મોદી સરકાર વતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રજૂ કરેલાં ત્રણ નવાં ક્રિમિનલ લૉ બિલ લોકસભામાંથી પસાર કરી દેવામાં આવ્યાં છે. આ ત્રણેય બિલ હાલના ઇન્ડિયન પિનલ કોડ (IPC), કોડ ઑફ ક્રિમિનલ પ્રોસીજર (CrPC) અને ઇન્ડિયન એવિડન્સ એક્ટનું સ્થાન લેશે. ગત સપ્તાહે ગૃહમંત્રીએ આ બિલ રજૂ કર્યાં હતાં, જેની ઉપર આજે ચર્ચા ચાલી અને ગૃહમંત્રીએ જવાબ પણ આપ્યો હતો. ત્યારબાદ મતદાન કરીને પસાર કરી દેવામાં આવ્યાં.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં સપ્ટેમ્બરમાં ચોમાસું સત્ર દરમિયાન સરકારે આ ત્રણ બિલ રજૂ કર્યાં હતાં, પરંતુ આ શિયાળુ સત્ર દરમિયાન તેને પરત ખેંચી લેવામાં આવ્યાં હતાં. ત્યારબાદ નાના-મોટા જરૂરી સુધારા કરીને ગત મંગળવારે (12 ડિસેમ્બર) બિલ ફરીથી લોકસભામાં રજૂ કરવામાં આવ્યાં હતાં.
આ બિલ પર બોલતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે, સરકારે રાજદ્રોહનો કાયદો ખતમ કરી દીધો છે. તેમણે કહ્યું, “બ્રિટિશોએ બનાવેલા રાજદ્રોહના કાયદાનો તે સમયની સરકારે ખૂબ દુરુપયોગ કર્યો હતો અને તેના કારણે આપણા સ્વતંત્રતા સેનાનીઓને દાયકાઓ સુધી જેલમાં રહેવું પડતું. પહેલી વખત મોદી સરકારે આ કાયદો સંપૂર્ણપણે ખતમ કરવાનો નિર્ણય લીધો છે.”
Speaking in the Lok Sabha on three new criminal law bills. https://t.co/R9dNYYD0VA
— Amit Shah (@AmitShah) December 20, 2023
ગૃહમંત્રીએ આ સાથે જણાવ્યું કે, સરકાર રાજદ્રોહને સ્થાને દેશદ્રોહનો કાયદો લાવી છે. એટલે કે સરકાર સામે બોલવા બદલ કોઇ સજા થશે નહીં, પરંતુ દેશવિરોધી ગતિવિધિઓ બદલ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે, “કોઇ પણ વ્યક્તિ સરકારની ટીકા કરી શકે છે. સરકારની ટીકા બદલ કોઇ જેલ નહીં જાય. પણ કોઇ દેશ સામે બોલી શકે નહીં.”
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, આ નવા બિલમાં મોબ લિન્ચિંગને ગુનો ગણવામાં આવ્યો છે અને અને તે માટે મૃત્યુદંડની સજાની જોગવાઈ કરવામાં આવે છે. તેમણે આ જાણકારી આપતાં ભૂતકાળમાં શાસન કરી ચૂકેલી કોંગ્રેસ સરકારને પણ આદેહથ લીધી અને કહ્યું કે, કોંગ્રેસ હંમેશા મોબ લિન્ચિંગ માટે ભાજપને દોષ આપતી રહી, પણ ક્યારેય કાયદો બનાવવાનું યાદ ન આવ્યું.
તેમણે કહ્યું કે, “મોબ લિન્ચિંગ એક ધૃણાસ્પદ ગુનો છે અને નવા કાયદા હેઠળ અમે તે બદલ મૃત્યુદંડની સજાની જોગવાઈ કરી રહ્યા છીએ. પરંતુ હું કોંગ્રેસને પૂછવા માંગુ છું કે તમે વર્ષો સુધી દેશ પર શાસન કર્યું તો શા માટે મોબ લિન્ચિંગ વિરુદ્ધ કાયદો ન બનાવ્યો? તમે માત્ર અમને દોષ આપવા માટે જ આ શબ્દનો ઉપયોગ કર્યો છે, પરંતુ સત્તામાં હોવા છતાં ક્યારેય કાયદો બનાવ્યો નહીં.”
#WATCH | Delhi: Home Minister Amit Shah in Lok Sabha says, "…For poor, the biggest challenge to get justice is the financial challenge…For years 'Tareekh pe tareekh' keep going. Police hold the judicial system responsible. The government holds the police and judiciary… pic.twitter.com/B2EFtlhMzP
— ANI (@ANI) December 20, 2023
ગૃહમંત્રી શાહે કહ્યું કે, “આ દેશમાં ન્યાય મેળવવામાં સૌથી મોટો પડકાર જો કોઈ હોય તો ગરીબો માટે તો આર્થિક પડકારો છે….પરંતુ બંધારણે તેની પણ યોજના બનાવી છે કે ગરીબમાં ગરીબ વ્યક્તિને ન્યાય મળે તે માટે વકીલ પણ આપવામાં આવે છે. પરંતુ ન્યાય મળતો જ નથી. વર્ષો સુધી ‘તારીખ…પર તારીખ…’ પડતી રહે છે. પોલીસ ન્યાયતંત્ર પર દોષ આપે છે, સરકાર પોલીસ અને ન્યાયતંત્ર બંનેને દોષ આપે છે અને પોલીસ અને ન્યાયતંત્ર સરકારને દોષ આપે છે. બધા એકબીજાને દોષ આપતા રહે છે. અમે આ કાયદામાં અનેક બાબતો બદલી છે.”
તેમણે ઉમેર્યું કે, કેન્દ્ર સરકારના નવા કાયદાઓનો ઉદ્દેશ્ય ગુનાહીત ન્યાયપ્રણાલીને પુનર્જીવિત કરવાનો છે, જેમાં સજાને બદલે ન્યાય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. એમ પણ કહ્યું કે, બ્રિટીશ સમયના કાયદાઓ વિદેશી શાસન ટકાવી રાખવા માટે હતા, જ્યારે આ નવા કાયદાઓ ભારતના લોકોને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવ્યા છે.
નોંધનીય છે કે ત્રણેય બિલ લોકસભામાં પસાર થઈ ગયા છે. હવે રાજ્યસભામાં રજૂ કરીને પસાર થયા બાદ રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે, જ્યાંથી તેને મંજૂરી મળ્યા બાદ IPC, CrPC અને એવિડન્સ એક્ટનું સ્થાન લઇ લેશે.