Friday, November 22, 2024
More
    હોમપેજદેશહિમાચલમાં વાદળ ફાટવાના કારણે મંડી સહિત ત્રણ જિલ્લાઓમાં તબાહી, 50થી વધુ લોકો...

    હિમાચલમાં વાદળ ફાટવાના કારણે મંડી સહિત ત્રણ જિલ્લાઓમાં તબાહી, 50થી વધુ લોકો લાપતા: વાયનાડમાં મૃત્યુઆંક 250+, 1000થી વધુને બચાવાયા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હોવાનું વડાપ્રધાન કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમણે ઉચ્ચ અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ જરૂરી મદદ પૂરી પાડવા માટે જણાવ્યું છે.

    - Advertisement -

    હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાના કારણે જાનમાલને મોટું નુકસાન થયું છે. ઘણા લાપતા છે તો અમુક મૃત્યુ થયાં હોવાના પણ સમાચાર છે. બીજી તરફ, કેન્દ્ર સરકાર અને સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા હોવાનું જણાવવમાં આવી રહ્યું છે. 

    વાદળ ફાટવાના કારણે કુલ્લુ, શિમલા અને મંડી જિલ્લાઓને અસર થઈ છે. કુદરતી આફતના કારણે પચાસથી વધુ લોકો લાપતા છે, જેમની શોધખોળ હાલ ચાલી રહી છે. જાણવા મળ્યા અનુસાર, બુધવારે (31 જુલાઈ) રાત્રે ત્રણ ઠેકાણે વાદળ ફાટવાની ઘટનાઓ બની. એક રામપુર, શિમલા અને 2 કુલ્લુમાં. જેના કારણે રામપુરના જ 33 લોકો લાપતા છે. જ્યારે 3 વ્યક્તિઓ કુલ્લુના અને બાકીના મંડી જિલ્લાના લોકોની ભાળ મળી રહી નથી. બીજી તરફ, 2થી 3 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ હોવાનું જાણવા મળ્યું છે. 

    મુખ્યમંત્રી સુખવિંદર સિંઘ સુક્ખુએ જણાવ્યું કે, “અધિકારીઓને તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. NDRF, SDRF, પોલીસ, હોમગાર્ડ વગેરે ટીમો અને અન્ય અધિકારીઓ હાલ સ્થળ પર હાજર છે. સેનાની પણ મદદ માંગવામાં આવી છે તેમજ લોકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ કેનાલ અને નદીઓની નજીક ન જાય. વાયુસેનાને પણ તૈયાર રહેવા માટે જણાવવામાં આવ્યું છે.” તેમણે જણાવ્યું કે, સ્થિતિ હાલ નિયંત્રણમાં છે પરંતુ રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે અને મંડી સંપર્કવિહોણું બની ગયું છે. 

    - Advertisement -

    શિમલામાં હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ પાસે વાદળ ફાટ્યું હતું, ત્યારબાદ 20 લોકોની હજુ ભાળ મળી નથી. ઘટના બાદ વરિષ્ઠ અધિકારીઓ સાથે ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. જોકે, વાદળ ફાટવાના કારણે વિસ્તારની રોડ કનેક્ટિવિટીને અસર પહોંચી છે, જેના કારણે રેસ્ક્યુ ટીમોને પણ પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. 

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હોવાનું વડાપ્રધાન કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમણે ઉચ્ચ અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ જરૂરી મદદ પૂરી પાડવા માટે જણાવ્યું છે. હાલ પૂરજોશથી બચાવકાર્ય ચાલી રહ્યું છે. 

    બીજી તરફ, કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના કારણે પરિસ્થિતિ વિકટ બની છે. અત્યાર સુધી 250થી વધુ લોકોનાં મોત થયાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 200થી વધુ લોકોને ઈજા પહોંચી છે, જ્યારે અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ભારતીય સેના તેમજ બચાવટીમો પણ ખડેપગે ઘટનાસ્થળ પર હાજર છે. જોકે, 200થી વધુ લોકો હજુ પણ લાપતા છે, જેમની શોધખોળ હાલ ચાલી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં