સોલ્યુશન મળે છે, પણ અહીં ત્રણ દિવસથી કોઇ વીજળી નથી, 1-2 મહિનાનાં બાળકો કઈ રીતે રહેશે?” દેવાંશી આગળ ટાપસી પુરાવીને કહે છે કે, 9 મહિનાનાં, નાનાં બાળકો પણ છે અને તેઓ કઈ રીતે રહેતાં હશે.

    આ ક્લિપમાં જમાવટે લખ્યું છે, ‘જ્યારે કોઇ બહારથી આવેલો વ્યક્તિ ગુજરાત માટે આવું કહે ત્યારે પીડા થાય.’ પીડા આમ જોવા જઈએ તો જોનારા ગુજરાતીઓને વધારે થવી જોઈએ, જેઓ એક ‘પત્રકાર’ને કોઇ કારણ વગર ગુજરાત વિશે ઘસાતું બોલનાર વ્યક્તિને મંચ આપતાં અને તેમાં ટાપસી પૂરાવતાં જોઈ રહ્યા છે.

    ગુજરાતમાં જ નહીં, કોઇ પણ રાજ્યમાં સર્જાઈ હોત આવી સ્થિતિ, તેમાં ‘પીડા’ અનુભવવાની જરૂર નથી

    આ ભાઈ કહે છે કે તેઓ દોઢ વર્ષથી ગુજરાતમાં રહે છે. તો દોઢ વર્ષમાં આવી પરિસ્થિતિ તેમણે જ નહીં વર્ષોથી જેઓ ગુજરાતમાં રહે છે તેમણે પણ નથી જોઈ. આ સ્થિતિ જ દાયકાઓ બાદ સર્જાઈ છે. આમ તો 2019માં પણ વડોદરામાં ભારે વરસાદ આવ્યો હતો, પણ આટલા બધા વિસ્તારોમાં પાણી તો ત્યારે પણ ભરાયાં ન હતાં. આ વરસાદનું પ્રમાણ જ એટલા મોટા પ્રમાણમાં હતું કે તેમાં કુદરત સિવાય કોઇ કાંઈ કરી શકે એમ ન હતું. 

    બીજું, તેઓ વીજળીની ફરિયાદ કરે છે. પણ આવી વિકટ પરિસ્થિતિમાં વીજ પુરવઠો ખોરવાય તે બનવાજોગ છે. રહી વાત ફરી પુનઃસ્થાપિત કરવાની, તો તેમાં વિલંબ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે શહેરમાં પૂરનાં પાણી છે. જેવાં પાણી ઓસરી જાય કે તરત આ કામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાશે એવું સરકાર નહીં સ્વયં મુખ્યમંત્રી કહી ચૂક્યા છે. ભૂતકાળમાં આપણે જોયું પણ છે કે કઈ રીતે વાવાઝોડા પછી ત્વરિત સરકાર કામે લાગી ગઈ હોય અને બેથી ત્રણ દિવસમાં સિસ્ટમ ઠીક કરી દીધી હોય. હજુ પાણી ઓસર્યાં નથી અને વીજ પુરવઠાથી માંડીને આ સેવાઓ પુનઃસ્થાપિત કેમ નથી થઈ તેમ પૂછવું બાલિશતા છે. એક અઠવાડિયા પછી પણ સ્થિતિ તેવી જ હોય તો ચોક્કસ પૂછાય.

    વીજળીની જ્યાં સુધી વાત છે કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હોવા છતાં અનેક વિસ્તારો એવા છે, જ્યાં વીજળીની લેશમાત્ર સમસ્યા થઈ નથી. જ્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થવાના કારણે સમસ્યા આવી અને જ્યાં સુધારી શકાય એમ હતું, ત્યાં તુરંત કાર્યવાહી થઈ છે. લોકો મૂરખ નથી કે ઈન્ટરનેટ ઉપર આ બાબત માટે તંત્રનો આભાર માની રહ્યા છે. 

    કોઇ વિસ્તારના માન-અપમાનની વાત નથી પણ જે ફરિયાદ વિડીયોમાં થઈ છે, તેવી પરિસ્થિતિ રાજસ્થાન સહિતનાં અન્ય રાજ્યોમાં પણ સર્જાઈ જ છે. કુદરતી આફતો ટાળી શકાતી નથી એટલી સામાન્ય બુદ્ધિ કેળવીને જ માઇક પકડીને રિપોર્ટિંગ કરવા કૂદવું જોઈએ. આફતો ગયા પછી કેટલી ઝડપથી કામ થાય છે તેની ઉપરથી સરકાર અને તંત્રનું પાણી મપાય છે. હજુ એ સ્થિતિ તો આવી જ નથી ત્યાં સવાલો કરવાના ચાલુ કરી દેવાના? 

    ખરેખર તો પોતાને પત્રકાર ગણાવતાં આ બહેને આ ભાઈને અટકાવીને સાચી સમજ આપવાની જરૂર હતી. પણ એક વાત એ પણ છે કે વિડીયો સોશિયલ મીડિયા પર મૂકીને ‘ગુજરાત માટે કોઇ આવું કહે ત્યારે પીડા થાય’ની સુફિયાણી વાતો કરવી હોય તેઓ આ બધાની દરકાર રાખતા નથી. પોતાના જ રાજ્ય વિશે કોઇ તથ્ય વગર, પાયા વગરની વાતો કરીને પ્રોપગેન્ડા ફેલાવતું હોય અને તેને મંચ આપીને ચિંતા અનુભવો તો એ તમારી હોંશિયારી ન કહેવાય. 

    અમુક ક્રાંતિવીર ગુજરાતી પત્રકારોએ સમજવાની જરૂર છે કે આ સમય આવી સુફિયાણી સલાહો આપીને કે સનસનાટી પેદા કરીને રિપોર્ટિંગ કરવાનો નથી. કોણે ક્યારે શું કરવાનું છે તેની તેમને ખબર જ છે, પણ પરિસ્થિતિ એવી છે કે બધું એક ઝાટકે થઈ શકતું નથી. હમણાં માહિતી પહોંચડનારાઓનું કામ માહિતી પહોંચાડવાનું છે અને સાથે એ જોવાનું છે કે તેના કારણે પેનિકની પરિસ્થિતિ ન સર્જાય. કેમેરાની સામે બેસીને ફાલતુ લવારા કરવામાં સમય નથી જતો, કે વધુ મહેનત પણ નથી પડતી, પૂરમાંથી શહેરને બેઠું કરવામાં જાય છે!

    એ વાત સાચી છે કે ગુજરાતમાં બહુ વરસાદ પડ્યો અને શહેરોમાં સ્થિતિ વિકટ છે, માની પણ લઈએ કે વડોદરા મહાનગરપાલિકા અને સરકાર સદંતર નિષ્ફળ ગયાં અને તેમણે એવું કશુંક કરવું જોઈતું હતું જેનાથી પાણી શહેરમાં ન આવે. પણ તેનાથી ગુજરાતમાં ન રહેવાય, કે ગુજરાત આવું છે અને તેવું છે તેવું માની લેવાની કોઇ જરૂર નથી. દરેક રાજ્યમાં આવી પરિસ્થિતિ સર્જાય છે, દરેક રાજ્ય પોતાની ક્ષમતા અનુસાર બેઠું થાય છે. આવી પરિસ્થિતિઓ ભૂતકાળમાં પણ આવી હતી. આપણે 2001ના ભૂકંપમાંથી પણ બેઠા થયા છીએ અને મચ્છુ હોનારતમાંથી પણ. તેની સામે આ સમસ્યા કશું જ નથી અને તેમાંથી પણ સૌ સાથે બહાર નીકળીશું. તેમાં હીનભાવના અનુભવવાની કે પીડા અનુભવવાની કોઇ જરૂર નથી. કોઇ અનુભવતું હોય તો તેને શાંત પાડવાની જરૂર છે.

    સંભવતઃ પેલા વ્યક્તિએ નજર સામે પરિસ્થિતિ વિકટ થતાં જોઈ હોય તો ભાવનાઓમાં વહીને બોલી નાખ્યું હોય અને ગુજરાતને બદનામ કરવાનો આશય પણ ન હોય. આપણે કોઇ રાજ્યમાં જઈએ અને સરહદ પાર કરીને પહેલો જ માણસ વિચિત્ર ભટકાય જાય તો માનવસહજ સ્વભાવના કારણે રાજ્ય વિશે કે ત્યાંના લોકો વિશે ધારણાઓ બાંધી લઈએ છીએ, પણ પછી સમજાય કે એવું હોતું નથી. એવું અહીં પણ હશે. પણ તેના સ્ટેટમેન્ટનો એન્ટી-ગુજરાત પ્રોપગેન્ડા આગળ ધપાવવામાં ઉપયોગ કરવો એ ‘પત્રકારત્વ’ કહેવાતું હોય તો ઈશ્વર ગુજરાતને આવા પત્રકારત્વથી બચાવીને રાખે એવી પ્રાર્થના કરીએ. મારી સાથે બોલો….

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં