ડ્રગ્સ તસ્કરી કરીને આતંકવાદને ફન્ડિંગ આપનાર જમ્મુ-કાશ્મીર પોલીસના કર્મચારીઓ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી ઉપરાજ્યપાલ મનોજ સિન્હા દ્વારા કરવામાં આવી છે. ઘટનામાં 5 પોલીસ જવાન અને એક શિક્ષક સામેલ છે. તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ લોકો પાકિસ્તાની આતંકવાદી સંગઠનો માટે રૂપિયા એકઠા કરવાનું કામ કરતા હતા. પૈસા ભેગા કરવા તેઓ ડ્રગ્સની તસ્કરી કરતા હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ બંધારણના અનુચ્છેદ 311 (2)(C) હેઠળ કાર્યવાહી કરીને તમામને ફરજ પરથી બરખાસ્ત કરવાના આદેશ આપ્યા છે. આ ધારા અંતર્ગત રાષ્ટ્રપતિ કે પછી સરકાર કે ઉપરાજ્યપાલને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે, જેમાં રાષ્ટ્ર કે રાજ્યની સુરક્ષા હેતુથી જો તેમને લાગે કે જે-તે સરકારી કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી અનિવાર્ય છે, તો તેઓ તેમને પદ પરથી હટાવી શકે છે. તેમાં કોઈ તપાસ આદેશ આપવાની પણ જરૂર નથી હોતી.
ઘટનામાં વધુ ચિંતાનો વિષય તે છે કે જેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે તેમાંથી મોટાભાગના જમ્મુ-કાશ્મીર પોલીસ વિભાગના જવાન છે. તેઓ સરહદ પારથી ચાલતી ડ્રગ સ્મગલિંગ સિંડિકેટ સિસ્ટમ ભાગ હતા. કર્મચારીઓની ઓળખ સૈફ દિન, ફારુક અહેમદ શેખ, ખાલીદ હુસૈન શાહ, રહેમત શાહ, ઈરફાન અહેમદ ચાલકૂ હોવાનું સામે આવ્યું છે. આ પાંચ ઉપરાંત છઠ્ઠો કર્મચારી નાજિમ ઉદ્દીન નામનો સ્કૂલ ટીચર છે. તે બાળકોને ભણાવવા ઉપરાંત ડ્રગ્સની તસ્કરીનો ધંધો કરતો. આ તમામ લોકો પર ટેરર ફન્ડિંગનો આરોપ છે. ED અને અન્ય ગુપ્તચર એજન્સીઓ ઘણા લાંબા સમયથી તેમના પર નજર રાખી રહી હતી. પૂરતા પુરાવા મળતાંની સાથે જ કાર્યવાહી કરવામાં આવી. આ લોકો પાકિસ્તાનથી હેરોઈન અને બ્રાઉન શુગર ભારતમાં ઘૂસાડતા હતા.
કોના પર શું આરોપ
પ્રથમ આરોપી છે કોન્સ્ટેબલ સૈફ દિન, તે કાશ્મીરના ડોડા જિલ્લાનો રહેવાસી છે. તે ઘણા લાંબા સમયથી ડ્રગ સ્મગલિંગ સાથે જોડાયેલો છે. પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હોવા છતાં તે આતંકવાદી સંગઠન હિજબુલ મુજાહીદ્દીન માટે ઓવર ગ્રાઉન્ડ વર્ક કરતો. તેણે અનેક ડ્રગ ચેનલ બનાવ્યા હતા, જેના દ્વારા તે સ્મગલિંગ કરતો. તેના પર આતંકવાદીઓની ઘૂસણખોરીમાં મદદ કરવાનો પણ આરોપ છે.
કોન્સ્ટેબલ ફારુક શેખ- તે કુપવાડાના ઇબકૂટેના તંગદાર વિસ્તારનો રહેવાસી છે. તેણે કોન્સ્ટેબલ ખાલીદ અને રહેમત સાથે મળીને LOC પાર પાકિસ્તાને ક્બ્જાવેલા કાશ્મીરમાં એક મોટી સ્મગલિંગ ચેન ઉભી કરી હતી. તે પાકિસ્તાની આતંકવાદીઓના સંપર્કમાં પણ રહેતો હતો. તે તેમને ભારતમાં ડ્રગ્સ, હથિયાર અને અન્ય ગેરકાયદેસર ઘૂસણખોરીમાં મદદરૂપ થતો. કોન્સ્ટેબલ ખાલિદ શાહ- કુપવાડાના ચાનીપોરા પાયીનના ટંગડાર વિસ્તારનો રહેવાસી ખાલીદ સતત POKના ડ્રગ્સ સ્મગલર્સના સંપર્કમાં હતો. કુપવાડા તેમજ કરનાહમાં ડ્રગ કર્ટલ ચલાવવાની જવાબદારી ખાલીદના માથે જ હતી.
કોન્સ્ટેબલ રહેમત શાહ- તે કુપવાડાના કરનાહ વિસ્તારના પંજોવા પિંગલા હરિદલનો રહેવાસી છે. રહમત LOC પારથી ડ્રગ્સ લાવતો હતો અને તેને દેશના વિવિધ ભાગોમાં સપ્લાય કરતો હતો. પૂછપરછ દરમિયાન, રેહમતે ખુલાસો કર્યો હતો કે ડ્રગના વેપારમાંથી થતી આવકનો ઉપયોગ જમ્મુ-કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે થવાનો હતો. કોન્સ્ટેબલ ઈર્શાદ અહેમદ ચાલકુ- તે બારામુલ્લાના ઉરીના સિલિકોટે વિસ્તારનો રહેવાસી છે. તે આ વિસ્તારમાં આતંકવાદીઓના સહયોગીઓના સંપર્કમાં હતો અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે ગ્રાઉન્ડ વર્કર તરીકે કામ કરતો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્લિકેશન દ્વારા POKમાં હાજર આતંકવાદીઓના સંપર્કમાં હતો. તે તેમની પાસેથી હથિયાર અને દારૂગોળો લેતો હતો અને તેમને આગળ સપ્લાય કરતો હતો. ઉરીનો હોવાને કારણે ચાલકૂ પણ આખા વિસ્તારથી માહિતગાર છે. તે ઘૂસણખોરોને મદદ કરતો હતો અને તેમને ખોરાક અને શસ્ત્રો પૂરાં પાડતો.
શિક્ષક નજમ દિન- નજમ કાશ્મીરના પુંછ જિલ્લાના કિરની હવેલીનો રહેવાસી છે અને ડ્રગ્સની હેરાફેરી કરતો હતો. તે હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓના ઓવરગ્રાઉન્ડ વર્કર તરીકે પણ કામ કરતો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે એલઓસી પારથી ડ્રગ્સ મેળવતો હતો અને પંજાબમાં સપ્લાય કરતો હતો. તે પાકિસ્તાનમાં કટ્ટર ઇસ્લામિક આતંકવાદીઓના સંપર્કમાં હતો. આમાંથી ઘણા આતંકીઓ પીઓકેમાં પણ સક્રિય છે. ડ્રગ્સથી મળેલા પૈસાનો ઉપયોગ આતંકી ગતિવિધિઓને વધારવા માટે કરવામાં આવતો હતો.