17 સપ્ટેમ્બરના રોજ PM નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ આવી રહ્યો છે. દેશભરમાં PM મોદીના ચાહકોએ કઈક અલગ કરીને PMને જન્મદિવસના વધામણાં આપવાના પ્રયત્નો પણ કર્યા છે. સુરતના એક વેપારીએ PM મોદી માટે 72000 ડાયમંડથી એક પોટ્રેટ પણ બનાવ્યું છે. તેવામાં હવે મોદી સરકાર પણ દેશવાસીઓને ભેટ આપવાના મૂડમાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ 17 સપ્ટેમ્બરે દેશભરમાં ‘આયુષ્યમાન ભવ’ કાર્યક્રમો યોજવાની જાહેરાત કરી છે. આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત ગરીબ અને છેવાડાના લોકોને પણ યોગ્ય સ્વાસ્થ્ય સેવાઓ મળી શકશે.
અહેવાલોના જણાવ્યા અનુસાર PM મોદીના 73મા જન્મદિવસ પર દેશભરમાં આયુષ્યમાન ભવ કાર્યક્રમો યોજવામાં આવશે. જેનાથી છેવાડાના માણસો સુધી સરકાર દ્વારા ચલાવવામાં આવતી સ્વાસ્થ્ય યોજનાઓ પહોંચી શકશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ દરમિયાન શિબિર લગાવવામાં આવશે અને 60,000 લોકોને આયુષ્યમાન ભારત કાર્ડ આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા વધુમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં સ્વાસ્થ્ય સેવાઓ અને કાર્યક્રમોને વધુ સારી રીતે પહોંચાડવા માટે આ કાર્યક્રમને વધુ વખત ચલાવાશે.
60 હજાર લોકોને મળશે ‘આયુષ્યમાન ભારત કાર્ડ’
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, આરોગ્ય મંત્રાલય તમામ સરકારી આરોગ્ય યોજનાઓ દરેક હેતુસર લાભાર્થી સુધી પહોંચાડવા માટે આયુષ્યમાન ભવ નામનો એક કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન દેશભરમાંથી 60 હજાર લાભાર્થીઓને આ કાર્યક્રમ હેઠળ આયુષ્યમાન ભારત કાર્ડ આપવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે ગત વર્ષે આપણે PM મોદીના જન્મદિવસ પર ટ્યૂબરકુલોસિસ (ટીબી)ના મુદ્દા પર ભાર આપ્યો હતો. આ અગાઉ PM મોદીએ કહ્યું હતું કે, દુનિયાને ટીબી મુક્ત કરવાનો ટાર્ગેટ 2030 છે. પરંતુ ભારતનો ટાર્ગેટ 2025ના અંતમાં ટીબીને ખતમ કરવાનો છે. અગાઉના વર્ષે લગભગ 70,000 લોકો નિક્ષય મિત્ર બન્યા હતા અને ટીબી રોગીઓને અપનાવ્યાં હતા. આ વર્ષે નિક્ષય મિત્રોની સંખ્યા વધીને એક લાખ થઈ ગઈ છે.
નોંધનીય છે કે આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના છે. જે દરેક લાભાર્થી પરિવારને વાર્ષિક 5 લાખ રૂપિયાનું હેલ્થ કવરેજ આપે છે.