Saturday, November 23, 2024
More
    હોમપેજમંતવ્યઉત્તરાખંડનું માણા ભારતનું અંતિમ નહીં પરંતુ પ્રથમ ગામ: વડાપ્રધાન મોદીના એલાન બાદ...

    ઉત્તરાખંડનું માણા ભારતનું અંતિમ નહીં પરંતુ પ્રથમ ગામ: વડાપ્રધાન મોદીના એલાન બાદ મોટું પરિવર્તન, લોકોએ કહ્યું- પછાત માનસિકતાથી સનાતન શાશ્વત તરફનું પગલું

    ભારતનું પ્રથમ ગામ માણા અદ્ભુત સંસ્કૃતિક અને ધાર્મિક વારસો ધરાવે છે, અને તે ઉપરાંત ત્યાં મળતી કેટલી વસ્તુઓના કારણે પણ આ ગામ પર્યટકોને આકર્ષે છે.

    - Advertisement -

    એક સમયે દેશના અંતિમ ગામ તરીકે ઓળખાતું ઉત્તરાખંડનું માણા હવે ભારતનું અંતિમ નહીં પરંતુ પ્રથમ ગામ બની ગયું છે. રાજ્યના ચમોલી સ્થિત આ ગામને પહેલા દેશનું અંતિમ ગામ તરીકે જાણવામાં આવતું હતું. પરંતુ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા ગત સોમવારે ચીનની સીમાને અડીને આવેલા આ ગામની બહારનું સાઈન બોર્ડ ફેરવી નાંખ્યું હતું. જે બોર્ડમાં પહેલા “ભારતનું અંતિમ ગામ માણા” લખેલું હતું, ત્યાં હવે ભારતનું “પ્રથમ ગામ માણા” લખેલું છે.

    આ પરિવર્તન આવવા પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2022માં 21 ઓક્ટોબરના રોજ માણા ખાતે યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં તેમણે કરેલી ઘોષણા છે. તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, માણા ગામ દેશનું અંતિમ ગામ નથી પરંતુ પ્રથમ ગામ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે દેશની સીમાઓ પર વસેલા તમામ ગામો દેશના પ્રથમ ગામ કહેવાશે.

    પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે, પહેલા જે વિસ્તારોને દેશની સીમાઓનો અંત માનીને તેમના પર ધ્યાન નહોતું આપવામાં આવતું, અમે ત્યાંથી દેશની સમૃદ્ધિનો આરંભ માનવાનું શરુ કરી દીધું છે. લોકો માણા આવે અને જુએ કે અહી ડીજીટલ ટેકનોલોજીનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. તે પહેલા વડાપ્રધાને 21મી સદીના ત્રીજા દશકાને ઉત્તરાખંડનો નવો દશકો ગણાવ્યો હતો. વડાપ્રધાન મોદીની આ જ વાત જણાવતા રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે અમારી સરકાર સીમા ક્ષેત્રોના સર્વાંગી વિકાસ માટે સદા સમર્પિત છે અને હવે અંતિમ નહી, પરંતુ ભારતનું પ્રથમ ગામ છે માણા.

    - Advertisement -

    સોશિયલ મીડિયામાં લોકોએ મોદી સરકારના નિર્ણયને વધાવ્યો

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા માણાને ભારતનું પ્રથમ ગામ જાહેર કરવાના નિર્ણયને સોશિયલ મીડિયામાં લોકોએ વધાવીને ટીપ્પણીઓ કરી હતી.

    રાજેશ વર્મા નામના યુઝરે વડાપ્રધાન મોદીએ સીમાડાઓની દ્રષ્ટિકોણ બદલતા આ નિર્ણયને ટાંકતા લખ્યું હતું કે, “ઉત્તરાખંડ: ચમોલીનું માણા ગામ ભારતનું અંતિમ નહી પરંતુ ભારતના પ્રથમ ગામ તરીકે ઓળખાશે, શબ્દોનું પરિવર્તન વિચારો અને લાગણીઓને કેટલા બદલી નાંખે છે, પછાત માનસિકતાથી સનાતન શાશ્વત તરફનું પગલું.”

    અન્ય એક યુઝર ત્રિભુવન શર્માએ કોંગ્રેસ પર નિશાન સાધીને વડાપ્રધાન મોદીના નિર્ણયને વધાવ્યો હતો. તેઓ લખે છે, “કોંગ્રેસે આને અંતિમ ગામ કહ્યું હતું, મોદી સરકારે તેને પ્રથમ ગામ બનાવી દીધું. ઉત્તરાખંડનું માણા ગામ હવે અંતિમ ગામની જગ્યાએ ‘ફર્સ્ટ ઈન્ડીયન વિલેજ’ના નામે ઓળખાશે, આ ગામ ચમોલી જિલ્લામાં છે, અને ચીનની સીમા પાસે આવેલું છે.”

    તો સુદીપ કુમાર નામના યુઝરે પણ વડાપ્રધાન મોદીના નિવેદનનો ઉલ્લેખ કરી આ ગામને પ્રથમ ગામ ઘોષિત કરવામાં આવ્યું હોવાની માહિતી આપી હતી, તેઓ લખે છે, “ઉત્તરાખંડનું માણા ગામ જે પહેલા ભારતનું અંતિમ ગામ હતું તે હવે ભારતનું પ્રથમ ગામ બની ગયું છે. BRO દ્વારા ગામના પ્રવેશદ્વાર પર અંતિમ ગામનું સાઈન બોર્ડ હટાવીને પ્રથમ ગામનું બોર્ડ લગાવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે સીમા પર વસેલા તમામ ગામો દેશના પ્રથમ ગામ હશે.”

    ભારત-ચીન સીમાથી માત્ર 24 કિલોમીટર દુર

    ભારતનું પ્રથમ ગામ માણા ચીનની સરહદથી માત્ર 24 કિલોમીટર જેટલાં અંતરે આવેલું છે. આ ગામ સમુદ્રની સપાટીથી 3,219 મીટરની ઉંચાઈએ વસેલું છે. અત્યારસુધી પર્યટકોને અહી “ભારતનું અંતિમ ગામ” કે પછી “ઈન્ડીયાઝ લાસ્ટ કૉફી એન્ડ ટોફી કોર્નર”ના સાઈન બોર્ડ નજરે પડતા હતા, પરંતુ વડાપ્રધાન મોદીના વિઝને અંતિમને પ્રથમ હરોળમાં મુક્યા બાદ હવે પ્રકૃતિની સુંદરતા માણવા આવતા પર્યટકોને અહી ભારતના પ્રથમ ગામના સાઈન બોર્ડ જોવા મળશે.

    ભારતના પ્રથમ ગામ માણામાં પ્રવાસ માટે મે મહિનાથી નવેમ્બરની શરૂઆતનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણકે ઉંચાઈ પર વસેલું આ ગામ શિયાળાની ઠંડીમાં બરફની ચાદર નીચે ઢંકાઈ જાય છે. જેથી માત્ર ઉનાળાના સમયમાં અહી પ્રવાસ કરવો શક્ય બને છે, અને ઉનાળામાં જ અહી બદ્રીનાથની યાત્રા કરી શકાય છે. ચોમાસામાં પણ માણા ગામના રસ્તાઓ પ્રવાસ લાયક નથી હોતા, અને શિયાળામાં ગામના સ્થાનિક રહેવાસીઓ પણ નીચાણ વાળા વિસ્તારોમાં ચાલ્યા જાય છે.

    માણા ગામ પહોંચવા માટે સરળ રૂટ

    સડક માર્ગે અહી પહોંચવા માટેનો રસ્તો હરિદ્વારથી શરુ થઈને માણા સુધી પહોંચે છે, ત્યાર બાદ NH-58થી આપ જોશીમઠ પહોંચી શકો છો. જોશીમઠથી 20 કિલોમીટરના અંતરે ગોવિંદઘાટ અને ત્યાંથી 25 કિલોમીટરનો સફર ખેડીને બદ્રીનાથ જઈ શકાય છે. બદ્રીનાથથી માણા ગામ માત્ર 4 કિલોમીટર દુર છે. જો આપ હવાઈ મુસાફરી કરીને ભારતના પ્રથમ ગામે જવા માંગતા હોવ તો સહુથી નજીકનું એરપોર્ટ દેહરાદુન જોલી ગ્રાન્ટ એરપોર્ટ છે. ત્યાંથી માણા ગામનું અંતર લગભગ 341 કિલોમીટર છે. એરપોર્ટથી ટેક્સી લઈને માણા પહોંચી શકો છો. જયારે ટ્રેન મારફતે આપે હરિદ્વાર સ્ટેશન ઉતરવું પડશે અને ત્યાંથી 275 કિલોમીટરનો રસ્તો બસ કે ટેક્સી દ્વારા કાપવો પડશે.

    ભારતનું પ્રથમ ગામ માણા મહાભારત સાથે સંકળાયેલું, જાણીએ શું છે વિશેષતા

    ભારતનું પ્રથમ ગામ માણા અદ્ભુત સંસ્કૃતિક અને ધાર્મિક વારસો ધરાવે છે, અને તે ઉપરાંત ત્યાં મળતી કેટલી વસ્તુઓના કારણે પણ આ ગામ પર્યટકોને આકર્ષે છે. માણા ગામ ઘેટાના ઉનના વસ્ત્રો જેવા કે શાલ, ટોપી, મફલર, આસન, પંખી (ઘેટાના ઉનમાંથી બનેલો પાતળો ધાબળો) અને ગાલીચા માટે પ્રખ્યાત છે. આ સિવાય અહીની પ્રાકૃતિક સુંદરતા પણ પ્રવાસીઓના મન મોહે છે.

    અહીંથી પ્રવાસીઓ સરસ્વતી નદીના ઉદગમ સ્થાન સુધી પહોંચી શકે છે, અને અહી સરસ્વતી નદીને અલકનંદા નદીમાં પ્રવાહિત થતી જોઈ શકાય છે, જેના કારણે આ પવિત્ર સ્થળને કેશવ પ્રયાગ પણ કહેવામાં આવે છે. અહી એક પથ્થરનો પુલ પણ પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે, જેને “ભીમ પુલ” તરીકે ઓળખવામાં આવે છે. તેવી માન્યતા છે કે પાંચ પાંડવોમાં વચેટ મહાબલી ભીમે આ પુલનું નિર્માણ કર્યું હતું. એક માન્યતા તેવી પણ છે કે જયારે પાંડવો પોતાની સ્વર્ગની અંતિમ યાત્રા પર હતા તે સમયે તેમણે માણા ગામનો પણ પ્રવાસ કર્યો હતો. આ રીતે ઉત્તરાખંડમાં સ્થિત ભારતનું આ પ્રથમ ગામ મહાભારત કાળથી પોતાનું આગવું અસ્તિત્વ ધરાવે છે તેમ કહી શકાય.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં