દિલ્હીના મુખ્યમંત્રી અને AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલે વચગાળાના જામીન વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. કેજરીવાલે વધુ 7 દિવસ માટેના વચગાળાના જામીનની માંગણી કરી છે. આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે, ધરપકડ બાદ કેજરીવાલનું વજન 7 કિલો ઓછું થઈ ગયું છે. તેમનું કિટોન લેવલ હાઇ થયું છે. સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, કિટોન લેવલ હાઇ થવું ગંભીર બીમારીના લક્ષણો હોય શકે છે. નોંધવા જેવુ છે કે, સુપ્રીમ કોર્ટે 1 જૂન સુધી કેજરીવાલને જામીન પર છોડ્યા હતા.
અહેવાલો અનુસાર, અરવિંદ કેજરીવાલે વચગાળાના જામીન વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કહ્યું છે કે, તેમને શંકા છે કે તેમને કોઈ ગંભીર બીમારી છે. મેક્સના ડોકટરોએ તેમની તપાસ કરી છે. તેથી તેમને PET-CT સ્કેન અને અન્ય ઘણા મેડિકલ ટેસ્ટ કરાવવાની જરૂર છે. તેથી તેની તપાસ માટે કેજરીવાલે વચગાળાના જામીન 7 દિવસ વધારવા માટેની માંગણી કરી છે. સુપ્રીમ કોર્ટે તેમને 1 જૂન સુધીના જામીન આપ્યા હતા, 2 જૂનના રોજ તેમને સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું હતું.
Delhi CM Arvind Kejriwal files a petition in the Supreme Court, seeking an extension of his interim bail by 7 days. Delhi CM Kejriwal has to undergo PET-CT scan and other tests. Kejriwal asked for 7 days to get the investigation done: Aam Aadmi Party
— ANI (@ANI) May 27, 2024
1 જૂન સુધી મળ્યા હતા વચગાળાના જામીન
નોંધનીય છે કે, 10 મે 2024ના રોજ સુપ્રીમ કોર્ટે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં પકડાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપતો આદેશ કર્યો હતો. લોકસભા ચૂંટણીને ધ્યાને લેતાં કોર્ટે કેજરીવાલને 1 જૂન, 2024 સુધીના જામીન આપ્યા હતા. 2 જૂનના રોજ તેમણે જેલમાં હાજર થવાનું રહેશે. કોર્ટે ચૂંટણી ધ્યાનમાં રાખીને આ આદેશ આપ્યો હતો.
જસ્ટિસ સંજીવ ખન્ના અને દિપાંકર દત્તાની બેન્ચે આ આદેશ પસાર કર્યો હતો. જામીન આપતાં કોર્ટે કહ્યું હતું કે, “અરજદાર અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે અને રાજકીય પાર્ટીના નેતા છે. તેમાં કોઇ શંકા નથી કે તેમની વિરુદ્ધ જે આરોપો લાગ્યા છે તે ગંભીર છે, પરંતુ તેઓ હજુ સુધી દોષી ઠેરવવામાં આવ્યા નથી. તેમનો કોઇ ગુનાહીત ભૂતકાળ પણ નથી અને સમાજ માટે તેઓ કોઈ જોખમ હોય તેમ પણ નથી.” જોકે, સુપ્રીમ કોર્ટે કેજરીવાલના વચગાળાના જામીન માટે અમુક શરતો પણ મૂકી હતી. જે હેઠળ તેઓ સીએમ ઑફિસ જઈ શકે નહીં કે કોઇ ફાઇલ પર હસ્તાક્ષર કરી શકે નહીં. તેમને માત્ર ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા.
એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં થઈ હતી ધરપકડ
ઉલ્લેખનીય છે કે, કેજરીવાલની 21 માર્ચ 2024ના રોજ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. EDએ તેમને દિલ્હી લિકર પોલિસી કેસના કિંગપિન ગણાવ્યા છે. એજન્સીનું કહેવું છે કે AAPના ઘણા મોટા નેતાઓ અને મંત્રીઓ પણ આ કૌભાંડમાં સામેલ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આરોપ છે કે તેઓ લિકર પોલીસી થકી થયેલા કરોડોના કૌભાંડનું કાવતરું રચવામાં મુખ્ય રૂપે સામેલ હતા. એજન્સીએ તેમની પૂછપરછ માટે 9 સમન્સ પણ મોકલ્યાં હતા. જોકે, કેજરીવાલ એકપણ સમન્સ પર હાજર થયા નહોતા.
દિલ્હી લિકર પોલિસી કેસમાં મની લોન્ડરિંગ મામલે તેમની પૂછપરછ કરવા માટે એજન્સીએ અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ કેજરીવાલ તેમાં કોઈ સહકાર આપી રહ્યા નહોતા. તેમના પર આરોપ છે કે, તેમણે દારૂ નીતિમાં કૌભાંડ આચારીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. હવે સુપ્રીમ કોર્ટ તેમના વચગાળાના જામીન ન વધારે તો તેમણે 2 જૂનના રોજ ફરી જેલભેગા થવું પડશે.