રામનગરી અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભવ્ય મંદિરમાં ભગવાન રામના નૂતન વિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 22 જાન્યુઆરી, 2024ના રોજ ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને લઈને સમગ્ર હિંદુ સમાજમાં અનેરો ઉત્સાહ છે અને વિવિધ સંસ્થાઓ આગળ આવી રહી છે. તાજેતરમાં અયોધ્યા સ્થિત ISKCON મંદિરે પ્રભુ શ્રીરામના દર્શને આવતા શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદની ઘોષણા કરી છે.
ISKCONના રાષ્ટ્રીય પ્રવક્તા યુધિષ્ઠિર ગોવિંદા દાસે સોશિયલ મીડિયા સાઇટ X પર એક વિડીયો પોસ્ટ કરીને આ બાબતની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, પ્રતિદિન અયોધ્યા દર્શને આવતા 5 હજાર જેટલા તીર્થયાત્રીઓ માટે ISKCON દરરોજ નિઃશુલ્ક મહાપ્રસાદની વ્યવસ્થા કરશે તેમજ તેમને વૈદિક ગ્રંથોનું વિતરણ કરવામાં આવશે તો નિઃશુલ્ક ચિકિત્સા સુવિધા મળી રહે તે માટે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે.
ISKCON welcomes all the pilgrims coming to #Ayodhya for the darshan of Lord Sri Rama.
— Yudhistir Govinda Das (@yudhistirGD) December 21, 2023
Daily 5000 pilgrims will be served full lunch prasad along distribution of Vedic literatures & sankirtan by devotees of different nationalities.
A short video on the programs that ISKCON's… pic.twitter.com/dywKea61zn
વધુ જાણકારી પ્રમાણે, 22 જાન્યુઆરીના રોજ જ્યારે રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ ચાલી રહ્યો હશે ત્યારે ઇસ્કોન મંદિરમાં લાઈવ બ્રોડકાસ્ટ દ્વારા દર્શન કરવાની સુવિધા પૂરી પાડવામાં આવશે અને સમગ્ર મંદિર પરિસરમાં ઘીના દીવા પ્રજ્વલ્લિત કરવામાં આવશે. મંદિરે સૌને સાથે મળીને આ પાવન ઉત્સવની ઉજવણી કરવા માટે અપીલ કરી છે.
રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે ઈસ્કોન સંસ્થાએ એક પદયાત્રાનું પણ આયોજન કર્યું છે. જે દિલ્હીથી નીકળીને 41 દિવસની યાત્રા કર્યા બાદ અયોધ્યા પહોંચશે. જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લઇ રહ્યા છે.
રામ મંદિરના ગર્ભગૃહનું નિર્માણકાર્ય હવે અંતિમ તબક્કામાં છે. ડિસેમ્બર પૂરો થતાં સુધીમાં આ ગર્ભગૃહ બનીને તૈયાર થઈ જશે. ત્યારબાદ 22 જાન્યુઆરીએ શુભ મહુર્તે ભગવાન મંદિરમાં બિરાજમાન થશે. આ માટેની શાસ્ત્રોક્ત પૂજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે. કાર્યક્રમ માટે દેશભરમાંથી સંતો, મહંતો અને VIPને આમંત્રણ આપવામાં આવી રહ્યાં છે.
મંદિરના નિર્માણકાર્યનો માત્ર પ્રથમ તબક્કો પૂર્ણ થવા જઈ રહ્યો છે, મંદિરનું બાકીનું કામ ચાલુ જ રહેશે. જોકે, 22 જાન્યુઆરીથી મંદિર દર્શન માટે ખુલ્લું મૂકી દેવામાં આવશે. સમગ્ર મંદિર પરિસર તૈયાર થતાં 2025 આવી જશે તેવું અનુમાન છે. હાલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે તો બાકીનું બાંધકામ પૂર્ણ કરવા માટે પણ હજારો શ્રમિકો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે.