Tuesday, September 17, 2024
More
    હોમપેજએક્સપ્લેઇનરઆસામના 'મોઈદમ' યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સામેલ: 700 વર્ષ પ્રાચીન માટીના ટેકરા અહોમ...

    આસામના ‘મોઈદમ’ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સામેલ: 700 વર્ષ પ્રાચીન માટીના ટેકરા અહોમ રાજાઓનાં છે સમાધિસ્થળ; ‘ભારતનાં પિરામિડ’ તરીકે ઓળખાય છે આ ધરોહર

    અહોમ ભારતમાં સૌથી વધુ સમય સુધી શાસન કરનારા રાજવંશો પૈકીનો એક છે. તેમનું સામ્રાજ્ય આધુનિક બાંગ્લાદેશથી લઈને બર્માના પશ્ચિમી તટ સુધી ફેલાયેલું હતું. અહોમ લોકો મૂળ રીતે હિંદુ ધર્મમાં માનતા હતા અને પોતાને સવાયા હિંદુ ગણતાં હતા. તેઓ પહેલાંથી જ માનતા હતા કે, તેમના પૂર્વજો મહાન આર્યો હતા.

    - Advertisement -

    આસામમાં અહોમ શાસકોને તેમની પ્રિય વસ્તુઓ સાથે ટેકરા જેવી રચનામાં સમાધિ આપવાની પ્રણાલીને શુક્રવારે (26 જુલાઈ) યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટ (UNESCO World Heritage List)માં સામેલ કરવામાં આવી છે. અહોમ રાજાઓના આ સમાધિસ્થળને ‘અહોમ મોઈદમ’ કે ‘મૈદામ’ તરીકે ઓળખવામાં આવે છે. પૂર્વોત્તરમાં પ્રથમવાર કોઈ ધરોહરને યુનેસ્કોની આ યાદીમાં સ્થાન મળ્યું છે. આસામના ચરાઈદેવ જિલ્લામાં સ્થિત અહોમ યુગના આ મોઈદમને ‘ભારતનાં પિરામિડ’ તરીકે ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સલાહકાર સંસ્થા ICOMOS દ્વારા મોઈદમને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવા માટેની ભલામણ કરવામાં આવી હતી.

    ઇન્ટરનેશલ કાઉન્સિલ ઓન મોનયુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ (ICOMOS) દ્વારા રિપોર્ટ ‘ઇવેલ્યુએશન ઓફ નોમિનેશન ઓફ કલ્ચરલ એન્ડ મિક્સ્ડ પ્રોપર્ટીઝ’ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ નવી દિલ્હીમાં ચાલી રહેલા વર્લ્ડ હેરિટેજ કમિટી (WHC)ના 46મા સત્રમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ સત્રમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે, આસામના મોઈદમને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવશે. આ સાથે જ ‘મોઈદમ’ આ યાદીમાં સ્થાન મેળવનારી ઉત્તર-પૂર્વ ભારતની પ્રથમ સાંસ્કૃતિક ધરોહર બની છે.

    આ સ્થળને યુનેસ્કોની લિસ્ટમાં સામેલ કરવા માટે ભારત સરકાર દ્વારા પણ ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા. ભારતે 2023-24 માટે યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં કોઈ એક સ્થળને સામેલ કરવા માટે ‘મોઈદમ’નું નામ આગળ કર્યું હતું. ‘મોઈદમ’ અહોમ સામ્રાજ્યના તમામ રાજાઓ અને શાસકો માટે એક સન્માન તરીકે જોવામાં આવે છે. અહીં તાઈ-અહોમ સામ્રાજ્યના શાસકોને સમાધિ આપવામાં આવી હતી. તેથી ઐતિહાસિક દ્રષ્ટિએ તેનું ઘણું મહત્વ માનવામાં આવે છે.

    - Advertisement -

    સ્વર્ગના દેવતાઓનું પવિત્ર સ્થળ એટલે ‘મોઈદમ’

    મોઈદમ એટલે સામાન્ય રીતે અહોમ રાજાઓ-રાણીઓ અને ધનીકોનું સમાધિસ્થળ. મોઈદમ શબ્દ તાઈ શબ્દ ફ્રાંગ-માઈ-ડેમ અથવા માઈ-ટેમમાંથી લેવામાં આવ્યો છે. ફ્રાંગ-માઈનો અર્થ થાય છે કબરમાં નાખવું કે દફનાવવું અને ડેમનો અર્થ થાય છે- મૃતકની આત્મા. સામાન્ય રીતે અહીં અહોમ શાસકો અને તેના પવિવારના શાહી સભ્યોને સમાધિ આપવામાં આવતી હતી. તે સમાધિ પર પિરામિડ આકારના માટીના ટેકરા કરવામાં આવતા હતા. જેને મોઈદમ તરીકે ઓળખવામાં આવતા હતા. જોકે, મોઈદમ આસામના ઉપરી વિભાગના લગભગ દરેક જિલ્લાઓમાં જોવા મળે છે. પરંતુ, અહોમ સામ્રાજ્યની પહેલી રાજધાની ચરાઈદેવ લગભગ તમામ અહોમ રાજાઓના સમાધિસ્થળ તરીકે ઓળખવામાં આવે છે.

    ચરાઈદેવ શિવસાગરથી લગભગ 28 કિમીના અંતરે આવેલું શહેર છે. અહોમ સામ્રાજ્યના પ્રથમ શાસક રાજા ચૌ-લુંગ સિઉ-કા-ફાને તેમના મૃત્યુ પછી ચરાઈદેવમાં સમાધિ આપવામાં આવી હતી. જેમાં તમામ તાઈ-અહોમ ધાર્મિક સંસ્કારો અને અનુષ્ઠાન કરવામાં આવ્યા હતા. થોડાઘણા અંશે તેમાં હિંદુ રિવાજો અને પરંપરાનું મિશ્રણ પણ જોવા મળ્યું હતું. ઇતિહાસકારો નોંધે છે કે, પ્રારંભિક અહોમ રાજાઓ હિંદુ ધર્મથી આકર્ષિત હતા. જોકે, સમયાંતરે તેઓ સવાયા હિંદુ બની ગયા હતા.

    અહોમ સામ્રાજ્યના પ્રથમ શાસક રાજા ચૌ-લુંગ સિઉ-કા-ફાની સમાધિ બાદ અહીં તમામ રાજાઓ અને શાહી પરિવારના સભ્યોને સમાધિ આપવામાં આવતી હતી. તેથી આ સ્થળને પ્રજા પવિત્ર સ્થળ તરીકે ઓળખતી હતી. તાઈ-અહોમ લોકો પોતાના રાજાને ‘ઈશ્વર’ અથવા તો ‘ઈશ્વરના પ્રતિનિધિ’ તરીકે માનતી હતી. પ્રજા સામાન્ય રીતે અહોમ શાસકને સ્વર્ગના દેવતા તરીકે પૂજતી હતી. તેથી મોઈદમને આજે પણ સ્વર્ગના દેવતાઓનું પવિત્ર સ્થળ ગણવામાં આવે છે. તેનો ઇતિહાસ લગભગ 700 વર્ષ કરતાં પણ પ્રાચીન છે.

    મધ્યયુગીન વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો છે ‘મોઈદમ’

    આસામમાં સ્થિત અહોમ મોઈદમનું ક્ષેત્રફળ 95.02 હેક્ટર છે અને તેનો બફર ઝોન 754.511 હેક્ટર છે. ચરાઈદેવના મોઈદમની ભીતર લગભગ 90 સંરચનાઓ હાલ પણ મોજૂદ છે. જે અહોમ શાસકોના સમાધિસ્થળ તરીકે ઓળખવામાં આવે છે. આ સંરચનાનો ઊંચાણ ધરાવતા વિસ્તારમાં છે. તેને ઈંટ, પથ્થર અથવા માટીથી બનેલા ખોખલા માટીના ટેકરા જેવી બનાવવામાં આવી છે. તેમાં એક અષ્ટકોણ દીવાલના કેન્દ્રમાં એક મંદિર પણ બનાવવામાં આવતું હતું. આ સંરચનાઓ મધ્યકાલીન યુગના આસામના કલાકારોની ઉન્નત વાસ્તુકલાનો જીવંત નમૂનો છે. આ ટેકરાઓ તેની બનાવટ માટે ખૂબ ખાસ માનવામાં આવે છે.

    આ ટેકરા લગભગ આસામના ઉપરી જિલ્લાઓમાં જોવા મળે છે. પણ ચરાઈદેવમાં ખાસ કરીને તમામ અહોમ રાજાઓને સમાધિ આપી હોવાનું કહેવાય છે. તેથી તે સ્થળ વિશેષ બની રહ્યું છે. આ સ્થળને આજે પણ આસામી લોકો પવિત્ર માને છે. દરેક મોઈદમમાં ત્રણ ભાગ હોય છે. પહેલો એક રૂમ અથવા તો વૉલ્ટ (એકથી વધુ રૂમ પણ હોય શકે છે.), જેમાં મૃતદેહને રાખવામાં આવે છે. બીજો, રૂમને ઢાંકવા માટે બનાવવામાં આવતો અર્ધગોળાકાર ટેકરો અને ત્રીજો તે ટેકરાના મથાળે ઈંટોની સંરચના કરવામાં આવે છે તે, તેને ‘ચાવ ચાલી’ કહેવામાં આવે છે. આ રીતે મોઈદમ ઇજિપ્શિયલ પિરામિડની સંરચનાથી ઘણા મળતા આવે છે. તેથી જ તેને ભારતના પિરામિડ કહેવામાં આવે છે. મોઈદમનો આકાર ટેકરાથી લઈને મોટા પહાડ જેટલો પણ હોય શકે છે.

    પૂર્વજોને પૂજનારી પ્રજા હતી તાઈ-અહોમ

    1228 અને 1826 વચ્ચે લગભગ 600 વર્ષ સુધી આસામ પર તાઈ-અહોમ રાજવંશનું શાસન હતું. ચરાઈદેવ તેની રાજધાની હતી. તાઈ-અહોમ પ્રજા પૂર્વજોની ઉપાસક છે. ચરાઈદેવ તેમના સ્વર્ગના દેવતાઓ (રાજા, જે ભગવાન જેવા છે) અને પૂર્વજોનું અંતિમ વિશ્રામસ્થળ છે. આ પ્રજા ખાસ કરીને પોતાના પૂર્વજો કે શાસકોને પ્રિય વસ્તુઓ સાથે સમાધિ આપતા હતા. જેમાં ઘણીવાર હીરા, મોતી, ઝવેરાત વગેરે સાથે સમાધિ આપવામાં આવતી હતી. મોટાભાગે કિંમતી ચીજવસ્તુઓ, કપડાં, આભૂષણો અને હથિયારો સાથે શાહી અહોમ શાસકોને સમાધિ આપવામાં આવતી હતી. 18મી સદી બાદ અહોમ શાસકો સંપૂર્ણપણે હિંદુ ધર્મના ઉપાસક બની ગયા હતા. તેથી ત્યારબાદ તેમણે અગ્નિસંસ્કારની પદ્ધતિને અપનાવી હતી. આ પ્રથા બાદ ચરાઈદેવમાં અહોમ રાજાઓની અસ્થિઓને દફનાવવામાં આવતી હતી. હાલ પણ આસામ કે દેશના અન્ય ભાગોમાં હિંદુ પૂજારીઓ કે બ્રાહ્મણ જાતિઓમાં સમાધિની પદ્ધતિ જોવા મળે છે.

    કોણ છે અહોમ?

    અહોમ ભારતમાં સૌથી વધુ સમય સુધી શાસન કરનારા રાજવંશો પૈકીનો એક છે. તેમનું સામ્રાજ્ય આધુનિક બાંગ્લાદેશથી લઈને બર્માના પશ્ચિમી તટ સુધી ફેલાયેલું હતું. અહોમ લોકો મૂળ રીતે હિંદુ ધર્મમાં માનતા હતા અને પોતાને સવાયા હિંદુ ગણતાં હતા. તેઓ પહેલાંથી જ માનતા હતા કે, તેમના પૂર્વજો મહાન આર્યો હતા. ઇતિહાસકાર અરૂપ કુમાર સ્ટાફે પોતાની પુસ્તક ‘ધ અહોમ્સ’માં આ વિશે ઘણી માહિતી આપી છે. તેમના અનુસાર, અહોમ શાસનના કારણે અસમિયા જાતિ એક થઈ હતી અને વિદેશી મુઘલો સાથે બાથ ભીડવા માટે સક્ષમ થઈ હતી. મુઘલોને હરાવીને અહોમ સામ્રાજ્યની સત્તાવાર જાહેરાત અહોમ સેનાપતિ અને મહાન યોદ્ધા લચિત બોરફૂકને કરી હતી. અહોમ જનરલ બોરફૂકનને આસામની વીરતા અને ગૌરવના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. સાથે તેમને ‘પૂર્વોત્તરના શિવાજી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે પણ આસામના લોકો તેમને ભગવાનની જેમ પૂજે છે.

    અહોમ સામ્રાજ્યના કેન્દ્રમાં આજે પણ સેનાપતિ લચિત બોરફૂકનને યાદ કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં જે રીતે છત્રપતિ શિવાજી મહારાજનું પૂજન કરવામાં આવે છે. તેવી જ રીતે આસામમાં અહોમ સામ્રાજ્યના સેનાપતિ લચિત બોરફૂકનનું પૂજન કરવામાં આવે છે. તેમની વીરતા અને સાહસની આજે પણ મિસાલ આપવામાં આવે છે. તેમને 1671ના સરાઈઘાટના યુદ્ધમાં ‘અદમ્ય સાહસની મૂર્તિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1671માં બીમાર હોવા છતાં લચિત સરાઈઘાટના યુદ્ધમાં મુઘલો વિરુદ્ધ મક્કમતાથી લડ્યા હતા. સરાઈઘાટના આ ઐતિહાસિક યુદ્ધમાં પરાજય બાદ ક્યારેય મુઘલોએ આસામ તરફ મીટ માંડવાની હિંમત પણ નહોતી કરી. વીરતા, પવિત્રતા અને રાજ્ય પ્રત્યેની વફાદારીના કારણે તેમને ‘પૂર્વોત્તરના શિવાજી’ તરીકે પણ ઓળખવામાં આવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં