દિલ્હીની જાણીતી જામા મસ્જિદ ફરીથી વિવાદમાં આવી છે. કારણ ગેરકાયદેસર કબજો છે. મસ્જિદ પર પબ્લિક પાર્ક પર કબજો જમાવવાનો આરોપ છે. જે મામલો હાઈકોર્ટ પહોંચ્યા બાદ કોર્ટે તેને પરત મેળવવા માટે MCDને આદેશ આપ્યા છે અને અત્યાર સુધી સંતોષકારક કાર્યવાહી ન કરવા બદલ ફટકાર પણ લગાવી છે.
આ મામલે શુક્રવારે (17 નવેમ્બર) દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે આ દરમિયાન નોંધ્યું કે જામા મસ્જિદની ઉત્તર અને દક્ષિણે આવેલ પાર્ક જાહેર સંપત્તિ હોવા છતાં પણ MCDના કબજામાં નથી. કોર્ટે આ મામલે સ્ટેટસ રિપોર્ટ ફાઈલ કરવા માટેના પણ આદેશ આપ્યા છે.
“We are not living in a country where there is no rule of law. We are living in the 21st century.”
— Bar & Bench (@barandbench) November 17, 2023
Delhi High Court pulls up MCD for its failure to take possession of a park near Jama Masjid which is alleged to be in “illegal possession” of Jama Masjid authorities.… pic.twitter.com/HSSqdPEOcp
સુનાવણી દરમિયાન MCDએ કોર્ટને જણાવ્યું હતું કે, જામા મસ્જિદના શાહીન ગેટ પાસે આવેલ નોર્થ પાર્કમાં તેમને પ્રવેશવા પણ દેવામાં આવતા નથી. આગળ કહ્યું કે, તેમને પાર્ક પાસેના વજૂખાનામાં એન્ટ્રી આપવામાં આવતી નથી, જ્યારે સાઉથ પાર્કની જ્યાં સુધી વાત છે તો, ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે અને બાકીના ભાગની જાળવણી કરવામાં આવી રહી છે.
આ દલીલોની નોંધ લઈને કોર્ટે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, “તમે પાર્કનો કબજો કઈ રીતે ગુમાવી શકો? અને હવે તેની જાળવણી કઈ રીતે કરશો? MCD પબ્લિક પાર્ક પરનું નિયંત્રણ કઈ રીતે ગુમાવી શકે? આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ, તમે એમ કહેવા માંગો છો કે પબ્લિક પાર્કનો કબજો પરત ન મેળવી શકાય? એવું કઈ રીતે બની શકે? દરરોજ અમે કહીએ છીએ કે પાર્કની જાળવણી કરવામાં આવવી જોઈએ, દિલ્હીના લોકો શ્વાસ પણ લઇ શકતા નથી.”
કોર્ટે MCDને આગળ કહ્યું કે, “તમે પાર્કના માલિક છો અને એટલે દિલ્હીની જનતાને જવાબદેહ છો. લાગે છે કે તમારા અધિકારીઓ કોઇ બીજી જ દુનિયામાં જીવી રહ્યા છે. તમે પબ્લિક પાર્કનો કબજો ગુમાવી ન શકો.” કોર્ટે MCD અધિકારીઓને પબ્લિક પાર્કનો કબજો મેળવવા માટે કાયદાની હદમાં રહીને કાર્યવાહી કરવા માટેના આદેશ આપ્યા છે. સાથે એમ પણ કહ્યું કે, કાર્યવાહી માટે જો પોલીસબળની જરૂર પડતી હોય તો તે પણ પૂરું પાડવામાં આવશે.
આ મામલે આગામી સુનાવણી આગામી 21 ડિસેમ્બરના રોજ મુકરર કરવામાં આવી છે.