બુધવારે (23 ઓગસ્ટ, 2023) સાંજે 6:04 કલાકે ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ (LM) ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સફળતાપૂર્વક લેન્ડ થયું હતું અને ભારતે આ સાથે જ ઇતિહાસ રચી દીધો હતો. પ્રજ્ઞાન ISROની સફળતા સ્વરૂપે ચંદ્ર પર ભારતના રાષ્ટ્રીય ચિન્હ અને રાષ્ટ્રીય પ્રતીકની (સારનાથ ખાતેના અશોકસ્તંભ પરની સિંહની પ્રતિમા) પ્રતીકાત્મક છાપ છોડશે. જે ભારતની હાજરીને પ્રતીકાત્મક રીતે રજૂ કરશે.
પ્રજ્ઞાન રોવર દ્વારા ચંદ્ર પર પાડવામાં આવતી છાપને વર્ણન કરતું દ્રશ્ય ISRO દ્વારા મિશનના પ્રક્ષેપણ પહેલા રિલીઝ કરવામાં આવેલ ફિલ્મમાં દર્શાવાયું હતું. રોવર જેમ ચંદ્રની સપાટી પર ફરશે તેમ તેના પાછળના વહીલ્સ દ્વારા તે પ્રતીકો અંકિત કરવામાં આવશે.
ચંદ્રયાન-3નું સફળતાપૂર્વક લેન્ડિંગ થયા બાદ રોવર રેમ્પ તરીકે લેન્ડરની બાજુની પેનલનો ઉપયોગ કરશે. ચંદ્ર પરનો દિવસ (એટલે કે પૃથ્વીના લગભગ 14 દિવસ) એ લેન્ડર અને રોવર માટે મિશન લાઈફ હશે જેમાં તેઓ આવા વિસ્તારની તપાસ કરશે. આ સિવાય ISROના પ્રતિનિધિઓ મિશનની લાઈફ વધુ એક ચંદ્ર દિવસ માટે લંબાવાની શક્યતાઓ નકારતા નથી.
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પ્રદેશની પણ તપાસ કરવામાં આવશે. કારણ કે, જે સ્થાનો કાયમ પડછાયા હેઠળ હોય છે ત્યાં પાણી હોવાની શક્યતા વધુ રહેલી છે. ચંદ્રયાન-3 ના ચાર વૈજ્ઞાનિક સાધનો ચંદ્રની અલગ-અલગ સ્થિતીઓનું નિરીક્ષણ કરશે. જેમાં ચંદ્રના ભૂકંપની તપાસ કરવામાં આવશે. કેવી રીતે ચંદ્રની સપાટી ગરમીને તેમાંથી પસાર થવા માટે સક્ષમ બનાવે છે. આ ઉપરાંત ચંદ્રની સપાટીની નજીક રહેલું પ્લાઝ્મા વાતાવરણ અને ચંદ્ર-પૃથ્વી વચ્ચેના ચોક્કસ અંતરની પણ તપાસ કરશે.
ચંદ્રયાન-3નું રોવર તેના વૈજ્ઞાનિક લક્ષ્યાંકો ઉપરાંત ISRO નો લોગો અને આપણા રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભની છાપ છોડશે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશવાસીઓ સહિત વિશ્વ ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગની રાહ જોઈ રહ્યા છે. જે આ વર્ષે 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.
ભારત સફળતાપૂર્વક પહોંચ્યું ચંદ્ર પર
આ ભારતનું ચંદ્ર પરનું ત્રીજું મિશન છે અને ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડિંગનો બીજો પ્રયાસ છે. જયારે ચંદ્રયાન-3 મિશન લોન્ચ થયાના એક મહિના પછી ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું છે. લેન્ડર અને રોવર દ્વારા બુધવારે (23 ઓગસ્ટ, 2023) સાંજે 6:04 કલાકે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગકરવામાં આવ્યું છે.
આ ક્ષણ ISRO ખાતે હાજર તમામ વૈજ્ઞાનિકોએ તાળીઓ પાડીને વધાવી લીધી હતી. પ્રધાનમંત્રી મોદીએ પણ આફ્રિકાથી વર્ચ્યુલ રીતે ભારતીયોને સંબોધિત કરીને વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.