દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે યોજાનારી G20 સમિટને લઈને ભારત મંડપને અદભૂત રીતે શણગારવામાં આવ્યું છે. પ્રાચીન ભારતથી લઈને આધુનિક ભારતની તમામ પરંપરાને અનુરૂપ ચિત્રો અને સ્થાપત્યો ભારત મંડપમમાં દર્શાવાયા છે. સમગ્ર દિલ્હીની કાયાપલટ કરવામાં આવી છે. ભારત મંડપમમાં G20 સમિટનું આયોજન 9 અને 10 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવનાર છે. આયોજન સ્થળને દિવ્ય બનાવવા માટે સતત તૈયારીઓ ચાલી રહી છે. ભારત મંડપમ ખાતે ભગવાન શિવના ‘નટરાજ’ સ્વરૂપની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે. ‘નટરાજ’ની આ પ્રતિમા દુનિયાની સૌથી ઊંચી નટરાજની પ્રતિમા છે. એ સિવાય G20 શિખર સંમેલન પહેલા મનીકંટ્રોલ દ્વારા PM મોદીનું એક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું છે. ઇન્ટરવ્યૂ દરમિયાન PM મોદીએ ‘વસુધૈવ કુટુમ્બકમ’ને જ ભારતનો એજન્ડા ગણાવ્યો છે.
World's tallest Nataraj statue in front of G20 venue of India, 'Bharat Mandapam'.pic.twitter.com/kUHq9i7BFa
— Indian Tech & Infra (@IndianTechGuide) September 5, 2023
‘નટરાજ’ ભગવાન શંકરનું એ સ્વરૂપ ગણવામાં આવે છે જેમાં બ્રહ્માંડનું સર્જન કરવાની અને વિધ્વંસ કરવાની શક્તિ હોય છે. ભગવાન શંકરના ‘નટરાજ’ રૂપની પ્રતિમા 22 ફૂટ ઊંચી છે. પ્રતિમા માટે 6 ફૂટ ઊંચો ચબૂતરો પણ બનાવવામાં આવ્યો છે. એવામાં કુલ મળીને પ્રતિમાની ઊંચાઈ 28 ફૂટ થાય છે. આ પ્રતિમા તમિલનાડુના સ્વામીમલાઈ જિલ્લાના કલાકારોએ બનાવી છે. આ પ્રતિમા બનાવવા માટે મીણ, રેઝિન, કાવેરી નદીની માટી અને લોખંડના વાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય પ્રતિમા બનાવતી વખતે અષ્ટધાતુનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે, જેમાં તાંબું, જસત, લેડ એટલે કે કાચ, ટીન ટ્રેસ ક્વાન્ટિટી, ચાંદી, પારા ટ્રેસ ક્વાન્ટિટી અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ભગવાન નટરાજની પ્રતિમા ભારતીય સંસ્કૃતિમાં આગવું સ્થાન ધરાવે છે. તાંડવ નૃત્ય કરતાં ભગવન શિવ ભારતીય સંસ્કૃતિની ભવ્યતા અને કલાત્મકતા દર્શાવે છે. વિશ્વ સમક્ષ પોતાની કલાને મજબૂત રીતે પ્રદર્શિત કરે છે. આ પ્રતિમા દ્વારા મૂર્તિમંત થાય છે કે કળાનો જન્મ ભગવાન શિવમાંથી થયો છે. ભગવાન નટરાજની પ્રતિમા ભારત મંડપમ ખાતે મૂકવાથી વિશ્વનેતાઓને ભારતીય સંસ્કૃતિના ભવ્ય દર્શન થશે. આ સિવાય G20ના શિખર સંમેલન પહેલા મનીકંટ્રોલ દ્વારા PM નરેન્દ્ર મોદીનું G20 સમિટને ધ્યાને લઈને ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું છે. ઇન્ટરવ્યૂ દરમિયાન PM મોદીએ ભારતના વૈશ્વિક એજન્ડા વિશે ચર્ચા કરી હતી.
ભારતનો એજન્ડા ‘વસુધૈવ કુટુમ્બકમ’
દેશની રાજધાની દિલ્હી ખાતે 9-10 સપ્ટેમ્બરે G20નું શિખર સંમેલન યોજવામાં આવશે. સંમેલનના આયોજન પહેલા PM નરેન્દ્ર મોદીએ મનીકંટ્રોલ મીડિયા સાથે વાતચીત કરી હતી. આ ઇન્ટરવ્યૂ દરમિયાન PM મોદીએ G20 વિશે પોતાના વિચાર રજૂ કરતાં કહ્યું કે, “જો તમે G20 માટે આપણું આદર્શ વાક્ય જુઓ તો એ ‘વસુધૈવ કુટુમ્બકમ-એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ છે. આ G20ની અધ્યક્ષતા દર્શાવે છે. આપણી માટે સમગ્ર પૃથ્વી એક પરિવાર છે. કોઈપણ પરિવારમાં, પ્રત્યેક સદસ્યનું ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલું હોય છે. એટલા માટે આપણે એકસાથે કામ કરીએ છીએ તો એકસાથે પ્રગતિ પણ કરીએ છીએ, કોઈને પાછળ નથી છોડતા.”
Shared my thoughts on various issues relating to India’s G20 Presidency, India’s vision for global well-being, our development strides and more in this interview with @moneycontrolcom. https://t.co/ZdeCx6e2h0 https://t.co/9Sk12HJ18Z
— Narendra Modi (@narendramodi) September 6, 2023
PM મોદીએ વધુમાં જણાવ્યું કે, “સૌ જાણે છે કે છેલ્લા 9 વર્ષોમાં આપણાં દેશમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ દ્રષ્ટિકોણનું પાલન કરવામાં આવ્યું છે. આ સૂત્ર દ્વારા દેશને પ્રગતિ માટે એકસાથે આગળ વધવા અને વિકાસના લાભોને અંતિમ માઈલ સુધી પહોંચાડવા માટે ઘણો લાભ મળ્યો છે. આજે આ મોડલની સફળતાને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઓળખ મળી રહી છે. વૈશ્વિક સંબંધોમાં પણ આ જ આપણો માર્ગદર્શક સિદ્ધાંત છે”
PM મોદીએ આ ઇન્ટરવ્યૂ દરમિયાન ભારતના ‘વસુધૈવ કુટુમ્બકમ’ના એજન્ડાને વધુ મહત્વ આપ્યું હતું. ભારત વૈશ્વિક દ્રષ્ટિકોણ સાથે આગળ વધી રહ્યું છે ત્યારે ભારતનો એજન્ડા પણ ‘વસુધૈવ કુટુમ્બકમ’નો જ રહેશે.