ગણતંત્ર દિવસે દિલ્હીના કર્તવ્ય પથ પર ગુજરાત તરફથી ‘ધોરડો- ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ’ વિષય પર આધારિત ઝાંખીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર ગણાતા ગરબા નૃત્યને પણ રજુ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ગુજરાતનો ધોરડો ટેબ્લો પીપલ્સ ચોઈસમાં પ્રથમ ક્રમે આવ્યો છે. આ સાથે જ સતત બીજા વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં રાજ્ય તરફથી રજુ થયેલી ઝાંખીને પ્રથમ સ્થાન મળ્યું છે.
75મા ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલી ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસતની ઝાંખી બીજા વર્ષે પણ દેશની જનતાની પ્રથમ પસંદગી બની..#news18gujarati #gujarat #breakingnews #gujaratinews pic.twitter.com/H5NViL9IPM
— News18Gujarati (@News18Guj) January 30, 2024
મળતી માહિતી અનુસાર પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાત સતત બીજી વાર પ્રથમ રહ્યું છે. ‘MyGov Platform’ દ્વારા સર્વશ્રેષ્ઠ ટેબ્લોની પસંદગી માટે દેશની જનતા પાસેથી ઓનલાઈન વોટ માંગવામાં આવ્યા હતા. આ વોટિંગમાં પીપલ્સ ચોઈસ એવોર્ડ કેટેગરીમાં સૌથી વધુ એટલે કે 32% વોટ શેર સાથે ગુજરાતનો ટેબ્લો પ્રથમ ક્રમે રહ્યો હતો. આ ઉપલબ્ધી માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતની જનતાને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છા
ગુજરાતનો ટેબ્લો પ્રથમ ક્રમે આવ્યો તેને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “ગુજરાતના ટેબ્લૉને સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ શ્રેણીમાં પ્રથમ સ્થાન મળ્યું છે તે આપણા સૌ માટે વિશેષ ગૌરવની વાત છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત નવી દિલ્હી, કર્તવ્યપથ ખાતે આયોજિત પરેડમાં પ્રદર્શિત થયેલ ગુજરાતના ટેબ્લૉને પીપલ્સ ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું છે. તેવી જ રીતે જજીસ ચોઇસ કેટેગરીમાં પણ ગુજરાતના ટેબ્લૉએ દ્વિતીય સ્થાન હાંસલ કરીને રાજ્યને અનેરું ગૌરવ અપાવ્યું છે.”
મને જણાવતા અત્યંત આનંદ થાય છે કે પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત નવી દિલ્હી, કર્તવ્યપથ ખાતે આયોજિત પરેડમાં પ્રદર્શિત થયેલ ગુજરાતના ટેબ્લૉને પીપલ્સ ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું છે. તેવી જ રીતે જજીસ ચોઇસ કેટેગરીમાં પણ ગુજરાતના ટેબ્લૉએ દ્વિતીય સ્થાન હાંસલ કરીને રાજ્યને અનેરું… pic.twitter.com/3ghOuyz7Tq
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 30, 2024
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, “ગુજરાતનો ટેબ્લૉ ‘ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ’ થીમ પર આધારિત હતો, જેમાં કચ્છની કલા અને સંસ્કૃતિના રોચક પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષો અગાઉ ધોરડોનું સફેદ રણ વૈશ્વિક પ્રવાસન કેન્દ્ર બને તેવું સ્વપ્ન જોયું હતું. તેમના માર્ગદર્શનમાં શરૂ થયેલ કચ્છ અને ધોરડોના વિકાસના ફળસ્વરૂપે ધોરડોને UNWTO દ્વારા બેસ્ટ ટુરીઝમ વિલેજનું સન્માન મળ્યું છે, ત્યારે કચ્છના રણોત્સવ, ભૂંગા, હસ્તકલાઓ જેવા પાસાઓને આવરી લેતી આ ટેબ્લૉની થીમ ખૂબ અદભૂત છે. આ ટેબ્લૉના નિર્માણ તથા પ્રસ્તુતિકરણ સાથે સંકળાયેલ ટીમને તેમજ સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.” આ સાથે જ ગુજરાતના ટેબ્લૉ માટે વોટ કરનાર સૌ નાગરિકોનો તેમજ તેના અંગે બહોળો પ્રચાર પ્રસાર કરનાર મીડિયાનો પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આભાર માન્યો હતો.
ગયા વર્ષે પણ મળ્યું હતું પ્રથમ સ્થાન
ઉલ્લેખનીય છે કે ગુજરાતને સતત બીજા વર્ષે આ ઉપલબ્ધી મળી છે. ગયા વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડની ઝાંખી માટે ‘ક્લીન એનર્જી-ગ્રીન એનર્જી એફિશિએન્ટ ગુજરાત’ એ થીમ પર ગુજરાતે પોતાનો ટેબ્લો તૈયાર કરીને મોકલ્યો હતો. કચ્છના ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ (સૌર અને પવન) પુનઃપ્રાપ્ય ઉર્જા પાર્ક આકાર લઇ રહ્યો છે તે ટેબ્લોમાં મોખરે બતાવવામાં આવ્યો હતો. કચ્છના પોશાકમાં સજ્જ એક છોકરી જે પ્રતીકાત્મક રીતે સૂર્ય અને પવનને (બિન-પરંપરાગત ઊર્જાના અખૂટ સ્ત્રોતો) પકડી રાખે છે, તે પ્રદર્શિત કરવામાં આવી હતી. તે સમયે પણ ગુજરાતનો ટેબ્લો ઓનલાઇન પબ્લિક પોલમાં પ્રથમ સ્થાને આવ્યો હતો.