હરિયાણાના નૂહમાં ગુરૂવારે (16 નવેમ્બર) રાત્રે કૂવા પૂજન માટે જતી મહિલાઓ પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. આ ઘટના મદરેસા પાસે બની હતી. હવે આ મામલે પોલીસે FIR દાખલ કરીને 3 કિશોરોને રાઉન્ડ અપ કરી લીધા છે. ત્રણેય સગીર વયના હોવાનું જાણવા મળ્યું છે.
નૂહ SP નરેન્દ્રસિંઘ બિજરનિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, “મહિલાઓ તરફથી ફરિયાદ આપવામાં આવી હતી, જેના આધારે IPCની કલમ 323 અને 354 તેમજ SC/ST એક્ટ હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી. મદરેસાની અંદરના ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં 3 છોકરાઓની ઓળખ કરવામાં આવી હતી. આ ત્રણેયને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે. તેમને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.”
તેમણે આગળ જણાવ્યું કે, જે બાળકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યાં છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારબાદ જ વધુ વિગતો સામે આવી શકશે. તેમણે પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે ત્રણેય આરોપીઓ સગીર વયના છે. તેમણે જણાવ્યું હતું કે, કુલ 8 મહિલાઓએ ફરિયાદ નોંધાવી હતી. તેમજ તેમણે જે આરોપો લગાવ્યા છે તેની વિગતવાર તપાસ કરવામાં આવશે. હાલ સ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
#WATCH | Nuh, Haryana: On the stone-pelting incident, Nuh SP Narender Singh Bijarniya says, "On the complaint of women, an FIR has been registered… From the Madarsa, footage had come where we could see three boys standing. On that basis, three boys have been identified. All… pic.twitter.com/dgXDtNN8aH
— ANI (@ANI) November 17, 2023
ઉલ્લેખનીય છે કે આ ઘટના ગુરૂવારે રાત્રે બની હતી. નૂહમાં અમુક હિંદુ મહિલાઓ કૂવા પૂજન માટે જઈ રહી હતી ત્યારે મદરેસા નજીક તેમની ઉપર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. જેના કારણે અમુકને ઈજા પણ પહોંચી હતી. ઘટનાના કારણે હિંદુ-મુસ્લિમ સમુદાયના લોકો સ્થળ પર એકઠા થઈ ગયા હતા અને માહોલ તણાવપૂર્ણ બન્યો હતો. ત્યારબાદ પોલીસને પણ જાણ કરવામાં આવી. જાણ થતાં જ નૂહ SP સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું હતું. પોલીસે આ મામલે FIR દાખલ કરીને પૂછપરછ માટે મૌલવીને તેડું મોકલ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગત જુલાઈ અંતમાં હરિયાણાના નૂહમાં મોટાપાયે હિંસા ફાટી નીકળી હતી. 31 જુલાઈના રોજ વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય હિંદુ સંગઠનો દ્વારા નૂહમાં બ્રિજમંડળ જળાભિષેક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે યાત્રા શિવમંદિરે પહોંચવાની હતી, પરંતુ તે નીકળીને થોડી આગળ જઈને મુસ્લિમ વિસ્તારમાં પ્રવેશી ત્યાં જ પથ્થર ફેંકાવાના શરૂ થઈ ગયા હતા. ત્યારબાદ હિંસા ફાટી નીકળી અને અનેક વાહનોમાં આગ લગાવવામાં આવી હતી તો અનેકને ઈજા પણ પહોંચી હતી. આ હિંસામાં 6 લોકોનાં મોત થયાં હતાં.