Friday, November 22, 2024
More
    હોમપેજદેશકાશ્મીરથી લઈને તેલંગાણા સુધી, જુમ્માના દિવસે હમાસ-પેલેસ્ટાઇનના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા કટ્ટરપંથી-વામપંથી:...

    કાશ્મીરથી લઈને તેલંગાણા સુધી, જુમ્માના દિવસે હમાસ-પેલેસ્ટાઇનના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા કટ્ટરપંથી-વામપંથી: ઇઝરાયેલના વિરોધમાં લગાવ્યા નારા

    આટલું બધું થયા બાદ હવે જયારે ઇઝરાયેલ દ્વારા વળતા જવાબમાં પેલેસ્ટાઈન પર જે કહેર વરસાવવામાં આવી રહ્યો છે, તે જોઇને હમાસના આતંકવાદીઓ માટે સહાનુભૂતિ રાખનારા કટ્ટરપંથીઓ અને વામપંથીઓ બેબાકળા થયા છે.

    - Advertisement -

    પેલેસ્ટાઇન સ્થિત ઇસ્લામી આતંકવાદી સંગઠન હમાસે કરેલા હુમલામાં હજારો ઇઝરાયેલી નાગરિકો માર્યા ગયા છે. જેમાં સ્ત્રીઓ અને બાળકો પણ સામેલ છે. આતંકવાદીઓએ નવજાત બાળકોને પણ નહતાં બક્ષ્યાં અને ક્રૂરતાથી હત્યા કરી નાખી. વળતી કાર્યવાહીમાં ઇઝરાયેલે હમાસ શાસિત ગાઝાને હતું-નહતું કરી નાખ્યું. હમાસના આતંકવાદીઓની આ કરતૂતો બાદ પણ દુનિયાભરમાંથી તેમને સમર્થન કરનારાઓ મળી રહે છે. ભારતમાં પણ હમાસ-પેલેસ્ટાઇનના સમર્થનમાં અમુક ઠેકાણે પ્રદર્શનો થયાં અને કટ્ટરપંથી-વામપંથીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન ઇઝરાયેલના વિરોધમાં પણ નારા લાગ્યા.

    આટલું બધું થયા બાદ હવે જયારે ઇઝરાયેલ દ્વારા વળતા જવાબમાં પેલેસ્ટાઈન પર જે કહેર વરસાવવામાં આવી રહ્યો છે, તે જોઇને હમાસના આતંકવાદીઓ માટે સહાનુભૂતિ રાખનારા કટ્ટરપંથીઓ અને વામપંથીઓ બેબાકળા થયા છે. આતંકવાદી સંગઠન હમાસે શુક્રવારે (13 ઓક્ટોબર) જુમ્માના દિવસને ‘ગ્લોબલ જેહાદ’ દિવસ તરીકે મનાવવા માટે એલાન કર્યું હતું અને વિશ્વભરના મુસ્લિમોને પેલેસ્ટાઇનના સમર્થનમાં આગળ આવવા માટે કહ્યું હતું. જેમાં ભારતના કટ્ટરપંથીઓ પણ સામેલ થયા. દેશભરમાં કટ્ટરપંથી-વામપંથીઓ હમાસ-પેલેસ્ટાઇનના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન ટોપી-બુરખા પહેરેલા લોકોએ ‘અલ્લાહુ-અકબર’ અને ‘ઈન્તિફાદા ઇંકલાબ’ (જડથી ઉખાડી ફેંકવા)ના નારા પણ લગાવવામાં આવ્યા.

    દિલ્હીમાં હમાસના નરસંહારનું સમર્થન

    સહુથી પહેલાં નજર કરીએ દેશની રાજધાની દિલ્હી તરફ, જ્યાં જામિયા મિલિયા ઇસ્લામિયામાં હમાસ-પેલેસ્ટાઇનના સમર્થનમાં કટ્ટરપંથી વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના ટોળાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ લોકોએ આતંકવાદી સંગઠન હમાસના સમર્થનમાં અને ઇઝરાયેલના વિરોધમાં નારા લગાવ્યા હતા. સ્વરાજ્યના પત્રકાર સ્વાતિ ગોએલ દ્વારા શૅર કરવામાં આવેલા વિડીયોમાં જોઈ શકાય છે કે બુરખા અને હિજાબ પહેરેલી યુવતીઓ હમાસ-પેલેસ્ટાઇનના સમર્થનમાં નારા લગાવી રહી છે. આ લોકોએ એક બેજ પણ લગાવ્યો છે, જેમાં લખ્યું છે-‘અમે હમાસની સાથે છીએ’. આ દરમિયાન આ કટ્ટરપંથી ટોળાએ ‘ઈન્તિફાદા ઈન્કલાબ’ના નારા પણ લગાવ્યા હતા. ‘ઈન્તિફાદા’ એક અરબી શબ્દ છે જેનો અર્થ થાય છે કે જડમૂળમાંથી ઉખાડી ફેંકવું.

    - Advertisement -

    જમ્મુ કશ્મીરમાં ‘ઇઝરાયેલ મુર્દાબાદ’ના નારા સાથે ઇઝરાયેલી ધ્વજ સળગાવ્યો

    આ તો થઇ દિલ્હીની વાત, હવે નજર કરીએ પાકિસ્તાનના સીમાડે અડીને આવેલા રાજ્ય જમ્મુ-કશ્મીરની. જમ્મુ કાશ્મીરના બડગામમાં જુમ્માની નમાજ બાદ ભેગી થયેલી કટ્ટરપંથીઓના ટોળાએ ‘નારા એ તકબીર, અલ્લા હુ અકબર’ના નારા સાથે ઇઝરાયેલી ધ્વજ સળગાવ્યો હતો. આ દરમિયાન આ ટોળાએ ઇઝરાયેલ સાથે-સાથે અમેરિકા વિરુદ્ધ પણ નારા લગાવીને હમાસના નરસંહારને સમર્થન આપ્યું હતું. આ લોકોના હાથમાં અંગ્રેજી અને ઉર્દૂમાં લખેલાં બેનરો પણ હતાં. આ બેનરોમાંના એક બેનરમાં ઈરાનના ઇસ્લામી નેતા મોહમ્મદ અલી ખુમેનેઈનો ફોટો પણ લાગેલો હતો. આ ઉપરાંત એક ફોટોમાં અંગ્રેજી ભાષામાં લખવામાં આવ્યું હતું કે, “યા અલ્લાહ, ગાઝા અને પેલેસ્ટાઇનમાં અમારા ભાઈ બહેનોની હિફાજત કરજો”

    તેલંગાણામાં ડૉ. ભીમરાવ આંબેડકરના પુતળા નીચે હમાસ-પેલેસ્ટાઇનને સમર્થન

    એવું નથી કે ભારતના ઉત્તરી ભાગમાં જ હમાસની ક્રૂરતા અને નરસંહારને સમર્થન આપીને ઇઝરાયેલનો વિરોધ કરવામાં આવ્યો હોય. દક્ષિણ ભારતના કટ્ટરપંથીઓ અને વામપંથીઓ પણ અમથી બાકાત નથી. BRS સાશિત તેલંગાણાના ચંદ્રશેખર રાવની પાર્ટી દ્વારા પણ હૈદરાબાદમાં પેલેસ્ટાઇન અને હમાસના સમર્થનમાં અને ઇઝરાયેલના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યાં. અહીં પણ કટ્ટરપંથીઓ અને વામપંથીઓએ ‘ગાઝા ક્યારેય નાશ નહીં પામે’ જેવાં સૂત્રો લખેલા પોસ્ટરો લહેરાવ્યાં. આ બધા જ પ્રદર્શનો ડૉ. ભીમરાવ આંબેડકરના પૂતળા નીચે કરવામાં આવ્યા. હમાસ સમર્થક ટોળાએ હાટમાં પકડેલા પોસ્ટરોમાં ‘નૌજવાન ભારત સભા’ અને ‘દિશા સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશન’ના નામ લખેલા હતા. સાથે જ ‘ઇઝરાયેલનો બહિષ્કાર કરો’ અને ‘પેલેસ્ટાઇનના લોકોનો સંઘર્ષ જિંદાબાદ’ જેવા નારા લખેલા હતા.

    તમિલનાડુમાં પણ કટ્ટરપંથીઓનું પ્રદર્શન, ઇઝરાયેલનો કર્યો વિરોધ

    દક્ષિણમાં જ સનાતન ધર્મને ‘ડેન્ગ્યુ- મેલેરિયા’ સાથે સરખાવનાર સ્ટાલિન શાસિત રાજ્ય તમિલનાડુમાં પણ ઇઝરાયેલ વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યા. ચેન્નઈમાં તમિલનાડુ મુસ્લિમ મુનેત્ર કઝગામ પેલેસ્ટાઇન અને હમાસના સમર્થના પ્રદર્શન કર્યું. આ ઉપરાંત સ્ટુડન્ટ ઇસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયા (SIO)એ પણ જુમ્મા એટલે કે આજના દિવસે આખા દેશમાં પ્રદર્શન કરવાની વાત કરી હતી. તેમ પણ કહેવામાં આવી રહ્યું છે કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન PFI (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા સાથે સંકળાયેલું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા-SDPI) પેલેસ્ટાઇનની આઝાદી માટે આખા દેશમાં પ્રદર્શન કરવાનું છે.

    પશ્ચિમ બંગાળમાં પણ 12મીએ પેલેસ્ટાઇનના સમર્થનમાં પ્રદર્શન થયાં હતાં

    ઉલ્લેખનીય છે કે ગુરુવારે (12 ઓકટોબર 2023)ના રોજ ક્રૂર આતંકવાદી સંગઠન હમાસ અને પેલેસ્ટાઇનના સમર્થના પશ્ચિમ બંગાળમાં પણ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. મમતા બેનર્જીની પાર્ટી TMC શાસિત પશ્ચિમ બંગાળના કલકત્તામાં માઈનોરીટી ફોરમના સભ્યોએ હમાસ અને પેલેસ્ટાઇનનું સમર્થન કરીને પ્રદર્શન કર્યા હતા. આ લોકોએ પેલેસ્ટાઇનની આઝાદીની માંગ કરતા બેનરો પણ લહેરાવ્યાં. આ સાથે જ આ સંગઠને ભારત દ્વારા કરવામાં આવેલા ઇઝરાયેલન સમર્થનનો પણ વિરોધ કર્યો અને વડાપ્રધાન મોદી સુધી આ વાત પહોંચાડવા માટે રાજ્યપાલને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું.

    પ્રદર્શનોને લઈને ભારતની સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર

    ઉલ્લેખનીય છે કે હમાસના આતંકવાદી હુમલાના વિરુદ્ધ ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીઓને લઈને પશ્ચિમ એશિયાના અનેક દેશોમાં જુમ્માના દિવસે વિરોધ પ્રદર્શન થવાની આશંકાઓ જાહેર કરવામાં આવી હતી. જેને લઈને ભારતની સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઇ ગઈ છે. દિલ્હી-એનસીઆર, તેલંગાણા, કેરળ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, જમ્મુ કશ્મીર, અને કર્નાટક સહિતના રાજ્યોમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. ખાસ કરીને દિલ્હીમાં એજન્સીઓ વિશેષ ચોકસાઈ દાખવી રહી છે. લોકોને ઉશ્કેરીને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને હાનિ પહોંચાડી શકે તેવાં સંગઠનો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને નમાજ બાદ લોકોને એક સ્થાને ભેગા ન થવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત દિલ્હી સ્થિત ઇઝરાયેલી દૂતાવાસ તેમજ યહૂદીઓની વસતીવાળા વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સાથે જ દેશમાં માહોલ બગાડી શકે તેવાં સોશિયલ મીડિયા હેન્ડલો પર પણ નજર રાખવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં