Sunday, May 19, 2024
More
  હોમપેજમંતવ્યઅમદાવાદના ક્રાઉડને દોષ, 'સ્પોર્ટ્સમેન સ્પીરિટ'નું જ્ઞાન....: વર્લ્ડ કપ ફાઈનલ બાદ ફરી છતો...

  અમદાવાદના ક્રાઉડને દોષ, ‘સ્પોર્ટ્સમેન સ્પીરિટ’નું જ્ઞાન….: વર્લ્ડ કપ ફાઈનલ બાદ ફરી છતો થયો લેફ્ટ-લિબરલોનો ગુજરાતદ્વેષ- આનું કારણ શું?

  CM નરેન્દ્ર મોદીથી લઈને PM નરેન્દ્ર મોદી બનાવ સુધીની સફરમાં ગુજરાતીઓએ મોદીને ખૂબ પ્રેમ આપ્યો છે. આ કારણ છે કે મોદી વિરોધી લેફ્ટ-લિબરલોની ટોળકી ગુજરાતને હંમેશાથી દ્વેષની નજરથી જોતી આવી છે. એક વ્યક્તિનો વિરોધ તેને ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યેના દ્વેષ સુધી લઈ આવ્યો છે.

  - Advertisement -

  રવિવારે (19 નવેમ્બર) ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાઈ. હજારોની સંખ્યામાં દર્શકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે સ્ટેડિયમમાં પહોંચી ગયા હતા. માત્ર ગુજરાતીઓ જ નહીં પરંતુ દેશભરમાંથી ક્રિકેટપ્રેમીઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચી ગયા હતા. સતત વિજયપથ પર આગળ વધીને ફાઈનલ સુધી પહોંચેલી ટીમ ઇન્ડિયા અને તેના સમર્થકોનો ઉત્સાહ સાતમા આસમાને હતો. સૌ કોઈ એવી કલ્પના કરતા હતા કે ભારતીય ટીમ આ વખતે વિશ્વવિજેતા બનશે. 140 કરોડ ભારતીયો એક સૂરમાં ભારતના શંખનાદની આશા સેવી રહ્યા હતા. પરંતુ નિયતિને એ મંજૂર નહોતું. તે જ ક્ષણે કરોડો ભારતીયોની આશા હતાશામાં બદલાઈ ગઈ.

  ઓસ્ટ્રેલિયાની ટીમ છઠ્ઠી વખત વિશ્વવિજેતા બનીને ઊભરી. ભારતનું, ભારતીયોનું 12 વર્ષ પછી પોતાની ધરતી પર વિશ્વકપ જીતવાનું સપનું મંજિલની નજીક પહોંચીને તૂટી ગયું. સૌ કોઈ હતાશ થઈ ગયા. 12 વર્ષની આતુરતાનો આખરે કરૂણ અંત આવ્યો. દેશભરના ક્રિકેટપ્રેમીઓમાં હતાશા વ્યાપી ગઈ. આ સ્થતિમાં પણ લેફ્ટ-લિબરલોની ટોળકીએ ગુજરાત અને ગુજરાતીઓ વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કરી દીધું. હવે તેમનો ગુજરાત પ્રત્યેનો દ્વેષ બહાર આવી રહ્યો છે.

  આવા સમયે એક તરફ દેશના કરોડો લોકોને ફાઈનલ ટ્રોફી ન જીતવાનો વસવસો છે તો બીજી તરફ આ ટોળકીએ ફરી એક વખત તેનો ગુજરાત વિરોધી રાગ આલપવાનું શરૂ કરી દીધું છે. આવી પરિસ્થિતિમાં પણ તેમણે ગુજરાત અને ગુજરાતીઓને ભાંડવાની તક શોધી લીધી છે. એક પ્રશ્ન સહજ થાય કે આ લેફ્ટ-લિબરલ ટોળકીને ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે આટલી નફરત કેમ? શા માટે ગુજરાતીઓને વગોવવાની એક પણ તક તેઓ નથી છોડતા. શું કારણ છે કે તેઓ ક્રિકેટ જેવી રમતોમાં પણ પ્રાંતવાદના ખેલ ખેલે છે? ક્રિકેટમાં ભારતની હાર પાછળ પણ તેને દોષ ગુજરાતનો, ગુજરાતીઓનો દેખાય છે.

  - Advertisement -

  કોઇ ઘટના કે પ્રસંગને સાંકળીને ગુજરાતીઓને ભાંડવામાં તેમને વિકૃત આનંદ આવે છે. આ આનંદ તેઓ તો લઈ જ રહ્યા છે અને સાથે આ વિકૃતિઓ તેઓ સોશિયલ મીડિયા પર પણ ઠાલવતા રહ્યા છે. તેમની ગુજરાત વિરોધી માનસિકતા આજકાલની નથી. વર્ષોથી તેમની આવી માનસિકતા છે.

  ભારત મેચ હારી ગયું તેમાં પણ ગુજરાત જવાબદાર!

  કોઇ પણ વિષયમાં વાહિયાત તર્કો કરીને હોંશે-હોંશે વિરોધ કરવાની નિપુણતા ભારત-ઑસ્ટ્રેલિયા વર્લ્ડ કપ ફાઈનલ બાદ પણ જોવા મળી. ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાખોની ઓડિયન્સ વચ્ચે ટીમ ઇન્ડિયાની હાર થાય છે. તમામ દર્શકોની આશા પર પાણી ફેરવાય જાય છે. સમગ્ર દેશ તે સમયે હતાશ હોય છે. જ્યારે એક વર્ગ આ હાર બદલ અમદાવાદના ક્રાઉડને જવાબદાર ઠેરવે છે. કોઈપણ વિચાર કર્યા વગર દોષનો ટોપલો ગુજરાત અને ગુજરાતીઓ પર ઢોળવામાં આવે છે. હવે એક પ્રશ્ન સહજ થાય કે ગુજરાતે એવું તો શું કર્યું કે ટીમ હારી ગઈ? હવે આ પ્રશ્નનો જવાબ એ ટોળકી પાસે જ નથી.

  તેમ છતાં તે દોષનો ટોપલો ગુજરાત માથે ઢોળે છે. સોશિયલ મીડિયા પર અઢળક પોસ્ટ એવી જોવા મળશે કે તેમાં સીધી કે આડકતરી રીતે ગુજરાતીઓ વિરુદ્ધ ઝેર ઓકવામાં આવી રહ્યું હોય. એ ટોળકીના કેટલાક કર્મઠ સભ્યોએ તો સ્ટેડિયમમાં મેચ જોવા બેઠેલા લોકોને જિંગોઈસ્ટિક પણ કહી દીધા! અંગ્રેજીમાં જિંગોઈઝ્મનો અર્થ થાય છે અતિરાષ્ટ્રવાદ. મેચની હાર માટે તેને ગુજરાતીઓ જવાબદાર લાગે છે. હવે અહીં મૂળ વાત એ છે કે સ્ટેડિયમ ભલે ગુજરાતમાં હોય પણ તેમાં ઑડિયન્સ આખા દેશમાંથી આવે છે. આસપાસનાં પાડોશી રાજ્યોથી લઈને દેશ અને વિદેશમાંથી આ ઐતિહાસિક અવસરના સાક્ષી બનવા લોકો પહોંચ્યા હતા. માની પણ લઈએ કે બહુધા દર્શકો ગુજરાતી હતા. તો તેનો અર્થ એ થયો કે તેના લીધે ટીમ હારી? જોકે, ગુજરાતી દર્શકોએ એવો કોઈ જ વ્યવહાર કર્યો ન હતો જેની ઉપર સવાલો ઉઠી શકે. પરંતુ ‘જવાબમાંથી પણ સવાલ ઊભા કરવાની’ મહાન આવડત ધરાવનારાઓનું કશું થઈ શકે તેમ નથી.

  હવે મૂળ મુદ્દો એ છે કે આ ટોળકીને ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે આટલી નફરત કેમ છે? કેમ તેને ક્યારેય કોઈપણ ગુજરાતીમાં સારી વસ્તુ નથી દેખાઈ શકતી. જોકે, ગુજરાતીમાં તો એક કહેવત પણ છે કે, “જેને કમળો થયો હોય તેને બધુ પીળું જ દેખાય.”

  ખેર, પણ એ જાણવું ખુબ્ જરૂરી છે કે આ લેફ્ટ-લિબરલ ગેંગ તેનો ગુજરાતદ્વેષ વારંવાર છતો કરતી રહે તેનું શું કારણ છે? આટલી હદે દ્વેષ એ પણ ભારતના જ એક વિસ્તાર સાથે. આ નફરત આજકાલની નથી. વર્ષોથી ગુજરાત અને ગુજરાતીઓને ટાર્ગેટ કરવામાં આવતા રહ્યા છે. આપણે એ સમજીએ આ ટોળકીને ગુજરાત પ્રત્યે આટલી નફરત કેમ છે.

  ગુજરાત પ્રત્યે આટલી નફરત હોવાનું કારણ શું?

  હવે આપણે મૂળ મુદ્દા વિશે વાત કરી રહ્યા છીએ. આખરે એવી કઈ શક્તિ છે જે આ ગેંગને ગુજરાત વિરોધી બનાવે છે. તેની પાછળનું કારણ માત્ર એટલું છે કે ગુજરાત હંમેશાથી મોદી સમર્થક રહ્યું છે. કોઈપણ પરિસ્થિતિમાં ગુજરાતીઓએ મોદીને એકલા નથી છોડ્યા. લેફ્ટ-લિબરલોની ગેંગના ગુજરાતદ્વેષ પાછળનું આ મુખ્ય કારણ છે. ગુજરાત એવા બે વ્યક્તિઓનું ગૃહરાજ્ય છે, જે દેશના બે સર્વોચ્ચ પદ પર બેઠા છે. ગુજરાતીઓ પ્રત્યેનો આ દ્વેષ મોદી વિરોધમાંથી જન્મ લે છે. કોઈ એક વ્યક્તિ કે પાર્ટીનો વિરોધ કરતાં-કરતાં એ ટોળકી ગુજરાતનો અને ગુજરાતીઓનો પણ વિરોધ કરવા લાગી છે.

  આ વિરોધ પણ તેઓ એટલે કરતાં રહે છે કે મજબૂત સરકાર આવવાથી તેમની દુકાનો બંધ થઈ ગઈ છે. ગુજરાતીઓ પ્રત્યેનો આ દ્વેષ વખતોવખત છલકતો રહે છે. તેઓ સોશિયલ મિડીયામાં પણ ગુજરાત વિરુદ્ધ ઝેર ઓકતા રહે છે. 7 ઓક્ટોબર, 2001ના દિવસે નરેન્દ્ર મોદીએ પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રી પદે શપથ લીધા ત્યારથી લઈને આજદિન સુધી દેશના એક વર્ગને મોદી પસંદ આવ્યા નથી. મોદી બીજા રાજકારણીઓથી અલગ છે એટલે લોકોએ તેમને ભરપૂર પ્રેમ આપ્યો છે પણ બીજી તરફ જેમની દુકાનો બંધ થઇ ગઈ છે તેમણે મોદીને હરાવી દેવા માટે કે મોદીનું અસ્તિત્વ સાફ કરી નાંખવા માટે જે કંઈ પણ થઇ શકે એ બધું જ કરી જોયું છે. મોદી વિરોધીઓનો આ વર્ગ ગુજરાતીઓને હંમેશા દ્વેષની નજરથી જોતો રહ્યો છે. અત્યારે PM મોદીની છબી વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત થઈ ચૂકી છે. ગમે તેટલા કાવાદાવા છતાં તેમની છબીને લેશમાત્ર ફેર પડતો નથી.

  ગુજરાતીઓ કોઈપણ પરિસ્થિતિમાં સતત મોદીની પડખે ઊભા રહ્યા છે. ગોધરામાં હિંદુ હત્યાકાંડ બાદ ફાટી નીકળેલાં રમખાણોમાં નરેન્દ્ર મોદીને દોષી ઠેરવવામાં આવી રહ્યા હતા. મોદી સામે ખોટા આરોપો લગાવીને તેમને ફસાવવા, તેમની સરકાર ઉથલાવવા માટે અનેકો પ્રયાસ થયા. આવી પરિસ્થિતિમાં પણ ગુજરાત મોદીની પડખે અડગ ઊભું રહ્યું હતું. CM નરેન્દ્ર મોદીથી લઈને PM નરેન્દ્ર મોદી બનાવ સુધીની સફરમાં ગુજરાતીઓએ મોદીને ખૂબ પ્રેમ આપ્યો છે. આ કારણ છે કે મોદી વિરોધી લેફ્ટ-લિબરલોની ટોળકી ગુજરાતને હંમેશાથી દ્વેષની નજરથી જોતી આવી છે. એક વ્યક્તિનો વિરોધ તેને ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યેના દ્વેષ સુધી લઈ આવ્યો છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં