થોડા જ કલાકોમાં અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થનાર છે. માત્ર ભારત જ નહીં, વિશ્વભરમાં લોકોને તેનો ઉત્સાહ છે. દરેક હિંદુ રામમય છે અને ભગવાનમાં લીન જોવા મળી રહ્યો છે. જે-જે લોકોને આ મહાઉત્સવ નિમંત્રણ આપવામાં આવ્યાં છે તેઓ અયોધ્યા પહોંચી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ રામલલાના આગમનના નિમંત્રણનો અસ્વીકાર કર્યો હતો. આ બધા વચ્ચે રામ મંદિર મામલે કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે ફરી એક વખત પાર્ટીથી વિરુદ્ધ સ્ટેન્ડ લઈને રામ મંદિરના નિર્માણનો શ્રેય વડાપ્રધાન મોદીને આપ્યો છે.
ન્યુઝ એજન્સી ANI સાથે વાત કરતા કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે જણાવ્યું હતું કે, “મંદિરનું નિર્માણ ન્યાયાલયના નિર્ણય બાદ થયું છે, સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો અને ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર મંદિરનું નિર્માણ થયું અને આવતી કાલે ત્યાં પ્રાણપ્રતિષ્ઠા છે. એ વાત ઠીક છે કે મંદિરનું નિર્માણ ન્યાયાલયના આદેશ બાદ થયું છે. પરંતુ જો મોદી દેશના વડાપ્રધાન ન હોત…. જો નરેન્દ્ર મોદીની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિ વડાપ્રધાન હોત તો આ નિર્ણય ન આવ્યો હોત અને આ મંદિર પણ ન બન્યું હોત. એટલે જ હું રામ મંદિરના નિર્માણ અને પ્રાણપ્રતિષ્ઠાના શુભ દિવસનો શ્રેય છે તે સર્વાધિક શ્રેય નરેન્દ્ર મોદીને આપવા માંગીશ.”
પોતાની વાતમાં આગળ જણાવતા તેઓ કહે છે કે, “સરકારો આવી, કેટલી સરકારો આવી, કેટલા વડાપ્રધાનો આવ્યા…. વિશ્વ હિંદુ પરિષદ, RSS, બજરંગ દળ, સંતો, મહાત્માઓ…બહુ મોટાં-મોટાં બલિદાનો છે. ઘણો લાંબો સંઘર્ષ છે, પરંતુ જો મોદી દેશના વડાપ્રધાન ન હોત તો રામ મંદિર ન બન્યું હોત.” ANI દ્વારા શેર કરવામાં આવેલી આ આખી વિડીયો ક્લિપમાં તેઓ રામ મંદિરનો શ્રેય વડાપ્રધાન મોદીને આપતા જોવા મળી રહ્યા છે.
#WATCH | On Ram Temple pranpratishtha, Congress leader Acharya Pramod Krishnam says, "It is correct that the temple has been constructed after the Supreme Court's order. But had Modi not been the Prime Minister of the country, had someone else been the Prime Minister this verdict… pic.twitter.com/6Yqs4yyheh
— ANI (@ANI) January 21, 2024
રામ મંદિરના નિમંત્રણનો અસ્વીકાર આત્મઘાતી અને દુર્ભાગ્યપૂર્ણ- આચાર્ય
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ આ પહેલાં પણ ખુલીને પાર્ટી વિરુદ્ધ બોલી ચૂક્યા છે. વાસ્તવમાં ડિસેમ્બર, 2023માં સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરીને રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. પરંતુ કોંગ્રેસ પાર્ટીએ કાર્યક્રમને ભાજપ/RSSની રાજકીય ઇવેન્ટ ગણાવીને આ નિમંત્રણ ફગાવી દીધું હતું અને ન જવાનો નિર્ણય કર્યો હતો.
પાર્ટીના આ નિર્ણયને આચાર્ય પ્રમોદ કૃષ્ણમે દુર્ભાગ્યપૂર્ણ અને આત્મઘાતી ગણાવ્યો હતો. સાથે જ તેમણે જાહેરમાં કહ્યું હતું કે કોંગ્રેસનાં આ પ્રકારના નિર્ણયના કારણે તેમનું હ્રદય તૂટી ગયું હતું. આચાર્ય સિવાય પણ અનેક કોંગ્રેસી નેતાઓએ આ મામલે કોંગ્રેસ પાર્ટીનો ખુલીને વિરોધ કર્યો હતો.