ઉત્તરાખંડની વક્ફ બોર્ડ સંચાલિત મદરેસાઓમાં હવે ભગવાન રામના જીવન વિશે પણ બાળકોને શિક્ષણ આપવામાં આવશે. માર્ચથી શરૂ થઈ રહેલા નવા સત્રમાં ભગવાન રામ વિશેના પાઠ પણ ઉમેરવામાં આવશે તેવી જાણકારી સ્વયં વીએફ બોર્ડના અધ્યક્ષ શાદાબ શમ્સે આપી છે.
શમ્સે આપેલ જાણકારી અનુસાર, મદરેસાના વિદ્યાર્થીઓ હવે પયગંબર મોહમ્મદ સાથે-સાથે ભગવાન રામના જીવન વિશે પણ અભ્યાસ કરશે. વિદ્વાન મુસ્લિમ મૌલવીઓએ આ માટે પરવાનગી આપી દીધી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, વક્ફ બોર્ડ અંતર્ગત 117 મદરેસાઓ આવે છે અને આ નવો અભ્યાસક્રમ શરૂઆતમાં દેહરાદૂન, હરિદ્વાર, ઉદ્યમ સિંહ નગર અને નૈનીતાલ જીલ્લાની મદરેસાઓમાં શરૂ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, દર વર્ષે માર્ચમાં મદરેસા આધુનિકીકરણ કાર્યક્રમના ભાગરૂપે વક્ફ બોર્ડ સંચાલિત મદરેસાઓમાં શ્રીરામનું અધ્યયન શરૂ કરાવવામાં આવશે.
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં તેમણે આ અંગે વધુ માહિતી આપી. આ દરમિયાન તેમણે એ પંક્તિઓ પણ ટાંકી, જેમાં ભગવાન રામને ‘ઇમામ-એ-હિન્દ’ ગણાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું, “ઇમામ એને કહેવાય છે, જેને તમે અનુસરો છો. મને લાગે છે કે કોઈ પણ પિતા શ્રીરામ જેવો પુત્ર ઇચ્છશે, જેઓ પિતાને આપેલું વચન નિભાવવા માટે રાજપાટને લાત મારી દે અને વનવાસ માટે જતા રહે.”
#WATCH | Dehradun: Uttarakhand Waqf Board Chairman Shadab Shams says, "Instead of teaching about Aurangzeb, we will teach about Lord Ram and about our Nabi in the modern madarsas. We are Hindustani and our DNA matches with Lord Ram… Therefore we have decided that we will teach… pic.twitter.com/cVlbQikT0U
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 26, 2024
તેઓ કહે છે, “લક્ષ્મણ જેવો ભાઈ કોણ નહીં ઇચ્છે? જે કહે કે ભાઈ જો વનવાસ જતા હોય તો હું પણ બધું ત્યાગીને હું પણ સાથે જઈશ….. કે પછી ઔરંગઝેબ જેવો ભાઈ, જે ભાઈઓની ગરદન કાપી નાખે….એવો પુત્ર કોણ પસંદ કરશે, જે રાજપાટ માટે પોતાના બાપને જેલમાં નાખી દે. અમે ઔરંગઝેબ વિશે નહીં ભણાવીએ, અમે શ્રીરામ વિશે ભણાવીશું. અમે નબીઓ, મોહમ્મદ સાહેબ વિશે ભણાવીશું અને શ્રીરામ વિશે પણ ભણાવીશું.”
આગળ તેમણે ઉમેર્યું કે, “…અને શું કામ ન ભણાવવું જોઈએ? અમે કોણ છીએ? અમે આરબ નથી, અમે અફઘાન નથી, અમે મુઘલ નથી, અમે હિન્દી છીએ અને અમારું DNA શ્રીરામ સાથે મળે છે. અમે હિન્દુસ્તાની છીએ. હિન્દુસ્તાનીઓને રામ પ્રત્યે ગર્વ નહીં હોય તો કોને હશે? રામ અમારા પણ છીએ, રામ સૌના છે. જેથી અમે નક્કી કર્યું છે કે અમે જે મોર્ડન મદરેસાઓ બની રહી છે તેમાં માર્ચથી શ્રીરામ વિશે પણ ભણાવીશું.” અંતે ઉમેર્યું કે, જો સુંદર ભારત બનાવવું હશે તો આ જ દિશામાં મોદીજીનું શ્રેષ્ઠ ભારત બનાવવા માટે આગળ વધવું પડશે.
મીડિયા રિપોર્ટ અનુસાર, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ પગલાંનો તેમના સમુદાયમાંથી જ વિરોધ થઈ શકે છે ત્યારે તેમણે કહ્યું કે તેનાથી તેઓ ડરતા નથી. વક્ફ બોર્ડ અધ્યક્ષ કહે છે, “હું જો વિરોધથી ડરતો હોત તો મુસ્લિમ હોવા છતાં ભારતીય જનતા પાર્ટીમાં ન હોત. કોઇ વ્યક્તિ સાચો હશે તો તે ગમે તેટલો નબળો હશે પણ હું તેની સામે ઝૂકી જઈશ, પણ જો કોઇ વ્યક્તિ ખોટો હોય તો તો તે ગમે તેટલો શક્તિશાળી હોય, હું ડરીશ નહીં.” નોંધવું જોઈએ કે શમ્સ ભાજપના નેતા પણ છે.