ભારત સરકાર હાલ PM મોદીના નેતૃત્વ હેઠળ, ભારતીય ચલણ (₹) રૂપિયાની વૈશ્વિક સ્વીકૃતિ વધારવા માટે કામ કરી રહી છે. તેના અંતર્ગત આ વખતે ભારત સરકારે UAE (યુનાઇટેડ આરબ અમીરાત) પાસેથી ખરીદેલા ક્રુડ ઓઈલની ચુકવણી ડોલરમાં કરવાની જગ્યાએ ભારતીય ચલણ રૂપિયામાં કરી હતી. ભારત દ્વારા વૈશ્વિક ચલણનું બિરુદ ધરાવતા ડોલરની જગ્યાએ UAEને રૂપિયામાં ચુકવણી કરવાની આ પહેલી ઘટના છે.
ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો ઉર્જા ઉપભોક્તા દેશ છે. આ રીતે ભારતે વૈશ્વિક સ્તરે સ્થાનિક ચલણને મહત્વ આપી વ્યુહાત્મક પગલું ભર્યું છે. આ પગલું સપ્લાયર્સના વૈવિધ્યીકરણ કરવા, લેણદેણનો ખર્ચ ઘટાડવા અને રૂપિયાને ટ્રેડ સેટલમેન્ટ ચલણ તરીકે સ્થાપિત કરવાના ભારતના વ્યાપક પ્રયત્નનો એક ભાગ છે. ઉલ્લેખનીય છે કે 11 જુલાઈ 2022ના રોજ, ભારતીય રીઝર્વ બેંક (RBI) દ્વારા આયાતકારોને રૂપિયામાં ચુકવણી કરવાની અને નિકાસકારોને સ્થાનિક ચલણમાં કરવાની પરવાનગી આપી હતી. જોકે, બેંકના અધિકારીઓનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીયકરણ તે એક સતત ચાલતી પ્રક્રિયા છે અને વર્તમાનમાં આનો વિશેષ કોઈ લક્ષ્ય નથી.
ભારતીય રીઝર્વ બેંકે છેલ્લા ત્રણ વર્ષોમાં ક્રોસ બોર્ડર પેમેન્ટ્સમાં રૂપિયાનો ઉપયોગ થાય તે માટે ડઝનથી વધુ આંતરરાષ્ટ્રીય બેંકોને રૂપિયામાં વ્યવહાર કરવાની મંજુરી આપી છે. RBI અત્યાર સુધીમાં 22 દેશો સાથે રૂપિયામાં આર્થિક વ્યવહાર કરવા માટે સંમત થઈ છે. જણાવી દઈએ કે ભારતે UAE સાથે રૂપિયામાં વ્યવહાર કરવા માટે એક કરાર કર્યો હતો. જેમાં ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC)એ અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની (ADNOC)થી દસ લાખ બૈરલ ક્રુડ ઓઈલની ખરીદીની ચુકવણી ભારતીય ચલણમાં કરી હતી.
આ ઉપરાંત અમુક રશિયાના તેલ આયાતકારો સાથે પણ રૂપિયામાં વ્યવહાર કરવામાં આવ્યો. ભારતને અમુક દેશો સાથે રૂપિયામાં વ્યવહાર કરવામાં સફળતા મળી છે પરંતુ હજી પણ મોટાભાગના તેલની નિકાસ કરતા દેશો રૂપિયામાં લેવડ-દેવડ કરતા અચકાય છે. રશિયા અને UAE સાથે આ દિશામાં આગળ વધ્યા બાદ વૈશ્વિક સ્તરે સ્થાનિક ચલણને સ્વીકારવામાં હવે સફળતા મળશે.
આ વિષયે દેશની સંસદમાં સ્થાયી સમિતિને સંબોધિત કરતા તેલ મંત્રાલયે આ વાત પર જોર આપ્યું હતું કે નક્કી કરેલી માર્ગદર્શિકાનું પાલન કરનાર સપ્લાયરોને ક્રુડ ઓઈલની ચુકવણી ભારતીય રૂપિયામાં કરી શકાય છે. મંત્રાલયે જણાવ્યું કે ભારતીય રૂપિયાનો ઉપયોગ કરીને ચુકવણી કરવામાં આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈને વધારે રસ નથી. કારણ કે તેઓ તેનાથી થતા વ્યવહાર ખર્ચથી અવગત છે. ભારત સરકારે નાણાકીય વર્ષ 2022-23માં 232.7 મિલિયન (23.2) કરોડ ટન ક્રુડ ઓઈલની આયાત પર $ 157.5 બિલિયન (રૂ. ₹ 13 લાખ કરોડ) ખર્ચ્યા હતા. ભારતમાં ક્રૂડ ઓઈલ (કાચા તેલ)ની નિકાસ કરતા મુખ્ય દેશોમાં ઈરાક, સાઉદી અરેબિયા, રશિયા અને યુનાઇટેડ આરબ અમીરાત (UAE) છે. તેઓ પશ્ચિમ એશિયાના કુલ પુરવઠામાં 58 ટકા યોગદાન આપે છે.