રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં PM નરેન્દ્ર મોદી દેશના વિભિન્ન મંદિરોની મુલાકાતે જઈ રહ્યા છે. મહારાષ્ટ્રના શ્રી કલારામ મંદિર બાદ તેઓ આંધ્રપ્રદેશના લેપાક્ષી સ્થિત વિરભદ્ર મંદિર પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ કેરળના પ્રસિદ્ધ ગુરુવાયુર મંદિર પહોંચ્યા હતા. જે બાદ હવે તેઓ તમિલનાડુના પ્રવાસ પર છે. આ દરમિયાન તેમણે શ્રી રંગનાથસ્વામી મંદિરના દર્શન કર્યા છે. જ્યાં તેમણે પૂજા-અર્ચના પણ કરી છે. આ ઉપરાંત તેમણે ત્યાં ગજરાજના આશીર્વાદ પણ મેળવ્યા છે.
શનિવારે (20 જાન્યુઆરી) PM મોદી તમિલનાડુના પ્રવાસ પર છે. આ દરમિયાન તેમણે તમિલનાડુના તિરુચિરાપલ્લી સ્થિત શ્રી રંગનાથસ્વામી મંદિરના દર્શન કર્યા હતા. દર્શન કરીને તેમણે ભગવાન રંગનાથસ્વામીની પૂજા-અર્ચના પણ કરી હતી. નોંધનીય છે કે, તેઓ આ મંદિરમાં દર્શને આવનારા પ્રથમ વડાપ્રધાન છે. પૂજા-અર્ચના બાદ તેમણે અંદલ નામના ગજરાજને ગોળ ખવડાવીને તેમનો આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યો હતો. PM મોદી રંગનાથસ્વામી મંદિરે દર્શન કર્યા બાદ શ્રી રામાયણ પારાયણ કાર્યક્રમમાં ભાગ લેશે.
#WATCH | Tamil Nadu: An elephant at Sri Ranganathaswamy Temple in Tiruchirappalli blessed Prime Minister Narendra Modi and played a mouth organ as PM visited the temple to offer prayers.
— ANI (@ANI) January 20, 2024
PM Narendra Modi is the first prime minister to visit Sri Ranganathaswamy Temple in… pic.twitter.com/3YI22dO0UM
આ કાર્યક્રમમાં 8 અલગ-અલગ પારંપરિક મંડળીઓ પ્રભુ શ્રીરામના અયોધ્યા વાપસીના પ્રસંગનું વર્ણન કરશે. આ મંડળીઓ સંસ્કૃત, અવધી, કાશ્મીરી, ગુરુમુખી, અસમિયા, બંગાળી, મૈથિલી અને ગુજરાતી ભાષામાં રામકથાનો પાઠ કરશે. જે બાદ વડાપ્રધાન રામેશ્વર પહોંચશે અને શ્રી અરુગમિગુ રામનાથસ્વામી મંદિરમાં દર્શન અને પૂજા કરશે. જે બાદ તેઓ ભજન સંધ્યામાં પણ ભાગ લેશે. શ્રી રંગનાથસ્વામી મંદિર અને રામેશ્વરમ મંદિર ભગવાન રામના જીવન સાથે જોડાયેલા છે અને ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે.
ભગવાન વિષ્ણુને સમર્પિત છે રંગનાથસ્વામી મંદિર
તમિલનાડુનું શ્રી રંગનાથસ્વામી મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. અહીં ભગવાન વિષ્ણુની શેષનાગ પર શયન કરી રહેલા સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે. આ મંદિર દેશના સૌથી પ્રાચીન મંદિરોમાંનું એક છે. પૌરાણિક માન્યતા અનુસાર, અહીં ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણે દેવતાઓની પૂજા કરી હતી. આ મંદિરની રચના વિજયનગરના મહાન હિંદુ સામ્રાજ્યના સમયે થઈ હોવાનું મનાય છે. તેનો ઉલ્લેખ પુરાણો સહિતના અન્ય ધર્મગ્રંથોમાં પણ જોવા મળે છે.
આ મંદિર તેની સ્થાપત્ય કળા અને ગોપુરમ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ ઉપરાંત તમિલ કવિ કંબને અહિયાં પ્રથમવાર કમ્બ રામાયણને સાર્વજનિક રૂપે પ્રસ્તુત કરી હતી. નોંધનીય છે કે, રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પહેલાં ચાલી રહેલા અનુષ્ઠાનો દરમિયાન વડાપ્રધાન મોદી રામાયણ કાળ સાથે જોડાયેલા અનેક મંદિરોના દર્શને ગયા હતા. આંધ્રપ્રદેશના વિરભદ્ર મંદિરની મુલાકાત દરમિયાન તેઓ રામ ભજનમાં મંત્રમુગ્ધ પણ થયા હતા.