ખેડૂત આંદોલનમાં બાળકોના ઉપયોગને લઈને પંજાબ-હરિયાણા હાઈકોર્ટે કડક શબ્દોમાં ટીકા કરી હતી. કોર્ટે કહ્યું કે બાળકોનો ઢાલ તરીકે ઉપયોગ કરવો અત્યંત શરમજનક બાબત છે.
હાઇકોર્ટ આંદોલન દરમિયાન એક વ્યક્તિના મૃત્યુ મામલે સુનાવણી કરી રહી હતી. જે મામલે કોર્ટે ન્યાયિક તપાસના આદેશ આપ્યા. કોર્ટે કહ્યું કે પંજાબ અને હરિયાણા પોલીસને મામલાની તપાસ સોંપી શકાય નહીં અને હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવાશે, જેમાં પંજાબ અને હરિયાણાના ADGP રેન્કના બે અધિકારીઓ સામેલ હશે. કોર્ટે આ અધિકારીઓનાં નામ કોર્ટને આપવા માટે બંને રાજ્યની સરકારને તાકીદ કરી હતી.
બીજી તરફ આ મામલે હરિયાણા સરકાર દ્વારા જ્યારે જજને આંદોલનની તસવીરો બતાવવામાં આવી તો તેમણે ખેડૂત આંદોલનકારીઓને પણ ફટકાર લગાવી હતી અને બાળકોના ઉપયોગ પર વાંધો ઉઠાવ્યો હતો. કોર્ટે કહ્યું કે, “બાળકોને ઢાલ તરીકે વાપરવામાં આવી રહ્યાં છે, આ અત્યંત શરમજનક છે. બાળકો તો શાળામાં હોવાં જોઈએ. આ તો યુદ્ધ જેવી સ્થિતિ હતી.” કોર્ટે એવું પણ પૂછ્યું કે “તમે કયા પ્રકારના વાલીઓ છો?”
હાઇ-વે પર ટ્રેક્ટર અને ટ્રોલી લઈને ન જઈ શકાય
ખેડૂતો ટ્રેક્ટરો અને ટ્રોલી લઈને આંદોલને ચડ્યા હતા, તે બાબતને લઈને પણ હાઈકોર્ટે વાંધો ઉઠાવ્યો. કોર્ટે કહ્યું કે, “મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે તમે હાઇવે ઉપર ટ્રેક્ટર કે ટ્રોલી ન લઇ જઈ શકો. તમે અમૃતસરથી દિલ્હી સુધી ટ્રેક્ટરો અને ટ્રોલી લઈને ગયા હતા. અધિકારોની વાત બરાબર છે, પણ અમુક બંધારણીય ફરજો પણ હોય છે.”
હરિયાણા સરકારે જણાવ્યું- કેમ કરવો પડ્યો હતો બળપ્રયોગ
બીજી તરફ કોર્ટે હરિયાણા સરકારને કહ્યું હતું કે 21 ફેબ્રુઆરીના રોજ આંદોલનકારીઓ પર બળપ્રયોગ કરવાની જરૂર શા માટે પડી તેનો પણ તેઓ ખુલાસો આપે. નોંધવું જોઈએ કે 21 ફેબ્રુઆરીના રોજ પંજાબથી દિલ્હી જવા માટે હરિયાણામાં ઘૂસવા માગતા ‘ખેડૂતો’ અને હરિયાણા પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં 15 પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી.
હરિયાણા સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, સ્થિતિએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ત્યારબાદ પોલીસે વોટર કેનન, લાઠીચાર્જ, પેલટ અને રબર બુલેટની મદદ લેવી પડી હતી.
નોંધનીય છે કે સામી લોકસભા ચૂંટણીએ પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ ‘દિલ્હી ચલો’ માર્ચની ઘોષણા કરી હતી. તેઓ MSP પર કાયદાકીય ખાતરી અને અન્ય કેટલીક માંગોને લઈને આંદોલન કરી રહ્યા છે. જોકે, આ વખતે હરિયાણા પોલીસની સતર્કતાના કારણે કથિત ખેડૂતોના મનસૂબા સફળ ન થઈ શક્યા અને દિલ્હી સુધી તેઓ પહોંચી ન શક્યા.