કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીર સ્થિત સંગઠન ‘મુસ્લિમ લીગ જમ્મુ-કાશ્મીર (મસરત આલમ જૂથ) પર પ્રતિબંધ મૂકી દીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ બાબતની સત્તાવાર જાણકારી આપવામાં આવી હતી અને ત્યારબાદ સ્વયં ગૃહમંત્રી અમિત શાહે પણ પુષ્ટિ કરી હતી.
નિર્ણયની જાણકારી આપતાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર મસરત આલમ જૂથને UAPA (અનલૉફૂલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ) હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. તેમણે આગળ લખ્યું કે, આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રવિરોધી અને અલગાવવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતા અને પ્રદેશમાં ઇસ્લામી શાસન સ્થાપિત કરવા માટે લોકોને ઉશ્કેરતા હતા.
The ‘Muslim League Jammu Kashmir (Masarat Alam faction)’/MLJK-MA is declared as an 'Unlawful Association' under UAPA.
— Amit Shah (@AmitShah) December 27, 2023
This organization and its members are involved in anti-national and secessionist activities in J&K supporting terrorist activities and inciting people to…
ગૃહમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે કોઈ પણ દેશની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતા સામે કામ કરશે તેને છોડવામાં નહીં આવે અને કડક હાથે તેમની વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવશે.
મુસ્લિમ લીગ જમ્મુ-કાશ્મીર પર પ્રતિબંધ મામલેની જાણકારી આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું કે સંગઠન ભારતવિરોધી અને પાકિસ્તાન સમર્થક પ્રોપગેન્ડા માટે જાણીતું છે, જેનો ઉદ્દેશ્ય જમ્મુ-કાશ્મીરને ભારતથી આઝાદ કરીને પાકિસ્તાન સાથે જોડવાનો અને ત્યાં ઇસ્લામિક શાસન સ્થાપવાનો છે. આ સંગઠનના સભ્યો કાશ્મીરમાં અલગાવવાદી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા હતા.
સરકારે જણાવ્યું છે કે, સંગઠનના સભ્યો અને નેતાઓ પાકિસ્તાન અને ત્યાં સક્રિય સંગઠનો પાસેથી ફંડ પણ ઉઘરાવતા હતા અને તેનો ઉપયોગ ભારતમાં આતંકી ગતિવિધિઓને સમર્થન કરવા માટે અને સુરક્ષાબળો પર હુમલા કરવા માટે કરતા હતા. ઉપરાંત, તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાના અનેક ઇનપુટ્સ અત્યાર સુધીમાં મળી ચૂક્યા છે.
Ministry of Home Affairs (MHA) declared the ‘Muslim League Jammu Kashmir (Masarat Alam faction)’ MLJK-M as an 'Unlawful Association' under the Unlawful Activities (Prevention) Act with immediate effect for the next five years with Union Home Minister Amit Shah clarifying "anyone… pic.twitter.com/w8C18c1oda
— ANI (@ANI) December 27, 2023
સંગઠનના અધ્યક્ષ મસરત આલમ ભટનો ઉલ્લેખ કરીને નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું કે, તે અને તેના સાથીઓ ગેરકાયદેસર ગતિવિધિઓમાં લિપ્ત હતા, જે દેશની અખંડિતતા, સાર્વભૌમત્વ, સુરક્ષા અને સાંપ્રદાયિક એકતા માટે જોખમ છે. જેથી આવા સંગઠન સામે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ આ પ્રકારની ગતિવિધિઓ ચાલુ રાખશે. જેથી સરકાર તાત્કાલિક અસરથી તેને ગેરકાયદેસર ઘોષિત કરે છે. સરકારે જણાવ્યું કે આ કાર્યવાહી UAPA હેઠળ કરવામાં આવી છે.
કોણ છે મસરત આલમ?
મસરત આલમ ભટ 2019થી દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. તેની સામે ટેરર ફન્ડિંગનો કેસ ચાલી રહ્યો છે. 2010માં કાશ્મીરમાં યોજાયેલા એક પ્રદર્શન દરમિયાન થયેલા પથ્થરમારા પાછળ તેની ભૂમિકા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, માર્ચ, 2015માં તેને છોડવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ બીજા જ મહિને કેન્દ્ર સરકારે પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ તેની ધરપકડ કરીને તિહાડ જેલમાં બંધ કરી દીધો હતો.
તે હુરીયત કૉન્ફરન્સનો ચેરમેન પણ છે. 2021માં સૈયદ અલી શાહ ગિલાનીના મોત બાદ તે ચેરમેન બન્યો હતો. તે પાકિસ્તાન સમર્થક છે અને કાશ્મીરમાં ઇસ્લામિક શાસન સ્થાપવા માટે કામ કરતો રહ્યો છે.
સંગઠન પર પ્રતિબંધની વાત કરવામાં આવે તો જો કોઇ સંગઠન રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં સામેલ હોય તો કેન્દ્રીય ગૃહમંત્રાલય તેને UAPA હેઠળ ‘ગેરકાયદેસર’ ઘોષિત કરી શકે છે. સામાન્ય બોલચાલની ભાષામાં તેને પ્રતિબંધ કહેવાય છે. સામાન્ય રીતે 5 વર્ષ માટે આ પ્રતિબંધ લગાવાય છે, પરંતુ ત્યારબાદ પણ તેની સમયમર્યાદા વધી શકે છે. સપ્ટેમ્બર, 2022માં કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા નામના ઇસ્લામી કટ્ટરપંથી સંગઠન પર પ્રતિબંધ મૂકી દીધો હતો.