ભારત દેશ વિવિધતા ધરાવતો દેશ છે, જેના કારણે મોટાભાગે દેશમાં કોઈને કોઈ ઉત્સવ ઉજવાતો જ હોય છે. પરંતું દેશનો સૌથી મોટો તહેવાર છે દિવાળી. દિવાળી તેની સાથે ઘણા તહેવારોને લઈને આવે છે. આ એક તહેવાર એવો છે જે સમગ્ર દેશમાં ખૂબ ધામધૂમથી ઉજવાતો હોય છે. આમ તો આસો વદ અમાસને દિવસે દિવાળી ઉજવાય છે, પરંતુ આસો વદ બારસ એટલે કે વાક્બારસથી જ તહેવારો શરૂ થઈ જાય છે. દિવાળીના ઉત્સવનો છેલ્લો દિવસ એટલે કે ભાઈબીજ. ભાઈબીજ કારતક સુદ બીજ એટલે કે ગુજરાતી નવ વર્ષના બીજા દિવસે ઉજવવામાં આવે છે.
ભાઈબીજને યમદ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ ભાઈ-બહેનના પવિત્ર સ્નેહનો તહેવાર છે. આ દિવસે ભાઈ-બહેનના સંબંધની ઘનિષ્ઠતા અને પ્રેમની ઉજવણી વિવિધ પરંપરાઓ અને રીત-રિવાજો દ્વારા કરવામાં આવે છે. આ ઉત્સવ ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ગોવા, પશ્ચિમ બંગાળ અને કર્ણાટક જેવા રાજ્યોમાં ધામધૂમથી ઉજવાય છે. ગુજરાતમાં આ તહેવારની ઉજવણી અનોખી રીતે થાય છે, જેમાં બહેનો પોતાના ભાઈને ઘરે આમંત્રિત કરીને ભોજન પીરસે છે અને વિવિધ ધાર્મિક વિધિઓ નિભાવે છે.
ભાઈબીજની પૌરાણિક માન્યતા
ભાઈબીજની ઉજવણી પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે, જે યમરાજ અને તેમની બહેન યમુના સાથે સંબંધિત છે. વિષ્ણુ પુરાણ અનુસાર એવું માનવામાં આવે છે કે કારતક માસના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિએ યમરાજ તેમની બહેન યમુનાના ઘરે ભોજન માટે ગયા હતા. યમુનાજીએ તેમનું હૃદયપૂર્વક આતિથ્ય કર્યું, જેનાથી પ્રસન્ન થઈને યમરાજે તેમને બે વરદાન માંગવા કહ્યું.
યમુનાજીએ પહેલું વરદાન એ માંગ્યું કે દર વર્ષે આ દિવસે દરેક ભાઈ પોતાની બહેનના ઘરે ભોજન માટે જશે અને આ દિવસ ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક તરીકે ઉજવાશે. બીજું વરદાન એ માંગ્યું કે આ દિવસે કોઈ ભાઈનું અકાળે મૃત્યુ ન થાય અને જે ભાઈ આ દિવસે બહેનના ઘરે ભોજન કરે તેને ક્યારેય નરકનો માર્ગ ન જોવો પડે. યમરાજે યમુનાને આ બંને વરદાન આપ્યાં અને ત્યારથી આ દિવસ યમ દ્વિતીયા અથવા ભાઈ બીજ તરીકે ઉજવાય છે.
હિંદુ અનુષ્ઠાનો તેમજ તહેવારો માટેના પ્રમુખ સંદર્ભગ્રંથ વ્રતરાજમાં કહેવાયું છે કે,
“यमद्वितीयां यः प्राप्य भगिनीगृहभोजनम्।
न कुर्याद्वर्षजं पुण्यं नश्यतीति रवेः श्रुतम्।।
या तु भोजयते नारी भ्रातरं युग्मके तिथौ।
अर्चयेच्चापि ताम्बूलैर्न सा वैधव्यमाप्नुयात्।।
भ्रातुरायुःक्षयो नूनं न भवेत्तत्र कर्हिचित्।”
અર્થાત, ‘જે માણસ યમદ્વિતીયાને દિવસે બહેનને ઘેર ભોજન નથી કરતો તેનું વર્ષમાં કરેલું સઘળું પુણ્ય નાશ પામે છે. જે સ્ત્રી યમદ્વિતીયાને દિવસે ભાઈને તાંબૂલ વગેરેથી પ્રસન્ન કરે છે તે વિધવા થતી નથી અને ક્યારેય તેના ભાઈનો આયુ ક્ષય થતો નથી.
આ જ પુસ્તકમાં ઉલ્લેખ છે કે ભાઈનું આયુષ્ય વધે તે માટે બહેને વિધિપૂર્વક યમરાજની પૂજા કરવી અને કહેવું કે
“मार्कण्डेयो बलिर्व्यासो हनुमांश्च विभीषणः।
कृपो द्रौणिः परशुरामः एतेऽष्टौ चिरजीविनः।।
मार्कण्डेय महाभाग सप्तकल्पान्तजीवन।
चिरञ्जीवी यथा त्वं हि तथा मे भ्रातरं कुरु।।”
‘માર્કંડેય, બલિ, વેદવ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય, અશ્વત્થામાં પરશુરામ એ આઠ ચિરંજીવી છે. હે માર્કંડેય! હે મહાભાગ! હે સાત કલ્પ જીવનાર! જેમ આપ ચિરંજીવી છો, તેમ જ મારા ભાઈને ચિરંજીવી કરો’ (શાસ્ત્રો અનુસાર 7 ચિરંજીવીઓ છે જેમાં માર્કંડેયનો સમાવેશ થતો નથી, પરંતુ કેટલીક પૌરાણિક કથાઓમાં માર્કંડેયનો પણ ઉલ્લેખ છે. માર્કંડેય એક ઋષિ હતા જેમણે યમના મૃત્યુથી બચવા માટે શિવલિંગને વળગી રહીને ભગવાન શિવ પાસેથી અમરત્વ પ્રાપ્ત કર્યું હતું.)
પોતાનો ભાઈ ઉન્નતિના શિખરોને સર કરે એવી મંગલ કામના સાથે બહેન ભાઈ પર હંમેશા આશિષ વરસાવતી હોય છે. એક બહેન હંમેશા એક કર્તુત્વશીલ ભાઈની ઝંખના રાખતી હોય છે. તેથી જ તે ભાઈબીજના દિવસે ભાઈનું પૂજન કરે છે. કારણ કે બીજનો ચંદ્ર કર્તૃત્વનું પ્રતીક છે. પોતાનો ભાઈ બીજના ચંદ્ર જેવો કર્મયોગી બને એવી બહેનની અભિલાષા હોય છે.
સંસ્કૃતિ પૂજન પુસ્તક અનુસાર, રામાયણમાં એક પ્રસંગ છે, જેમાં રાવણ સીતાને રામ અને પોતાનામાં રહેલો તફાવત પૂછે છે. સીતા કહે છે કે, ‘તું પૂનમનો ચંદ્ર છે, જ્યારે રામ બીજના ચંદ્ર છે’. અર્થાત આવતીકાલથી તારા ક્ષયના દહાડા શરૂ થવાના છે, જ્યારે રામની જીવનકલા ઉત્તરોત્તર વિકસતી જવાની છે.
ઉલ્લેખનીય છે કે હિંદુ પંચાગ અનુસાર શુક્લ પક્ષમાં ચંદ્રની કળાઓ ખીલતી હોય છે, જ્યારે કૃષ્ણ પક્ષમાં આ કળાઓ ઓછી થતી હોય છે અને ધીમે ધીમે અમાસના દિવસે ચંદ્ર દેખાતો નથી. પરંતુ બીજા દિવસે ફરીથી શુક્લ પક્ષ થતા તે દેખાવા લાગે છે અને સુદ બીજથી તે ફરીથી ખીલવાની શરૂઆત કરે છે. એ જ રીતે બીજનો ચંદ્ર બાળકોને આનંદ આપે છે, યુવાનોને કર્મયોગની પ્રેરણા આપે છે, વૃદ્ધોને નવજીવનનો સંદેશ સંભળાવે છે, વેપારીઓને માર્ગદર્શન આપે છે, શ્રીમંતોને ઔદાર્યનો મહિમા સમજાવે છે, તેમજ ભાઈ-બહેનના ભાવજીવનને પુષ્ટ કરે છે.
બીજનો ચંદ્ર ત્યાગનો મહિમા સમજાવે છે, કર્તુત્વ સમજાવે છે, ખીલતા શીખવે છે, પુરુષાર્થનું પ્રતિક છે અને જીવનની શોભા છે. તેથી જ ભાઈબીજના દિવસે પોતાનો ભાઈ ઉપર્યુક્ત બધા ગુણોથી અલંકૃત બને એવી મંગલ કામના સાથે પ્રત્યેક બહેન પોતાના ભાઈનું ભાવપૂજન કરતી હોય છે.
યમ અને યમી સાથે જોડાયેલ ઋગ્વેદમાં ઉલ્લેખિત કથા
યમ અને તેમની બહેન યમી સાથે જોડાયેલ અન્ય એક પૌરાણિક કથાનો ઉલ્લેખ સૌથી જૂના ગ્રંથ ઋગ્વેદમાં પણ જોવા મળે છે. અહીં એ ઉલ્લેખનીય છે કે યમને ધર્મ પણ કહેવામાં આવે છે, તેનું કારણ છે કે તે માનવીય સંબંધો વચ્ચે મર્યાદા સ્થાપિત કરનારા દેવ ગણાય છે. આ બાબત ભાઈબીજની પૌરાણિક કથામાં દ્રશ્યમાન થાય છે. આ ઘટનાનું વર્ણન ઋગ્વેદના દશમ મંડળના સંવાદ સૂક્તમાં કરવામાં આવ્યું છે. આ જ સંવાદ સૂક્તમાં યમ અને તેમની બહેન યમુના (યમી) વચ્ચે થતી વાતચીત નોંધાઈ છે.”
જે અનુસાર યમરાજ યમીના ઘર જાય છે. યમીએ આ પહેલાં ક્યારેય યમને જોયા નથી હોતા તેથી તે યમને પ્રેમી માનીને પ્રેમનો પ્રસ્તાવ મૂકે છે, પરંતુ યમ તેમને કહે છે કે બંને એક જ પિતા વિવસ્વાન એટલે સૂર્ય અને માતા સંધ્યાના સંતાન છે, તેથી આ અયોગ્ય છે. યમી નિરાશ થઈને પશ્ચાત્તાપ કરે છે. આ સિવાય પણ પુરાણોમાં યમ અને યમુના કે યમી સાથેની ઘણી કથાઓ જોડાયેલી છે. જે ભાઈબીજના ઉત્સવને પ્રતિબિંબિત કરે છે. પૌરાણિક કાળથી ચાલતો આવતો આ ઉત્સવ દેશના વિવિધ સ્થાનો પર વિવિધ રીતે ઉજવાતો હોય છે.
ભાઈબીજની ઉજવણીની રીતો
ગુજરાતમાં ભાઈ બીજની ઉજવણીનો મુખ્ય ભાગ એ છે કે બહેનો પોતાના ભાઈને ઘરે ભોજન માટે આમંત્રિત કરે છે. આ આમંત્રણ એક રીતે બહેનના હૃદયમાં ભાઈ પ્રત્યેના આદર અને સ્નેહનું પ્રતિબિંબ છે. આ વિધિમાં બહેન એક થાળીમાં ચંદન, કંકુ, અક્ષત (ચોખા), ફૂલ અને મીઠાઈ રાખે છે. તે ભાઈના કપાળે તિલક લગાવે છે અને તેની આરતી ઉતારે છે. આ વિધિ દ્વારા બહેન ભાઈને આશિષ આપે છે અને ભાઈ તેના બદલામાં બહેન પ્રત્યે પોતાનો પ્રેમ અને આદર વ્યક્ત કરે છે.
ભાઈબીજના દિવસે બહેનો દ્વારા ભાઈને પીરસવામાં આવતું ભોજન ખૂબ જ મહત્વ ધરાવે છે. ગુજરાતમાં આ દિવસે ખીચડી, કઢી, શાક અને રોટલા જેવી સાત્વિક વાનગીઓ બનાવવામાં આવે છે. આનું એક વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક કારણ છે. દિવાળી અને નવવર્ષના દિવસોમાં લોકો ઘણી માત્રામાં મીઠાઈઓ, તળેલું ભોજન અને ભારે ખોરાક ખાય છે, જેના કારણે શરીરમાં વાત, પિત્ત અને કફનું સંતુલન ખોરવાઈ શકે છે. આ કારણસર ભાઈ બીજના દિવસે સાત્વિક અને સરળ ભોજન પીરસવામાં આવે છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ખીચડી અને કઢી જેવી વાનગીઓ સરળતાથી પચે છે અને શરીરને શાંતિ આપે છે.
એવું કહેવાય છે કે જો કોઈ કારણસર ભાઈ આ દિવસે બહેનના ઘરે ભોજન માટે જઈ ન શકે, તો તેણે ભાઈ બીજની કથાનું શ્રવણ કરવું જોઈએ. આ કથામાં યમરાજ અને યમુનાની વાર્તા સાંભળવામાં આવે છે, જે આ તહેવારના મહત્વ અને આધ્યાત્મિક પાસાને સમજાવે છે. આવું કરવાથી ભાઈને બહેનના ઘરે ભોજન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ વિધિ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં લોકપ્રિય છે, જ્યાં લોકો પૌરાણિક કથાઓનું શ્રવણ કરીને આ તહેવારની ઉજવણી કરે છે.

આજના આધુનિક યુગમાં ભાઈબીજની ઉજવણીમાં પણ ઘણો ફેરફાર જોવા મળે છે. ઘણા ભાઈ-બહેન દૂર-દૂર રહેતા હોવાથી એકબીજાને મળી શકતા નથી. આવા સંજોગોમાં ઓનલાઈન ભેટો, શુભેચ્છા સંદેશ, વિડીયો કોલ અને સોશિયલ મીડિયા દ્વારા આ તહેવાર ઉજવવામાં આવે છે. આધુનિક રીતે ઉજવણી થવા છતાં આ તહેવારનો મૂળ ભાવ એ જ છે કે ભાઈ-બહેનનો પ્રેમ અને એકબીજા પ્રત્યેનો આદર જળવાઈ રહે.
ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં પણ સનાતન સંસ્કૃતિમાં શ્રદ્ધા ધરાવનાર લોકો દીકરીની સાસરીમાં જમવા-રહેવામાં ક્ષોભ અનુભવતા હોય છે. એનું કારણ છે કે દીકરીની સાસરીમાં, સંસારમાં પોતાના કારણે કોઈ અડચણ ઉભી ન થાય. આ કારણસર મોટાભાગે લોકો દીકરીની સાસરીમાં જવાનું ટાળતા હોય છે. ત્યારે આ ભાઈબીજનો આ ઉત્સવ એક ભાઈને એની બહેનને મળવાનો અવસર પ્રદાન કરે છે.
ભાઈબીજની ઉજવણી દરમિયાન ભાઈ-બહેન એકબીજા સાથે સમય વિતાવે છે, જૂની યાદોને તાજી કરે છે અને સંબંધોને વધુ ગાઢ બનાવે છે. આ દિવસે ઘરમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ હોય છે. બહેનો દ્વારા ભાઈનું સ્વાગત, તિલક વિધિ અને ભોજનની પરંપરા આ તહેવારને એક પારિવારિક ઉજવણીનું સ્વરૂપ આપે છે. આ ઉપરાંત, આ તહેવાર ભારતીય સંસ્કૃતિમાં પરિવારના મહત્વ અને સ્નેહના બંધનોને દર્શાવે છે.
સંદર્ભ ગ્રંથ: સંસ્કૃતિ પૂજન


