Wednesday, November 6, 2024
More
    હોમપેજસ્પેશ્યલઉત્સવોના રંગોમાં રંગાયુ ભારત, દિવાળીની થઈ શરૂઆત: જાણો આ દરેક તહેવારનું શું...

    ઉત્સવોના રંગોમાં રંગાયુ ભારત, દિવાળીની થઈ શરૂઆત: જાણો આ દરેક તહેવારનું શું છે મહત્વ, શા માટે દિવાળીના ઉત્સવો હોય છે ખાસ

    વાઘ બારસના દિવસે આદિવાસીઓ વાઘની પ્રતીકાત્મક પૂજા કરે છે. ધન તેરસના દિવસે માતા લક્ષ્મીનું તથા પુસ્તકોનું પૂજન થાય છે. કાળી ચૌદશ તંત્રવિદ્યા સાથે જોડાયેલા લોકો માટે છે, તે દિવસે મહાકાળી પૂજન થાય છે. તેમજ પ્રભુ શ્રીરામના અયોધ્યા આગમનની ખુશીમાં દિવાળી ઉજવાય છે. ભાઈ-બહેનના પવિત્ર પ્રેમને સમર્પિત છે ભાઈબીજ. લાભ પાંચમ પર ગણેશ, લક્ષ્મી, સરસ્વતી પૂજનનું અનેરું છે મહત્વ.

    - Advertisement -

    ભારત તહેવારોના દેશ તરીએ ઓળખાય છે. એમાં પણ અલગ-અલગ પ્રદેશોમાં થતી વિવિધ તહેવારોની ઉજવણી આપણું ધ્યાન આકર્ષિત કરે છે. અમુક તહેવારો એવા હોય છે જે દેશભરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. તેમાંનો એક તહેવાર છે દિવાળી. દિવાળીનો તહેવાર ક્યારેય એકલો નથી આવતો, તે તેની સાથે અનેક તહેવારોની હારમાળા લઈને આવે છે. એમ જોવા જઈએ તો શ્રાવણ મહિનાની શરૂઆતથી જ તહેવારોનો ધમધમાટ શરૂ થઈ જાય છે પણ તેમાં પણ દિવાળીના તહેવારોનું મહત્વ અનેરું છે.

    વાઘ બારસથી શરૂ થતા દિવાળીના તહેવારો છેક લાભ પાંચમે આવીને પૂર્ણ થાય છે. એમાં પણ વિવિધ પ્રદેશોમાં ઓછા-વત્તા પ્રમાણમાં ભિન્નતા જોવા મળે છે. જેમ કે દેશભરમાં લાભ પાંચમે દિવાળી તહેવારો પૂર્ણ થાય છે પણ ગુજરાતમાં દેવ દિવાળી છેલ્લો તહેવાર ગણાય છે. જેને દેવોત્થાન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો દર વખતની જેમ આ વખતે પણ સનાતન પરંપરામાં આવતા તહેવારો શા માટે ઉજવાય છે એ વિશેની માહિતી આપવાનો અમે એક નાનકડો પ્રયાસ કર્યો છે. તો આપણે પ્રથમ વાઘ બારસથી શરૂઆત કરી લાભ પાંચમ સુધીના તમામ દિવાળીના તહેવારોનું મહત્વ જાણીશું.

    વાઘ બારસનું મહત્વ

    સનાતન પરંપરામાં આવતા તહેવારોની એક ખાસ વિશેષતા હોય છે, તે તમામ તહેવારો પ્રકૃતિ સાથે સંકળાયેલા છે. એ ઉપરાંત તેમાં વૈજ્ઞાનિક અભિગમ પણ ભરપૂર જોવા મળે છે. આવા તહેવારોની હારમાળા સનાતન ધર્મને અન્ય પંથો કરતા અલગ અને વિશેષ બનાવે છે.

    - Advertisement -

    આસો મહિનાની શુક્લપક્ષની બારસના દિવસથી જ દિવાળીના દિવસોની શરૂઆત થાય છે. જેને આપણે વાઘ બારસ તરીકે ઓળખીએ છીએ. વાઘ બારસના દિવસે જ ગુજરાતના વેપારીઓ પોતાના તમામ કામો આટોપી લે છે. વર્ષ આખાના જૂની લેવડદેવડના બધા ચોપડાના હિસાબો તેઓ આ દિવસે પતાવે છે. આ ઉપરાંત તેઓ આગામી ત્રણ દિવસ સુધી કોઈપણ નાણાકીય લેવડ-દેવડ કરતા નથી. વાઘ બારસ આમ જોવા જઈએ તો હિંદુ સમાજના આદિવાસીઓ માટે ખૂબ મહત્વ ધરાવે છે. વાઘ બારસના દિવસે વનવાસી લોકો વાઘને દેવ માની તેનું પ્રતિકાત્મક પૂજન કરે છે. આપણી પરંપરા એટલી સહિષ્ણુ અને શુદ્ધ છે કે આપણે હિંસક પ્રાણીઓની પણ પૂજા કરીએ છીએ. વાઘ બારસને દિવાળીના તહેવારોનું પ્રથમ પગથિયું પણ ગણવામાં આવે છે.

    વાઘ સામર્થ્યનું પ્રતીક છે. મનુષ્યે નૂતન વર્ષના નૂતન પ્રારંભ માટે સમર્થ થવાનું છે, પરાક્રમી થવાનું છે, જોખમ ખેડવાનું છે, સ્થૂળ પ્રાપ્તિ માટે પણ આ ગુણો જરૂરી છે. પરંતુ આંતરસમૃદ્ધિ વધારવા માટે તો ઘણા વધારે સમર્થ, પરાક્રમી થવું જરૂરી છે, એ માર્ગ આસાન નથી, એટલે જોખમ ખેડવાનું છે. એવા સામર્થ્યની ઉપાસના કરવાનું પર્વ એટલે વાઘ બારસ. વાઘ બારસને વાક બારસ, વાઘ બારસ, ગૌવત્સ દ્વાદશી અથવા વસુ બારસ વગેરે નામોથી ઓળખવામાં આવે છે. આ દિવસે સરસ્વતી દેવીની આરાધના કરવાનો પણ મહિમા છે. વાક એટલે કે વાણી. તેથી આ દિવસે વાણી અને સંગીતની દેવી સરસ્વતીનું પૂજન કરવાનું ઘણું મહત્વ મનાય છે.

    ગૌવંશ પૂજન (ફોટો: Gujaratraj)

    આ ઉપરાંત વાઘ બારસને ‘ગૌવત્સ દ્વાદશી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૌરાણિક માન્યતા એવી છે કે બારસના દિવસે જ ક્ષીર સાગરમાંથી ગૌમાતા ઉત્પન્ન થયા હતા. વૈદિક પરંપરા અનુસાર ગૌવંશમાં 33 કોટી (કરોડ નહીં) દેવતાઓનો વાસ હોય છે. આ કારણે હિંદુઓ આ દિવસે ગૌમાતા અને ગૌવંશ તરીકે વાછરડાની પૂજા કરે છે.

    ધનતેરસ માતા લક્ષ્મી, ધનના અધિપતિ કુબેર અને ભગવાન ધન્વંતરીને સમર્પિત

    દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની તેરસની તિથિએ ધનતેરસ ઉજવવામાં આવે છે. તેરસ પર પ્રદોષ વ્રત પણ રાખવામાં આવે છે. ધનતેરસના દિવસે લોકો સોનુ, ચાંદી, આભૂષણ, મકાન, વાહન વગેરે ખરીદે છે. ધનતેરસ પર માતા લક્ષ્મી અને ધનના અધિપતિ કુબેરની પૂજા કરવામાં આવે છે, જેનાથી વર્ષમાં ધનનું સંકટ ન થાય અને આર્થિક સ્થિતિ મજબૂત રહે. વિષ્ણુ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે આ દિવસે જ સમુદ્રમંથનમાંથી કમલાસની દેવી લક્ષ્મીની ઉત્પત્તિ થઈ હતી અને સાથે જ વૈદ્ય ધન્વંતરી પણ અવતર્યા હતા. આ ઉપરાંત આધ્યાત્મિક દ્રષ્ટિએ ધનને ભૌતિક ધન નહિ પણ જ્ઞાનરૂપી ધન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ દિવસે જ્ઞાનરૂપી પુસ્તકોની પૂજા કરવાની પરંપરા છે. જે સમય જતાં ચોપડા પૂજનમાં પરિવર્તિત થઈ છે.

    ભારત પાસે દુનિયાના ઉન્નત ગ્રંથોનો ભવ્ય વારસો છે. ઘણા વૈજ્ઞાનિકોએ એવું પણ કહ્યું છે કે અમુક પંથ અને મઝહબમાં ધર્મ અને વિજ્ઞાન એકબીજાની વિરુદ્ધ હોય છે, જ્યારે ભારતમાં ધર્મગ્રંથોમાંથી જ વિજ્ઞાનનો જન્મ થાય છે. ખાસ એ માટે જ ઋષિ પરંપરામાં પુસ્તક પૂજનની પરંપરા અસ્તિત્વમાં હતી. જે આજે અમુક ગુરુકુળમાં જ જોવા મળી રહી છે.

    ધાર્મિક માન્યતાઓ અનુસાર ધનતેરસના દિવસે સોનું, પિત્તળના વાસણો વગેરે ખરીદવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. દેવતાઓના વૈદ્ય અને આયુર્વેદના પ્રણેતા ભગવાન ધન્વંતરીનો જન્મ ધનતેરસના દિવસે થયો હતો, તેથી તે દિવસે ધન્વંતરી જયંતિ પણ ઉજવવામાં આવે છે. ભારતના ઘણા વૈદ્યો (ડોક્ટરો) આ દિવસે વિશેષ ધન્વંતરી પૂજન કરે છે. તેમના આશીર્વાદથી વ્યક્તિને સ્વાસ્થ્યનું વરદાન મળે છે.

    ભગવાન ધન્વંતરી (ફોટો: Abp)

    ધનતેરસના પવિત્ર દિવસે સંધ્યાટાણે કે યોગ્યમુહૂર્તમાં ધનના પ્રતીકરૂપે સોના-ચાંદીના સિક્કા શુદ્ધ પાણીથી ધોવામાં આવે છે, એ રીતે ધનની પૂજા કરાય છે. ધન ધોવાની પાછળનું સાચું મહાત્મ્ય એ છે કે આપણે જે કંઈ લક્ષ્મી-સંપત્તિ પ્રાપ્ત કરી હોય તેને સ્વચ્છ કરવી, ઉજળી કરવી. સાચા માર્ગે ધન કમાવાનો સંકલ્પ કરવો. માલધારીઓ પણ પોતાના ગાય-ગેટાંના ‘ધણ’ને શણગારીને ઉજળી સંપત્તિનો આદર્શ રજૂ કરે છે.

    દીવો એ દિવાળીના પર્વ સાથે જોડાયેલ છે, પરંતુ એક ઓછી જાણીતી પૂરાણકથા પ્રમાણે દીવાની હારમાળા (દીપાવલી) સાથે જેને પ્રત્યક્ષ સંબંધ હોય તેવો તહેવાર માત્ર ધન તેરસ છે. સામાન્ય રીતે આપણે દીપનો સંબંધ લક્ષ્મીજી સાથે ગણીએ છીએ, પરંતુ પૌરાણીક કથા પ્રમાણે યમરાજાએ એક વખત પોતાના દૂતને પુછ્યું કે, “હું તને મનુષ્યોના પ્રાણ હરવા માટે અનંતકાળથી પૃથ્વીલોકમાં મોકલું છું તો તને ક્યારેય પ્રાણ હરતાં રંજ નથી થતો?” યમદુતે ઉતર આપ્યો કે, “એક વખત રંજ થયેલો જ્યારે એક યુવકના તેના લગ્નના ચાર દિવસ પછી જ બરાબર ધન તેરસને દિવસે મારે પ્રાણ હરણ કરવા પડેલ.” યમરાજે ત્યારે વરદાન આપેલું કે ધનતેરસને દીવસે જે મનુષ્ય દીપદાન કરશે (દીવડાઓ પ્રગટાવશે) તેનો જીવનદીપ એ દીવસે બુઝાશે નહીં. આમ આ દિવસે દીપમાલા પ્રગટાવનાર શ્રધ્ધાળુઓ માટે યમરાજાએ એક દિવસનું અમરત્વ પ્રદાન કરેલ છે.

    તાંત્રિક વિદ્યાને સમર્પિત છે કાળી ચૌદશ

    કાળી ચૌદશના દિવસે એવી લોક પરંપરા છે કે સવારે વહેલા ઉઠીને સ્ત્રીઓએ ઘરનો કચરો કાઢી, કોઈ જુએ નહિ એ રીતે ચાર રસ્તા પર મુકવો જોઈએ, જેનાથી ઘરનો કકળાટ દૂર થાય છે. પણ વાસ્તવિકતા કંઈક જુદી છે. આ દિવસે ઘરનો કચરો કાઢવાનો અર્થ છે, મનુષ્યરૂપી દેહમાંથી દુર્ગુણરૂપી કચરાને બહાર કાઢવો. માણસ તેમના પૂર્વગ્રહોથી મુક્ત થઈ અનંત તરફ ગતિ કરી શકે એ માટે આ તહેવાર ઉજવવામાં આવે છે.

    ખાસ તો કાળી ચૌદશ તાંત્રિક વિદ્યા માટે પ્રસિદ્ધ છે. ધર્મશાસ્ત્રો અનુસાર ઈશ્વર પ્રાપ્તિના અનેકો રસ્તા છે. જેમામાં કેટલાક સાત્વિક છે તો કેટલાક તાંત્રિક છે. હિંદુ ધર્મશાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે કલા અને તંત્રવિદ્યાનો જન્મ ભગવાન શિવમાંથી થયો છે. (જોકે, એ પણ સમજવું જોઈએ કે શિવમાંથી જ સંપૂર્ણ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે.) સમજવામાં સરળતા રહે એ માટે એટલું સમજવું જરૂરી છે કે ભગવાન શિવ યોગવિદ્યા તથા તંત્રવિદ્યાના જનક છે. તેથી તેમને આદિયોગી પણ કહે છે. કાળી ચૌદશના દિવસે તાંત્રિકો અને અઘોરીઓ તંત્રસાધના કરી ઈશ્વર પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહે છે. આ ઉપરાંત આ દિવસે પ્રેતાત્મા પણ ભગવાન શિવની ઉપાસના કરે છે.

    એક પૌરાણિક કથા એવી પણ છે કે, નરકાસુર નામના રાક્ષસે સોળ હજાર જેટલી કન્યાઓને કેદ કરી રાખી હતી. તેમને મુક્ત કરાવવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ પણ આ દિવસે જ કર્યો હતો. આ વધ તેમણે પોતાની પત્ની સત્યભામા સાથે મળીને કર્યો હતો. જેને લઈને આ દિવસને નરકા ચતુર્દસી કે નરક ચતુર્દસી કહે છે. આ કન્યાઓને સમાજમાં કોઈ સ્વીકારશે નહીં તેવી ચિંતા થવાથી ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની પત્ની સત્યભામાની મદદથી તમામ સાથે વિવાહ કર્યા હતાં. એટલે જ ભગવાન શ્રીકૃષ્ણની 16,108 પત્નીઓ ગણવામાં આવે છે.

    એ ઉપરાંત આ દિવસે માતા દુર્ગાના મહાકાળી સ્વરૂપની ઉપાસના પણ કરવામાં આવે છે. દેવી દુર્ગાના મુખ્ય બે સ્વરૂપો છે. એક સૌમ્ય અને શાંત છે તો બીજું સ્વરૂપ રૌદ્ર અને વિકરાળ છે. કાળી ચૌદશની રાત્રીએ માતા દુર્ગાના રૌદ્ર સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે. દુર્ગા માતાનું આ સ્વરૂપ ભક્તોમાં રહેલા દુષ્ટભાવોને દૂર કરીને સાચો માર્ગ બતાવે છે. આજના દિવસે ગૃહિણીઓ ચાર રસ્તે, ગલીના નાકે વડા મૂકીને કકળાટ દૂર કરવાની વિધિ કરે છે. જેની પાછળ એવું કહેવાય છે કે, પરિવારમાં જે કંકાસ કે કલેહ વ્યાપી ગયો હોય તે દૂર થાય અને કુટુંબમાં શાંતિ થાય છે.

    ભગવાન રામના અયોધ્યા પુનરાગમનના ઉત્સાહમાં ઉજવાય છે દિવાળી

    દિવાળી, તહેવારોની હારમાળામાં સૌથી પવિત્ર અને પાવનકારી માનવામાં આવે છે. દિવાળીના તમામ તહેવારોનું મહત્વ ન્યારું છે પણ તેમાં દિવાળીના દિવસને ખૂબ જ પાવનકારી માનવામાં છે. સનાતન ધર્મમાં દિવાળીનું વિશેષ મહત્વ છે. આ જ દિવસે પ્રભુ શ્રીરામ અહંકારી રાવણનો વધ કરી 14 વર્ષનો વનવાસ ભોગવી અયોધ્યા પરત ફર્યા હતા. ભગવાન રામના પુનરાગમનની ખુશીમાં અયોધ્યાવાસીઓએ દીવડાઓ પ્રગટાવી ખુશી મનાવી હતી. એટલા માટે આ દિવસે દીવડાઓ પ્રગટાવવામાં આવે છે. આ પવિત્ર તહેવારને પ્રકાશનો પર્વ પણ કહેવાય છે.

    પ્રભુ શ્રીરામનું અયોધ્યા પુનરાગમન (પ્રતીકાત્મક ફોટો: Paint)

    આ પર્વ ઉજવવા પાછળનું એક કારણ ભગવાન રામનું અયોધ્યા પુનરાગમન છે તો બીજું કારણ સત્યની જીત છે. શાસ્ત્રો અનુસાર ગાઢ અંધકારમાં એક નાનકડો દીવો પ્રકાશ પ્રદાન કરી અંધારા પર વિજય મેળવે છે. તેવી જ રીતે મનુષ્યે પોતાના જ્ઞાનરૂપી દિવાને પ્રજ્વલિત કરી આ દુનિયાના અંધકાર પર વિજય મેળવવો જોઈએ. ભગવાન રામે પણ અંધકારનો નાશ કરી પ્રકાશનો વિજય નિશ્ચિત કર્યો હતો. તેથી આ દિવસને દીપાવલી કે દિવાળી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ફટાકડા ફોડવાનું પણ અનેરું મહત્વ છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ લોકો આ દિવસે પોતાના વ્યસ્ત જીવનમાંથી નીકળી આનંદનો લહેકો ઉઠાવે છે. આ ઉપરાંત ગામ, શહેર બધી જગ્યાએ દિવાળી પર દીવા પ્રગટાવવામાં આવે છે.

    દિવાળીના તહેવારોનું મહત્વ
    દિવાળીમાં પ્રગટાવાતા દીવા (સાંકેતિક ફોટો: Aajtak)

    દિવાળીનો તહેવાર ‘પ્રકાશના પર્વ’ તરીકે જાણીતો છે ત્યારે તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે, ‘મનના પ્રકાશની જાગૃતિ’. સ્થૂળ શરીર અને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે અને તેને આત્મા કહેવાય છે. આવી વિચારધારા હિંદુ તત્વજ્ઞાનનું કેન્દ્ર છે. આપણે જેવી રીતે આપણા સ્થૂળ જન્મને ઉજવીએ છીએ તેવી રીતે દિપાવલી આંતરિક પ્રકાશનો તહેવાર છે, જેને જાણવાથી અંધકાર પણ પ્રકાશમય બને છે (તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને અજ્ઞાન વિખેરાઈ જાય છે), વ્યક્તિનું પોતાનું સાચુ સ્વરૂપ જાગૃત થાય છે, શરીર તરીકે નહિ, પરંતુ અપરિવર્તનીય, અનંત, વિશ્વવ્યાપી અને ગુણાતીત વાસ્તવિક આત્મા તરીકે.

    આત્માની અનુભૂતિ થતાની સાથે જ સમગ્ર સૃષ્ટિ માટે કરુણા, પ્રેમ અને તમામ વસ્તુઓના એકાકારની જાગૃતિ (ઉચ્ચ જ્ઞાન) આવે છે. આનાથી આનંદ (આંતરિક ઉલ્લાસ અથવા શાંતિ) પ્રાપ્ત થાય છે. દિવાળી ફટાકડા, પ્રકાશ, ફૂલો, મિઠાઈઓ તથા ભક્તિ દ્વારા ઉજવવામાં આવે છે. પ્રદેશે-પ્રદેશે દિવાળીની કથા અલગ છે ત્યારે આ તમામનો સાર એકસરખો છે – આંતરિક પ્રકાશનો આનંદ લેવો (આત્મા) અથવા તમામ વસ્તુઓનું પાયારૂપ સત્ય. આ દિવાળીનું આઘ્યાત્મિ મહત્વ દર્શાવે છે. જેનો ઉલ્લેખ વૈદિક બ્રાહ્મણ ગ્રંથોમાં જોવા મળે છે.

    જ્યારથી મનમાં રામ વસે ત્યારથી થાય નવવર્ષની શરૂઆત

    દિવાળીના દિવસ પછીના દિવસને નવવર્ષ તરીકે ઉજવવામાં આવે છે. આ પરંપરા માત્ર ગુજરાતમાં જોવા મળે છે. ગુજરાતી હિંદુ કેલેન્ડર પ્રમાણે દિવાળીના દિવસે વર્ષનો અંત થાય છે અને તે પછી નવું વર્ષ શરૂ થાય છે. જેને આપણે બેસતા વર્ષ તરીકે પણ ઓળખીએ છીએ. આ ઉજવણી પાછળ એક કારણ તો આપણું કેલેન્ડર છે. બીજું કારણ એ છે કે જે દિવસે રામ આપણી સાથે રહેવા આવે તે દિવસથી આપણો નવો જન્મ થાય છે. તેથી નવવર્ષની ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો નવવર્ષ નવી ચેતના અને ઉલ્લાસને જગાડનારું પર્વ છે. ભગવાન રામ આપણી ભીતર રમે ત્યારે ખરું નવવર્ષ ઉજવાય છે. રામનો શાબ્દિક અર્થ આપણને વેદોમાં મળે છે. ઋગ્વેદની એક ઋચા અનુસાર, જે સમગ્ર બ્રહ્માંડમાં રત (અથવા તો રમે છે) છે તે ‘રામ’ છે. તેથી આપણે રામમય બની ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાનું વચન લઈએ તે માટે નવવર્ષ ઉજવાય છે.

    એ ઉપરાંત દિવાળીના બીજા દિવસને અન્નકૂટ દિવસ અથવા ગોવર્ધન પૂજા દિવસ તરીકે ઓળખવમાં આવે છે. આ દિવસે પાળેલા બળદ, ગાય, બકરી વગેરેને સ્નાન કરાવીને, તેનો શણગાર કરીને પૂજા કરવામાં આવે છે. ગાયના છાણમાંથી ગોવર્ધન બનાવવામાં આવે છે. તેની પૂજા કરવામાં આવે છે અને ઘણી વાનગીઓ ચઢાવવામાં આવે છે.

    આ દિવસને લઈને એવી પૌરાણિક માન્યતા છે કે ત્રેતાયુગમાં આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી પર ઉપાડ્યો હતો અને ગોવર્ધનની છાયામાં ગ્રામજનોની રક્ષા કરી હતી.

    ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક છે ‘ભાઈબીજ’

    હિંદુ પંચાંગના વિક્રમ સંવત મુજબ નવવર્ષનો બીજો દિવસ ભાઈ-બીજ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખભર્યા જીવન માટે પ્રાર્થના કરે છે. આ ઉપરાંત ભાઈ આજના દિવસે બહેનને ભેટ પણ આપે છે. ગુજરાતમાં આ દિવસે બહેન પોતાન ભાઈને તેના ઘરે ભોજન માટે આમંત્રિત કરે છે. આ તહેવાર ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ગોવા, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં વધારે લોકપ્રિય છે.

    આ દિવસને યમ દ્વિતીયા તરીકે ઓળખવામાં આવે છે. તેની પાછળની પૌરાણિક માન્યતા એવી છે કે આ દિવસે ભગવાન યમરાજ તેમના બહેન યમુનાના ઘરે જમવા ગયા હતા. આતિથ્ય સત્કારથી આનંદિત થઈને યમરાજે બહેન યમુનાને બે વરદાન માંગવા માટે કહ્યું હતું, ત્યારે યમુનાજીએ પહેલું વરદાન એ માંગ્યું હતું કે, દરવર્ષે આજના દિવસે દરેક ભાઈ તેની બહેનને ત્યાં જમવા જશે તથા આ દિવસ ભાઈના પ્રેમના પ્રતિક સ્વરૂપે મનાવવામાં આવશે. બીજું વરદાન એ માંગ્યું હતું કે આજના દિવસે કોઈપણ ભાઈનું અકાળે મૃત્યુ નહીં થાય. જે ભાઈઓ ભાઈબીજના દિવસે તેમની બહેનને ત્યાં ભોજન ગ્રહણ કરશે તે ક્યારેય નર્કનો દરવાજો નહીં જુએ. જે બાદ યમરાજે તેમના બહેન યમુનાને આ વરદાન આપ્યા હતા.

    દિવાળીના તહેવારોનું મહત્વ
    બહેનના ઘરે ભોજન લેવાની પરંપરા (પ્રતીકાત્મક ફોટો: bhaskar)

    એવું કહેવાય છે કે ભાઈબીજના દિવસે કોઈ કારણોસર ભાઈ તેની બહેનના ઘરે જમવા ના જઈ શકે તો તેણે ભાઈબીજની કથાનું શ્રવણ કરવું જોઈએ. આવું કરવાથી પણ તેને બહેનના ઘરે ભોજન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. બહેનના ઘરે જમવા જતાં ભાઈને ખિચડી, કઢી, શાક, રોટલા ખવડાવવાનું અનેરું મહત્વ છે. તેની પાછળનું એક કારણ એ છે કે દિવાળી અને નવવર્ષના દિવસે વધારે માત્રામાં મીઠાઈ ખાધી હોય છે, જેના લીધે શરીરમાં વાત્ત, પિત્ત અને કફનું પ્રમાણ સમતોલ રહી શકતું નથી. આ કારણે ભાઈબીજના દિવસે બહેનના ઘરે સાત્વિક ભોજન આપવામાં આવે છે.

    લક્ષ્મીજી, માતા સરસ્વતી અને ભગવાન ગણેશને સમર્પિત છે લાભ પાંચમ

    દિવાળીના તહેવારોનો સૌથી છેલ્લો તહેવાર લાભ પંચમી ગણાય છે. આ દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. એ ઉપરાંત આ દિવસે ઘર કે વ્યવસાયના સ્થળોએ જઈને ઉંબરા ઉપર ‘શુભ’, ‘લાભ’ જેવા શબ્દો લખવામાં આવે છે. સાથે જ ઘર કે ઓફિસના દરવાજા પર સ્વસ્તિક (સાથીયા)નું ચિહ્ન પણ અંકિત કરવામાં આવે છે. આ દિવસને જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. જૈન સમાજમાં લોકો આ દિવસે સરસ્વતી માતાની ઉપાસના કરે છે.

    હિંદુ વૈદિક પરંપરા અને જૈન પરંપરા (તે પણ વૈદિક પરંપરાનો જ એક ભાગ છે) પ્રમાણે લાભ પંચમીની અધિષ્ઠાત્રી દેવી શારદા મનાય છે. વૈદિક ધર્મની લાભ પંચમી સામાન્ય રીતે જૈન સમાજમાં જ્ઞાન પંચમી બની રહે છે. વૈદિક પરંપરા અનુસાર તે દિવસે માતા લક્ષ્મી અને માતા સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે. લાભ પાંચમના દિવસે ‘શ્રીસૂક્ત’નો પાઠ કરવાનું ઘણું મહત્વ છે. આ વૈદિક સૂક્ત માતા લક્ષ્મીને સમર્પિત છે.

    દિવાળીના તહેવારોનું મહત્વ
    ગણેશ, લક્ષ્મી, સરસ્વતી પૂજન (ફોટો: Punjab Kesari)

    લાભપાચમ કોઈપણ શુભ કાર્યનો આરંભ કરવા સર્વોત્તમ તિથિ કે મુહૂર્ત ગણાય છે, તેથી દિવાળી કે બેસતા વર્ષથી બંધ રાખેલ વેપાર-ધંધાનો શુભારંભ લાભપંચમીથી થાય છે. કાળા ધનના તામસી માર્ગમાંથી ઉજળી સંપત્તિ અને જ્ઞાનના પ્રકાશમાં પ્રસ્થાન કરવાનું પુરુષાર્થ પર્વ એટલે લાભપંચમી કે જ્ઞાનપંચમી. લાભ પંચમીને સામાન્ય રીતે દિવાળીના તહેવારોનું અંતિમ પગથિયું ગણવામાં આવે છે. જૈન સમાજ અને ખાસ કરીને વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં તેનું વિશેષ મહત્વ જોવા મળે છે

    આમ, વાઘ બારસથી લઈને લાભ પાંચમ સુધી ચાલતા દિવાળીના તહેવારોનું મહત્વ અનેરું અને વિશેષ છે. પ્રત્યેક તહેવાર આપણને જીવનમાં ઉપયોગી તત્વજ્ઞાન અને અધ્યાત્મ પ્રદાન કરે છે. એ ઉપરાંત મનોવૈજ્ઞાનિક રીતે પણ આપણાં તહેવારો સમાજ માટે ખૂબ ઉપયોગી બને છે. માનસિક રીતે થાકીને પડી ભાંગેલા માણસોમાં આ દિવસો દરમિયાન નવચેતનાનો સંચાર થાય છે.

    જોકે, ગુજરાતમાં દિવાળીના તહેવારોનું અનેરૂ મહત્ત્વ ધરાવતું અને અંતિમ પગથિયું દેવ દિવાળી ગણાય છે. દેવ દિવાળીનું મહત્વ પણ ખૂબ વિશેષ છે. તેને દેવોત્થાન એકાદશી (દેવઉઠી એકાદશી) તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે તે દિવસે જ ભગવાન નિંદ્રાનો ત્યાગ કરે છે.

    આ સાથે કે ઑપઇન્ડિયાની ગુજરાતી સાથે જ અંગ્રેજી અને હિન્દી ટીમ તરફથી આપ સૌને આ પવિત્ર હિંદુ તહેવારોની શુભકામનાઓ. અમે આશા કરીએ છીએ કે આપનું નવું વર્ષ ઉત્તમ રહે અને આપ આવનારા વર્ષોમાં પણ અમને આમ જ પ્રેમપૂર્વક વાંચતા રહો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં