રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના લોકો પાયલોટની સ્થિતિ અંગેના દાવાને નકારી કાઢ્યા છે. વૈષ્ણવે કહ્યું છે કે, લોકો પાયલોટ રેલવે પરિવારના મહત્વના સભ્યો છે. પરંતુ વિપક્ષ દ્વારા આ અંગે ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસ અને INDI ગઠબંધનના નેતાઓએ પણ આ મુદ્દાને લઈને જુઠ્ઠાણું ફેલાવ્યું હતું. ત્યારબાદ કેન્દ્રીય રેલવે મંત્રીએ પોતે લોકો પાયલોટને આપવામાં આવતી સુવિધાઓ ગણાવી હતી.
વિરોધીઓ દ્વારા ફેલાવવામાં આવી રહેલા જુઠ્ઠાણાં વચ્ચે રેલવે મંત્રીએ લોકો પાયલોટને અપાતી સુવિધાઓ ગણાવી છે. અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, “અમારા લોકો પાયલોટને હતોત્સાહિત કરવા માટે વિપક્ષ સતત દુષ્પ્રચાર કરી રહ્યો છે. તે વિષયને લઈને કેટલીક વાતો સ્પષ્ટ કરવી છે.” તેમણે લોકો પાયલોટને રેલવે પરિવારના મહત્વના સભ્ય ગણાવ્યા હતા. આ ઉપરાંત તેમણે તેમને મળતી સુવિધાઓ વિશે પણ કહ્યું હતું.
લોકો પાયલોટને મળતી સુવિધાઓ
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, લોકો પાયલોટના ડ્યુટીના કલાકોને ધ્યાનમાં લેવામાં આવે છે. રેલ યાત્રા બાદ આ પાયલોટ્સને યોગ્ય આરામ આપવામાં આવે છે. સુનિશ્ચિત કલાકો દરમિયાન સરેરાશ ફરજના કલાકો નક્કી કરવામાં આવે છે. આ વર્ષે જૂનમાં ડ્યુટીનો સમય 8 કલાક કરતાં પણ ઓછો હતો. માત્ર ખૂબ જરૂરી પરિસ્થિતિમાં જ યાત્રાના કલાકો નક્કી કરાયેલા સમય કરતાં વધુ થઈ જાય છે.
Loco pilots are important members of the railway family. Since there is a lot of misinformation and theatrics by opposition to demotivate our Loco pilots, let me make things very clear;
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 10, 2024
Improved working conditions;
Duty hours of loco pilots are carefully monitored. Rest is…
તેમણે વધુમાં જણાવ્યું કે, લોકો પાયલોટ લોકો કેબમાંથી ઓપરેટ કરે છે. 2014 પહેલાં આ કેબની સ્થિતિ ખૂબ ખરાબ હતી. પરંતુ 2014 બાદ તેની સ્થિતિમાં સુધારો કરવામાં આવ્યો છે અને સાત હજારથી વધુ લોકો કેબ એર કન્ડિશન્ડ છે. નવા લોકોમોટિવ સંપૂર્ણપણે એર કન્ડિશન્ડ છે. તેમણે વધુમાં કહ્યું કે, લોકો પાયલોટ ટ્રીપ પૂર્ણ કર્યા બાદ આરામ માટે રનિંગ રૂમમાં જાય છે. 2014 પહેલાં રનિંગ રૂમોની સ્થિતિ પણ ખૂબ ખરાબ હતી. હવે લગભગ તમામ રનિંગ રૂમ એર કન્ડિશન્ડ છે. કેટલાક રનિંગ રૂમમાં ફૂટ મસાજર પણ છે.
તેમણે વધુમાં કહ્યું કે, “છેલ્લા ઘણા વર્ષોમાં મોટી સંખ્યામાં ભરતી થઈ છે અને આ દરમિયાન 34000 રનિંગ સ્ટાફને નિયુક્ત કરવામાં આવ્યો છે. રેલવે પરિવારને હતોત્સાહિત કરનારા આ ફેક ન્યૂઝ સફળ થશે નહીં. આખો રેલવે પરિવાર મળીને દેશની સેવા કરી રહ્યો છે.”
શું કહ્યું હતું રાહુલ ગાંધીએ?
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં જ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર લોકો પાયલોટ્સ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે લોકો પાયલોટ્સની ખબરઅંતર પૂછીને તેમની સમસ્યાઓ પણ સાંભળી હતી. આ મુલાકાતને લઈને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દેશના લોકો પાયલોટ્સને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. તેઓ આ કામ કરવા માટે મજબૂર છે. તે ઉપરાંત કોંગ્રેસે પણ દાવો કર્યો હતો કે, રાહુલ ગાંધીએ આખા દેશના લગભગ 50 લોકો પાયલોટ્સ સાથે મુલાકાત કરી હતી. જોકે, પછીથી ઉત્તર રેલ્વેએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ જેમની સાથે મુલાકાત કરી હતી એ લોકો પાયલોટ તેમની ક્રુ લૉબીના નથી અને સંભવતઃ બહારથી લાવવામાં આવ્યા હોય શકે.
કોંગ્રેસે કહ્યું કે, તે પાયલોટ્સે રાહુલ ગાંધીને પોતાની સમસ્યા સંભળાવી હતી. વિપક્ષે દાવો કર્યો કે, લોકો પાયલોટ્સે અપર્યાપ્ત આરામની ફરિયાદ કરી હતી. તેઓ ઘરેથી ખૂબ લાંબી યાત્રા સુધી ટ્રેન ચલાવે છે અને ઘણીવાર તેમને પૂરતા આરામ વગર ડ્યુટી પર લગાવી દેવામાં આવે છે. તેનાથી ઘણો તણાવ આવે છે અને એકાગ્રતામાં પણ ઉણપ આવે છે. જે દુર્ઘટનાનું સૌથી મોટું કારણ છે. આવા તમામ દાવાઓ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા. જોકે, વિપક્ષીઓના આ દાવાઓને રેલવે મંત્રીએ એક પોસ્ટ કરીને ખોટા સાબિત કરી દીધા છે.