કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કચેરીઓની પસ્તી, જૂની ફાઈલો, બીજા નકામા કાગળો અને અન્ય ઓફિસની ચીજવસ્તુઓ વેચીને એટલી કમાણી કરી છે કે તેનાથી બે ચંદ્રયાન મિશનને ભંડોળ પૂરું પાડી શકાય તેમ છે. તાજેતરમાં એક રિપોર્ટમાં આ બાબત સામે આવી છે.
ન્યૂઝ18 ઇન્ડિયાએ એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું કે ઓક્ટોબર, 2021થી અત્યાર સુધી કેન્દ્ર સરકારે પસ્તી-ભંગાર વેચીને કુલ ₹1,163 કરોડ રૂપિયા ઉભા કર્યા છે. જેમાંથી ₹557 કરોડ માત્ર ઓક્ટોબર, 2023માં કમાયા હતા, જ્યારે સરકારે એક મહિના સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું.
સરકારી રિપોર્ટને ટાંકીને જણાવવામાં આવ્યું કે, ઓક્ટોબર, 2021થી અત્યાર સુધીમાં કુલ 96 લાખ જેટલી ફાઈલોનો નિકાલ કરવામાં આવ્યો અને સરકારી કચેરીઓમાં લગભગ 355 લાખ સ્ક્વેર ફિટ જેટલી જગ્યા ખાલી કરવામાં આવી. જેનો ઉપયોગ હવે અન્ય કામોમાં થઈ શકશે.
આ વર્ષે સરકારે જે ₹556 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, તેમાંથી ₹225 કરોડ રૂપિયા માત રેલવે મંત્રાલયે જ કમાયા. જ્યારે રક્ષા મંત્રાલયે ₹168 કરોડ, પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલયે ₹56 કરોડ અને કોલસા મંત્રાલયે ₹34 કરોડની કમાણી કરી હતી. જ્યારે આ વર્ષે જે 164 લાખ સ્ક્વેર ફિટ જગ્યા ખાલી કરવામાં આવી, તેમાંથી મોટાભાગની (66 લાખ સ્ક્વેર ફિટ) જગ્યા કોલ મિનિસ્ટ્રી અને ત્યારબાદ હેવી ઈન્ડસ્ટ્રી મિનિસ્ટ્રીએ (21 લાખ સ્ક્વેર ફિટ) ખાલી કરી હતી.
રિપોર્ટ અનુસાર, આ વર્ષે 24 લાખ જેટલી ફાઈલોનો નિકાલ કરવામાં આવ્યો અને જેમાંથી મોટાભાગની ફાઈલો વિદેશ મંત્રાલયની (3.9 લાખ) હતી. જ્યારે રક્ષા મંત્રાલયની 3.15 લાખ ફાઇલનો પણ નિકાલ કરવામાં આવ્યો.
અહીં ઉલ્લેખનીય છે કે ભારત સરકારે જે મિશન ચંદ્રયાન-3 સફળતાપૂર્વક પાર પાડ્યું તેનું બજેટ માત્ર ₹600 કરોડ જેટલું હતું. આમ આ રકમ મોટી લાગે, પરંતુ જ્યારે અન્ય દેશોનાં આ પ્રકારનાં મિશન સાથે સરખામણી કરવામાં આવે તો તેના પ્રમાણમાં આ રકમ બહુ નાની ગણાય. કારણ કે રશિયાએ જે મૂનમિશન લૉન્ચ કર્યું હતું અને જે પછીથી નિષ્ફળ ગયું તેની પાછળ કુલ ₹16000 કરોડ ખર્ચ થયો હતો. એટલું જ નહીં, આ મૂન મિશનો પર અમુક જે હોલીવુડ ફિલ્મો બની છે તે પાછળ પણ 600 કરોડ કરતાં વધુ ખર્ચ થયો છે.
જેથી મોદી સરકારે જે પસ્તી વેચીને કમાણી કરી છે, તે બે ચંદ્રયાન મિશનોને ભંડોળ પૂરું પાડી શકાય તેટલી છે.