Tuesday, April 30, 2024
More
    હોમપેજમિડિયા‘બ્રિજભૂષણ સિંઘના સગાને WFIના અધ્યક્ષ બનાવવામાં આવ્યા’: અધૂરી માહિતી અને ગોળગોળ વાતો...

    ‘બ્રિજભૂષણ સિંઘના સગાને WFIના અધ્યક્ષ બનાવવામાં આવ્યા’: અધૂરી માહિતી અને ગોળગોળ વાતો સાથે દેવાંશી જોશીએ કરી ‘જમાવટ’- જાણીએ એ વાતો જે તેઓ કહેતાં ભૂલી ગયાં છે

    હકીકત એ છે કે સમગ્ર પ્રક્રિયા લોકતાંત્રિક ઢબે થઈ છે. ચૂંટણી યોજાઈ, તેમાં મતદાન થયું, બે ઉમેદવારો લડ્યા અને એકની જીત થઈ. હવે તેમની સામે પણ વાંધો હોય તો પહેલવાનો ઉઠાવી શકે, તેની ઉપર વિડીયો પણ બનાવી શકાય. પરંતુ સાચી માહિતી સાથે. 

    - Advertisement -

    રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (WFI) તાજેતરમાં ચર્ચામાં છે. કારણ ગુરુવારે (21 ડિસેમ્બર) યોજાઈ ગયેલી પ્રમુખ પદની ચૂંટણી અને ત્યારબાદ અમુક પહેલવાનોએ કરેલી પ્રેસ કોન્ફરન્સ છે. WFIની ચૂંટણીમાં UP રેસલિંગ ફેડરેશનના ઉપપ્રમુખ સંજય સિંઘ બહુમતીથી જીત્યા અને પ્રમુખ બન્યા. તેઓ અગાઉના પ્રમુખ અને ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંઘના નજીકના વ્યક્તિ ગણાય છે. એટલે જે પહેલવાનો થોડા મહિના પહેલાં બ્રિજભૂષણ સિંઘ સામે આંદોલને ચડ્યા હતા તેમને વાંકું પડ્યું અને નારાજ થઈને તેમાંથી એક સાક્ષી મલિકે કુશ્તી છોડવાની ઘોષણા કરી દીધી. 

    આ ઘટનાક્રમ પર પ્રોપગેન્ડા ચેનલ ‘જમાવટ’ ચલાવતાં દેવાંશી જોશીએ એક વિડીયો બનાવ્યો છે. પરંતુ તેમાં અમુક જરૂરી માહિતી જ આપવામાં આવી નથી, તો અમુક ભ્રામક વાતો કહેવામાં આવી છે. ગોળગોળ વાતો કરીને છેલ્લે સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર જ ઠીકરું ફોડવાના પ્રયાસો કરવામાં આવ્યા. 

    ‘બ્રિજભૂષણ સિંઘ દેશ-કાનૂન અને સન્માનથી પણ ઉપર સાબિત થયો! રમત હારી, રાજનીતિ જીતી!’ શીર્ષક સાથેના આ 5 મિનીટ 21 સેકન્ડના વિડીયોમાં દેવાંશી આ જ તાજેતરના મુદ્દાને લઈને ચર્ચા કરે છે. 

    - Advertisement -

    શરૂઆતમાં તેઓ થોડા સમય પહેલાં થયેલા કુશ્તીબાજોના આંદોલનની વાત કરે છે અને કહે છે કે તેઓ જેમની સામે પડ્યા હતા તેવા WFIના તત્કાલીન અધ્યક્ષ બ્રિજભૂષણ સિંઘનો ઉત્તર ભારતમાં દબદબો છે. સાથે કહ્યું કે, જે-તે સમયે ધરણાં રોકવા માટે દેશના નેતાઓએ ખૂબ પ્રયાસો કર્યા હતા અને ગૃહમંત્રી અમિત શાહે પણ પહેલવાનો સાથે મુલાકાત કરી, સાંત્વના આપી અને ન્યાય મળશે તેવું કહેવામાં આવ્યું અને રેસલિંગ ફેડરેશનમાં ફરી કોઇ વાત બ્રિજભૂષણ સિંઘનો દબદબો નહીં રહે તેવાં પણ આડકતરી રીતે વચનો અપાયાં હતાં.

    હવે પછી તેઓ કહે છે કે, “પરંતુ વચનો આપવામાં શું જાય છે! વચનો કે શબ્દોની ક્યાં કોઈ કિંમત હોય છે! બ્રિજભૂષણ નહીં તો તેમના સગા, જ્યારે તેમને રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા તો પહેલવાનો ફરી એક વાર સામે આવ્યા, તેમણે પત્રકાર પરિષદ કરી અને સાક્ષી મલિકે એલાન કર્યું છે કે તેઓ હવે કુશ્તીનો હિસ્સો નહીં રહે.” તેઓ કહે છે કે આ બહુ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે.

    અહીંથી આગળ દેવાંશી આંદોલનની વાત કરે છે અને બ્રિજભૂષણ સિંઘ સામે તપાસ કેમ ન થઈ હતી તેવું પૂછે છે. પછીથી સ્ત્રી દાક્ષિણ્યની વાતો પણ થાય છે. અંતે કહે છે કે, “બ્રિજભૂષણ સિંઘે ફરી એક વખત સાબિત કર્યું છે કે સત્તાની સામે આખી દુનિયા નતમસ્તક હોય છે. તેમનો દબદબો છે, વર્ચસ્વ છે, ક્ષેત્રમાં પ્રભાવ છે અને ભારતીય જનતા પાર્ટી વાળ પણ વાંકો કરી શકવા સક્ષમ નથી અને કદાચ કરવા નથી માંગતી.”

    ‘બનાવવામાં આવ્યા’ કે ‘ચૂંટાયા’?

    હવે મૂળ વાત. દેવાંશી કહે છે કે બ્રિજભૂષણ સિંઘના સગાને WFIના અધ્યક્ષ ‘બનાવવામાં આવ્યા.’ આ સાંભળીને સ્વાભાવિક એવું લાગે કે સરકારે કે પછી ભારતીય જનતા પાર્ટીએ કોઇ ફરફરિયું બહાર પાડીને જે-તે વ્યક્તિની પદ પર નિમણૂક કરી દીધી હશે, જેવી રીતે તેઓ પાર્ટી પદાધિકારીઓની કરે છે. પરંતુ અહીં એવું નથી. 

    WFIના પ્રમુખ પદ (અને અન્ય પદો માટે પણ) રીતસરની ચૂંટણી યોજવામાં આવી હતી. ગુરુવારે (21 ડિસેમ્બર) અગાઉથી નક્કી કાર્યક્રમ અનુસાર ચૂંટણી યોજવામાં આવી. તેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી આવેલા બબ્બે પ્રતિનિધિઓએ મતદાન કર્યું. કુલ 47માંથી સંજય સિંઘને 40 મત મળ્યા અને હરીફ ઉમેદવાર અનિતા શ્યોરાનને (જેમને પહેલવાનોનું સમર્થન હતું) માત્ર 7 મત મળી શક્યા. દેખીતી રીતે સંજય સિંઘ પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા.

    અહીં સંજય સિંઘ ‘ચૂંટાયા’ છે, ‘બનાવવામાં’ નથી આવ્યા. બંને શબ્દોમાં આસમાન-જમીનનો ફેર છે. ઉપરાંત, ‘બ્રિજભૂષણ સિંઘના સગા’ શબ્દપ્રયોગ પણ અયોગ્ય કહેવાય કારણ કે સંજય સિંઘ બ્રિજભૂષણ સિંઘના માત્ર નજીકના વ્યક્તિ કે સાથી છે. જે રીતે મોદી અને શાહ એકબીજાના સાથી છે. શાહ મોદીના કે મોદી શાહના ‘સગા’ ન કહેવાય!

    ભારતીય જનતા પાર્ટી કે સરકાર પણ આ પ્રકારની બોડીના વહીવટમાં ક્યાંય પણ કોઇ પણ પ્રકારે હસ્તક્ષેપ કરતી હોતી નથી. તેનું સંચાલન તેના બંધારણ અને નિયમો અનુસાર કરવામાં આવે છે. જેથી તાજેતરમાં પણ જે ચૂંટણી યોજાઈ તે નિયમાનુસાર જ થઈ હતી. તેમાં કોઇ પાર્ટીનો પણ હાથ હોતો નથી કે સરકારનો પણ નહીં. સંજય સિંઘે ઉમેદવારી કરી હતી, તેમને દેશભરના રાજ્યોનાં એસોશિએશનના પ્રતિનિધિઓના મત મળ્યા અને તેઓ વિજયી બન્યા. અહીં સરકાર કે પાર્ટીના હસ્તક્ષેપની વાત આવતી જ નથી.

    દેવાંશી જોશીના વિડીયોમાં ક્યાંય ચૂંટણીનો ઉલ્લેખ જોવા મળતો નથી. ઓછામાં પૂરું તેઓ ‘બ્રિજભૂષણ સિંઘનો દબદબો છે અને તેમને સાબિત કર્યું કે સત્તાની સામે દુનિયા નતમસ્તક હોય છે, ભાજપ તેમનો વાળ વાંકો કરવા સક્ષમ નથી’ વગેરે વાતો કરીને આડકતરી રીતે ભાજપ પર ઠીકરું ફોડતાં દેખાય છે. આ બધું સાંભળીને સ્વાભાવિક લાગે કે આ બધા પાછળ ભાજપ કે કેન્દ્ર સરકારનો હાથ છે. પરંતુ હકીકત એ છે કે સમગ્ર પ્રક્રિયા લોકતાંત્રિક ઢબે થઈ છે. ચૂંટણી યોજાઈ, તેમાં મતદાન થયું, બે ઉમેદવારો લડ્યા અને એકની જીત થઈ. હવે તેમની સામે પણ વાંધો હોય તો પહેલવાનો ઉઠાવી શકે, તેની ઉપર કોઇ ‘પત્રકાર’ વિડીયો પણ બનાવી શકે. પરંતુ સાચી માહિતી સાથે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં