Tuesday, May 7, 2024
More
    હોમપેજસ્પેશ્યલઅંગ્રેજોના જમાનાના કાયદાઓ બદલાશે, મોદી સરકાર લાવી રહી છે નવા કાયદાઓ: ગૃહમંત્રી...

    અંગ્રેજોના જમાનાના કાયદાઓ બદલાશે, મોદી સરકાર લાવી રહી છે નવા કાયદાઓ: ગૃહમંત્રી અમિત શાહે રજૂ કરેલાં 3 બિલમાં શું-શું જોગવાઈઓ કરવામાં આવી છે?- જાણીએ સરળ શબ્દોમાં

    ત્રણ નવાં બિલમાં મહિલાઓ અને બાળકો સાથે થતા અપરાધો પર કડક સજાની જોગવાઈ, ક્યાંયથી પણ દાખલ થઇ શકશે FIR, પોલીસ, વકીલોથી માંડીને ન્યાયતંત્ર વધુ જવાબદેહ બનશે.

    - Advertisement -

    શુક્રવારે (11 ઓગસ્ટ, 2023) સંસદ સત્રના અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ત્રણ અગત્યનાં બિલ રજૂ કર્યાં. આ બિલ ભારતની ‘ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ’માં મોટાપાયે ફેરફારો લાવવામાં મદદરૂપ થશે. અત્યાર સુધી ગુનાઓ અને ન્યાય માટે જે IPC, CrpC અને એવિડન્સ એક્ટ ઉપયોગમાં લેવામાં આવતા હતા, તે હવે બદલાય રહ્યા છે. 

    કેન્દ્રીય ગૃહમંત્રીએ ત્રણ બિલ રજૂ કર્યાં હતાં- 1) ભારતીય ન્યાય સંહિતા- 2023, 2) ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા- 2023 અને 3) ભારતીય સાક્ષ્ય અધિનિયમ- 2023. આ ત્રણેય બિલ અનુક્રમે ઇન્ડિયન પીનલ કોડ- 1860, ક્રિમિનલ પ્રોસીજર કોડ- 1898 અને એવિડન્સ એક્ટ- 1872નું સ્થાન લેશે.

    બિલ રજૂ કરતાં ગૃહમંત્રીએ કહ્યું કે, આ ત્રણેય બિલ દંડ વિધાન પ્રક્રિયાના મૂળભૂત કાયદાઓમાં બદલાવ લાવશે. હાલ જે ત્રણ કાયદાઓ અમલમાં છે એ અંગ્રેજ શાસન દરમિયાન અંગ્રેજોની સંસદમાં બનાવવામાં આવ્યા હતા, જેનો ઉદ્દેશ્ય ન્યાયનો નહીં પણ સજા આપવાનો હતો. પરંતુ આ નવા કાયદાઓમાં ભારતના નાગરિકોને બંધારણ દ્વારા જે અધિકાર મળ્યા છે તેની સુરક્ષા કરવાનો મૂળ ઉદ્દેશ્ય હશે. અગાઉના કાયદા શાસનને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવ્યા હતા, જેમાં પહેલાં રાજદ્રોહની કલમો આવતી અને પછી માનવવધની, પણ નવા કાયદાઓમાં બાળકો અને મહિલાઓ સાથે થતા ગુનાઓ અને માનવવધ વગેરેને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. 

    - Advertisement -

    હાલ IPCમાં કુલ 511 ધારાઓ છે, પરંતુ નવા ભારતીય ન્યાય સંહિતામાં 356 ધારાઓ જ હશે. 8 નવી ધારાઓ ઉમેરવામાં આવશે અને 22 રદ કરી દેવામાં આવશે. 175માં બદલાવ કરવામાં આવી રહ્યા છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં કુલ 533 કલમ હશે, જેમાંથી 160 કલમ બદલવામાં આવી છે, 9 નવી કલમો ઉમેરવામાં આવી છે અને 9 રદ કરવામાં આવી છે. ભારતીય સાક્ષ્ય અધિનિયમમાં હાલ 166 કલમ છે, તેની જગ્યાએ કુલ 170 કલમ હશે. 23 કલમ બદલવામાં આવી છે, 5 રદ કરવામાં આવી છે અને નવી એક કલમ ઉમેરવામાં આવી છે. 

    મોદી સરકાર આ કાયદાઓ દ્વારા ગુલામીનું એક પ્રતીક હટાવવા જઈ રહી છે. અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા આ કાયદાઓમાં યુકેની સંસદની માંડીને, ‘જ્યુરી’ અને ‘બેરિસ્ટર’, ‘લાહોર સરકાર’, ‘કોમનવેલ્થ પ્રસ્તાવ’, ‘હર મેજેસ્ટી’, ‘લંડન ગેઝેટ’ અને બ્રિટિશ ક્રાઉન જેવા અંગ્રેજોને લગતા શબ્દોનો કુલ 475 જગ્યાએ ઉલ્લેખ હતો, જે તમામ હટાવી દેવામાં આવ્યા છે. 

    સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલાઇઝ કરવામાં આવશે 

    કાયદાઓની મહત્વપૂર્ણ જોગવાઈઓ પર પણ ગૃહમંત્રીએ પ્રકાશ પાડ્યો હતો. જેમકે હવે ન્યાયિક અને તપાસ પ્રક્રિયામાં દસ્તાવેજોની પરિભાષા વિસ્તૃત કરી દેવામાં આવી છે. જે હેઠળ ઇલેક્ટ્રોનિક કે ડિજિટલ રેકોર્ડ, ઈ-મેઈલ, કોમ્પ્યુટર, મોબાઈલ ફોન, લેપટોપ, વેબસાઈટ, લોકેશન, ડિવાઇસ પરના મેસેજ- આ તમામને કાયદાકીય અધિકૃતતા આપવામાં આવશે.  ઉપરાંત, FIR, કેસ ડાયરી, ચાર્જશીટ અને ચુકાદા સુધીની પ્રક્રિયા સંપૂર્ણ ડિજિટલાઇઝ કરવામાં આવશે. હાલ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી માત્ર આરોપીને રજૂ કરવામાં આવે છે પણ ભવિષ્યમાં સમગ્ર પ્રક્રિયા પણ ઓનલાઇન થઇ શકશે. 

    વધુ એક અગત્યનો બદલાવ એ કરવામાં આવ્યો છે કે પોલીસ જ્યારે સર્ચ કરે કે કશુંક જપ્ત કરે ત્યારે વીડિયોગ્રાફી ફરજિયાત કરવી પડશે. આવા રેકોર્ડિંગ વગર ચાર્જશીટ દાખલ કરવામાં આવે તો તેને માન્ય ગણવામાં આવશે નહીં. ઉપરાંત, 7 વર્ષથી વધુ સજાની જેમાં જોગવાઈ કરવામાં આવી છે એ તમામ ધારાઓ જ્યાં લાગુ પડતી હોય તે ગુનાઓમાં ક્રાઇમ સીન પર ફોરેન્સિક ટીમ ફરજિયાત મુલાકાત કરશે અને જેના કારણે પોલીસ પાસે પણ વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ રહેશે. 

    હવે ક્યાંયથી પણ દાખલ થઇ શકશે FIR

    મોદી સરકાર પહેલી વખત ઝીરો FIRને સ્થાન આપી રહી છે. તેનો અર્થ એ થાય કે આ નવો કાયદો લાગુ પડ્યા બાદ ગુનો ક્યાંય પણ થયો હોય, તેની નોંધણી દેશના કોઈ પણ પોલીસ મથકેથી કરી શકાશે. જે-તે પોલીસ મથકે 15 દિવસની અંદર લાગતા-વળગતા પોલીસ મથકને વિગતો મોકલી દેવાની રહેશે. આ સિવાય દરેક પોલીસ મથકમાં એક અધિકારી હશે જેણે જે વ્યક્તિની ધરપકડ થઇ હોય તેના પરિજનોને વિધિવત ધરપકડની જાણ કરવી પડશે. જેથી પોલીસ કોઈ પણને ઉઠાવીને દિવસો સુધી પરિવારને જાણ કર્યા વગર કસ્ટડીમાં રાખી શકશે નહીં. 

    મહિલાઓ-બાળકો સાથેના ગુનાઓમાં સજા વધુ કડક બનાવાઈ 

    મહિલાઓ સાથે થતા ગુનામાં કાયદાઓ વધુ કડક બનાવવામાં આવ્યા છે. યૌન ઉત્પીડનના કેસમાં પીડિતાના નિવેદનનું વિડીયો રેકોર્ડિંગ ફરજિયાત કરવામાં આવશે. ઉપરાંત, લગ્ન-રોજગાર, પદોન્નતિના (પ્રમોશન) વાયદા આપીને કે ખોટી ઓળખ આપીને યૌન સબંધ બનાવવાને ગુનાની શ્રેણીમાં ગણવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે દેશમાં અવારનવાર મુસ્લિમ પુરૂષો પોતાની ઓળખ છુપાવીને હિંદુ યુવતીને લગ્નની લાલચ આપીને તેમનું શોષણ કરતા હોવાના ‘લવ જેહાદ’ના કિસ્સાઓ સામે આવતા રહે છે. જેની ઉપર પણ હવે કાયદાકીય લગામ લાગશે. 

    ગેંગરેપના મામલામાં 20 વર્ષની સજા કે આજીવન કારાવાસની જોગવાઈ કરવામાં આવી છે. 18 વર્ષથી નીચેની મહિલા સાથે અપરાધના કિસ્સામાં મૃત્યુદંડ સુધીની જોગવાઈઓ હશે. મોબ લિન્ચિંગ પર લગામ લગાવવા માટે 7 વર્ષ, આજીવન કેદ કે મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. બાળકો સાથે થતા ગુનામાં 7થી 10 વર્ષની સજા હશે અને દંડ ઓછો હતો જે અનેક જોગવાઈઓમાં વધારી દેવામાં આવ્યો છે. 

    પોલીસ પણ વધુ જવાબદેહ બનશે 

    પોલીસે 90 દિવસની અંદર ચાર્જશીટ રજૂ કરી દેવાની રહેશે. કોર્ટ ત્યારબાદ વધુ 90 દિવસની પરવાનગી આપી શકશે. 180 દિવસમાં તપાસ પૂર્ણ કરીને કેસ ટ્રાયલ માટે મોકલવો પડશે. કોર્ટ કોઈ પણ આરોપી સામે આરોપ નક્કી કરે તો તે નોટિસ 60 દિવસમાં આપવાની રહેશે. તેમજ દલીલ પૂર્ણ થઇ ગયા બાદ 30 જ દિવસમાં કોર્ટે ચુકાદો આપવાનો રહેશે. તેમજ તેને 60 દિવસમાં ઓનલાઇન ઉપલબ્ધ કરી દેવો પડશે. 

    નાના-મોટા કેસમાં સમરી ટ્રાયલનો વિસ્તાર વધારવામાં આવ્યો છે અને 3 વર્ષ સુધીની સજા હોય તે ગુનાઓને સમરી ટ્રાયલથી જ સમાપ્ત કરવાના રહેશે, જેથી 40 ટકા કેસનો નિકાલ એ રીતે જ આવી જશે. 7 વર્ષ કે તેથી વધુની સજા હોય તેવા ગુનાઓમાં કેસ ચાલતો હોય તો પીડિતને સાંભળ્યા વગર કેસ પરત ખેંચી શકાશે નહીં. 

    સજા માફીના પણ નિયમો કડક કરાયા, અધિકારીઓ સામેની ટ્રાયલમાં પણ નિયમ બદલાયો 

    અત્યાર સુધી સજા માફીનો રાજકીય ઉપયોગ થતો આવ્યો છે. પરંતુ હવે તેના પણ નિયમો બનાવવામાં આવ્યા છે. સજા માફ કરવી હોય તો મૃત્યુદંડને આજીવન કેદમાં, આજીવન કેડને 7 વર્ષ સુધી અને 7 વર્ષની સજાને 3 વર્ષ સુધી જ માફ કરી શકાશે. આ સિવાય, પોલીસ મથકોમાં વર્ષો સુધી જપ્ત કરેલાં વાહનો પડી રહેતાં હતાં કારણ કે નિયમ છે કે કેસ પૂરો ન થાય ત્યાં સુધી તેનો નિકાલ થઇ શકતો ન હતો. પણ હવે વીડિયોગ્રાફી કરીને તેની પ્રમાણિત નકલ કોર્ટને મોકલીને વાહનોનો યોગ્ય નિકાલ થઇ શકશે. 

    અત્યારે સિવિલ સર્વન્ટ કે પોલીસ અધિકારી સામે ફરિયાદ થઇ હોય તો ટ્રાયલ ચલાવવા માટે સરકારની પરવાનગીની જરૂર પડે છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં ક્યારેય પરવાનગી અપાતી જ નથી. પરંતુ હવે આવા કિસ્સાઓમાં 120 દિવસમાં સરકારે જવાબ આપવો પડશે અને જો નિયત સમયમર્યાદામાં જવાબ નહીં અપાય તો પરવાનગી મળી છે તેવું માનીને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે. 

    હાલ એવો નિયમ છે કે કોઈ SPએ કેસની તપાસ કરી હોય અને તેની ટ્રાયલ વર્ષો સુધી ચાલે તો એ અધિકારીએ DGP બનીને કે નિવૃત્ત થયા બાદ ફરી જુબાની આપવા આવવું પડે છે. પણ હવે જે SP ફરજ પર હોય તેણે જ ફાઈલ જોઈને જુબાની આપવી પડશે. 

    રાજદ્રોહની કલમ નાબૂદ, આતંકવાદ-સશસ્ત્ર વિદ્રોહને પણ પહેલીવાર વ્યાખ્યાયિત કરાયા 

    મોદી સરકાર રાજદ્રોહની કલમ સંપૂર્ણ રીતે નાબૂદ કરી રહી છે. ગૃહમંત્રીએ કહ્યું કે, અંગ્રેજોએ શાસન બચાવવા માટે આ કાયદો બનાવ્યો હતો, જેને નાબૂદ કરવામાં આવશે. અહીં લોકતંત્ર છે અને સૌને બોલવાનો અધિકાર છે. આ ઉપરાંત, પહેલી વખત આતંકવાદને ગુના તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવશે. અલગાવવાદ, સશસ્ત્ર વિદ્રોહ, વિધ્વંસક ગતિવિધિઓ, ભારતની એકતા અને સાર્વભૌમત્વને નુકસાન કરવું- આ તમામ ગુનાની શ્રેણીમાં સામેલ કરીને તેની અલગ જોગવાઈઓ કરવામાં આવશે. 

    ભાગેડુઓની ગેરહાજરીમાં ટ્રાયલ ચાલશે 

    અત્યાર સુધી ભાગેડુઓ દેશ છોડીને જતા રહેતા અને તેમની સામે ટ્રાયલ ચાલી શકતી નહીં, પણ હવે તેમની ગેરહાજરીમાં પણ ટ્રાયલ ચલાવવામાં આવશે. સેશન્સ કોર્ટ જેને ભાગેડુ ઘોષિત કરે તેઓ ગેરહાજર રહે તોપણ ટ્રાયલ થશે અને સજા પણ સંભળાવવામાં આવશે. જો સજા વિરુદ્ધ અપીલ કરવી હશે તો તેમણે ભારત આવીને ઉપલી કોર્ટ સામે રજૂ થવું પડશે. 

    3 કાયદાઓમાં કુલ 313 ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં પોલીસથી માંડીને વકીલો અને ન્યાય તોળનારાઓ સુધી સૌ કોઈ જવાબદેહ હશે. મહિલાઓ અને બાળકોનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે અને સૌને ન્યાય મળે, ઝડપી ન્યાય મળે અને પોલીસ અધિકારોનો દુરૂપયોગ ન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. 

    ગૃહમંત્રીએ જણાવ્યું કે, છેક 2019થી આ ત્રણેય બિલ પર કામ ચાલી રહ્યું હતું અને અનેક ચર્ચા-વિચારણા બાદ તેને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જેમાં તમામ સાંસદો, ધારાસભ્યો, હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટના જજો, લૉ યુનિવર્સીટીઓથી માંડીને વિવિધ સંસદીય સમિતિના રિપોર્ટ્સ પરથી ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. હવે બિલને સંસદની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મોકલવામાં આવશે. ઉપરાંત લૉ કમિશનને પણ મોકલાશે અને યોગ્ય સુધારા-વધારા બાદ ફરીથી ગૃહમાં રજૂ કરવામાં આવશે. લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થયા બાદ તે કાયદો બનશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં